Madhya Gujarat

આણંદ લોકસભા બેઠક માટે દાવેદારોની હોડ જામી

નિરીક્ષકો સમક્ષ સંભવિતોની રજૂઆત સાથે દિગ્ગજો વચ્ચે દાવપેચ અને લોબિંગ શરૂ

આણંદ લોકસભા બેઠક ઉપર સંભવિત દાવેદારોની સેન્સ પ્રક્રિયા સોમવારે નિરીક્ષકો લેવા પહોંચ્યા હતા. હાલની રાજકીય સ્થિતી જોતા આણંદ બેઠક ઉપર ભાજપમાં દાવેદારોની હોડ જામી હોવાનું જાણવા મળે છે. ભાજપના જ સંભવિતો અવનવા દાવપેચ ખેલવા સાથે છેક દિલ્હી સુધીનું લોબિંગ કરતા હોવાની ચર્ચાઓએ જીલ્લામાં જોર પકડ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો સોમવારે આણંદના કમલમ્ ખાતે આવી પહોંચ્યા હતા. આણંદ લોકસભા બેઠક સંદર્ભે સેન્સ પ્રક્રિયા લેવાની હોવાથી નિરીક્ષકો આવ્યા હતા. કોંગ્રેસના ગઢ ગણાતા આણંદ જીલ્લામાં છેલ્લા એક દશકથી ભાજપે જોરદાર પગ પેસારો કર્યો છે. જેને કારણે ગત લોકસભાની બેઠક જંગી લીડ સાથે ભાજપના ફાળે ગઈ હતી. બાદ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરતાં જીલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયતો અને નગ‌રપાલિકાઓમાં સ્પષ્ટ બહુમત સાથે ભાજપ સત્તારૂઢ થયો હતો. ગત વિધાનસભા ચૂંટણી વખતે તો કોંગ્રેસની સલામત ગણાતી બોરસદ અને આંકલાવ બેઠકો ઉપર પણ ભાજપે જોર કર્યું હતું. જેના ભાગરૂપે ભાજપને બોરસદ બેઠક મળી હતી, જ્યારે આંકલાવ બેઠક કોગ્રેસે ખૂબ જ પાતળી સરસાઈથી જાળવી રાખી હતી. હવે 18મી લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આ બેઠક ઉપર શરૂથી જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર રહે છે. જે મુજબ ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. આ બેઠક ભાજપના ફાળે યથાવત રાખવા અત્યારથી જ મથામણ ચાલુ થઈ ગઈ છે. આજે પ્રદેશ નિરીક્ષકો સંભવિતોને સાંભળી સેન્સ લેવા આણંદ કમલમ્ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં વર્તમાન સાંસદ મિતેશભાઈ પટેલ (બકા ભાઈ), પૂર્વ સાંસદ દિલીપભાઇ પટેલ, આણંદ જીલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ (ધર્મજ), જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલે પોતે દાવેદાર હોવાની રજૂઆત નિરીક્ષકો સમક્ષ કરી હોવાનું જાણવા મળે છે. આ બેઠકનું રાજકીય સમીકરણ જોઈએ તો ગત ચૂંટણીની જંગી લીડ કદાચ મિતેશભાઈ પટેલને રિપીટ કરે તો નવાઈ નહીં. પરંતુ બીજી તરફ રાજકીય સમીકરણ એવું પણ છે કે ભાજપે ભૂતકાળમાં જયપ્રકાશભાઈ પટેલ અને દિપકભાઈ પટેલને રિપીટ કરતા આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. આ વખતની ચૂંટણીમાં વર્તમાન સાંસદ સહિત ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પણ રેસમાં સૌથી આગળ ચાલતા હોવાનું જાણવા મળે છે. આણંદ લોકસભા બેઠકની જીલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા મોડે સુધી ચાલતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આગામી બે ત્રણ દિવસમાં પ્રદેશ કક્ષાએ સેન્સ પ્રક્રિયા હોવાનું જાણવા મળે છે. જેથી જીલ્લામાં ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત સંભવિત દાવેદારોએ દિલ્હી સુધીનું લોબિંગ તેજ કરી દિધું છે.

Most Popular

To Top