Comments

અય મેરે પ્યારે વતન!

  • વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
  • પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે

આ કોણ આવીને મારા આંગણાને પવિત્ર કરે છે ભાઈ? ભજન ગાઈને તેં તો વિજય માલ્યા-નીરવ મોદી ને હર્ષદ મહેતાના માહોલમાં મારા નરસિંહ મહેતા યાદ કરાવી દીધા. અવાજ સરસ છે, પ્લીઝ, આખું આવડતું હોય તો આખું જ ગાજે, લોકોને ખબર તો પડે કે, હર્ષદ મહેતા ને નરસિંહ મહેતા વચ્ચે કેટલો ફાંસલો છે? પૂ. બાપુનું આ પ્રિય ભજન હતું. રાષ્ટ્રીય તહેવારના આનંદમાં તેં બાપુ યાદ કરાવી દીધા! એક વાત પૂછું? પણ પૂછું કોને? ગાનાર તો દેખાતો જ નથી! વચન અને પ્રવચન સંભળાય એમ, માત્ર શબ્દો જ સંભળાય? જ્યાં ઊભાં હોય ત્યાં સાંભળો, આ ભજન તમે રોજ ગાઓ છો, કે પછી વાર તહેવારે? સોરી, આ તો તમે માણસ છો, એટલે પૂછ્યું! અહીં તો દેશદ્રોહીઓ પણ સામી છાતીએ પ્રગટ થાય છે, તો તમે કેમ પ્રગટ થતાં નથી?  તમે દેખાતા કેમ નથી? જે હોય તે પ્રગટ થાઓ ને ભાઈ! કે પછી એમાં પણ કોઈનું  રીમોટ કંટ્રોલ જોઈએ? આવું નહિ કરો યાર! મને તો  એ જ નથી સમજાતું કે, હું કોઈ નેતા નથી, છતાં મારા આંગણા પાવન કરવા અહીં કેમ આવ્યાં ? તમને ખબર નથી, નેતા થવા માટેનું લીસ્ટ  એટલું લાંબુ છે કે, બે-ત્રણ પેઢી ખલાસ થાય તો પણ નંબર નહિ આવે! મારો કોઈ આશ્રમ નથી, વૃધ્ધાશ્રમ નથી, અનાથાશ્રમ નથી, ગૌશાળા કે મહાશાળા નથી, હું સ્વાતંત્ર્ય  સેનાની પણ નથી ને સાચો દેશભક્ત પણ નથી. હા, દિવસમાં ત્રણ વાર ગોળીઓ ખાધેલી, પણ ડોક્ટરના કહ્યા પ્રમાણે, બંદૂકવાળી ગોળી નહિ!

ઓહહહ…સમજી ગયો, આ બધો ૧૫ મી ઓગષ્ટનો મહિમા છે. મને લાગે તમારી પણ ઊંઘ ઉઘડી છે! સાચું કહેજો, તમને પણ આજે ‘બાપુ’ યાદ આવ્યા ને? વાંધો નહિ, જ્યાં સુધી ગવાય ત્યાં સુધી ગા. વાઈબ્રેશન સુધરશે! પણ જગ્યા ખોટી પકડી દોસ્ત! દિલ્હી જઈને ગા, ગાંધીનગર જઈને ગા, જુનાગઢ જઈને ગા, પોરબંદર જઈને ગા, કોઈ નિશાળ-આશ્રમશાળા કે સરકારી ચોરામાં જઈને ગા! તારું ગાયેલું લેખે લાગશે ભાઈ. હું તો જન્મ્યો ત્યારથી વૈષણવજન છું. તું એક વાર પ્રગટ થા. મારે તારા ખભે હાથ મૂકીને થોડીક ‘ટીપ્સ’ આપવી છે! આપણે બંને મળીએ ને ગમતાનો ગુલાલ કરીએ!

  • સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
  • વાચ કાછ મન નિશ્ર્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

બસ..બસ..! પંપાળવાનું છોડ હવે..! ક્યાં તો પ્રગટ થા, ક્યાં તો આગળ જઈને રટણ કર. સાલું, સમજાતું નથી કે, રાષ્ટ્રીય પર્વ આવે ત્યારે જ કેમ બધાને દેશભક્તિની ધૂણી ઉપડે? તમે છો કોણ? કૃપા કરીને પ્રગટ થાવ ને. મારી સાથે  ઝાઝી ગાંધીગીરી ના કરો પ્લીઝ!ગાંધીગીરી..?  મારી આ ચેષ્ટા તને ‘ગાંધીગીરી’ લાગે છે?  તું મને સમજે છે શું?અમે રાષ્ટ્રપ્રેમીઓ છીએ, હું પણ તને રાષ્ટ્રપ્રેમી માનું છું. નરસિંહ મહેતાનો વંશજ માનું છું. અમારા વેશ જુદા, ખેસ જુદા, પણ અમે બધાં જ એક જ ભૂમિનાં સંતાન. સમય આવે ત્યારે બધાં જ એક જ ગાંધીની જય, એક સાથે બોલીએ. ગાંધીજી એટલે અમારા તારણહાર. ગાદી માટે ઝઘડીએ, પણ ગાદીની પ્રાપ્તિ થાય ત્યાં સુધી જ! અમારા ખેસની ઈજ્જત કરીએ. પછી તો જે દિશામાં પવન એ દિશામાં નાવડું અમે હંકારીએ નહિ, પણ આપોઆપ હંકાવા લાગે! બાપુએ તો ખુરશી સુધી જવાનો રસ્તો બતાવ્યો, એમને ભૂલાય? ચાલ હવે, લાંબું ભાષણ કરી નાંખ્યું. ક્યાં તો પ્રગટ થા, ક્યાં તો મને મારું કામ કરવા દે. સ્વાતંત્ર્ય દિવસ વરસમાં એક જ દિવસ આવે છે ને મારે હજી ભાષણ તૈયાર કરવાનું છે. ભાષણ નહિ લખાય તો આવતી કાલનું છાપું અમારા ‘ફોટુ’ વગર પ્રગટ થશે! હું  એક વેપારી  છું!

  • મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
  • રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે

હવે હદ થાય છે હંઅઅઅ? તારા ગળામાં પીન ચોંટી ગઈ કે શું..? સહેજ કોઠું આપ્યું એમાં તો લોહી પીવા બેઠો! હવે તું જાય છે કે, પછી? હાહાહાહા! આવી ગયો ને ઔકાત ઉપર? મારા પ્રાગટ્યની ચિંતા છોડ, તું માણસ બની પ્રગટ થાય તો પણ ઘણું છે. મને જાણવાની કે ઓળખવાની જરૂર નથી. તું જ તારો ગાંધી બની જા દોસ્ત! માત્ર તને તું ઓળખે તો પણ ઘણું છે! તમે છો કોણ યાર? પ્રગટ થવા કરતાં, પ્રવચન વધારે આપો  છો? (ત્યાં જ માણસના ખભે એક વાંદરું ચઢીને બેસી ગયું.) અરે…ઉતર, નીચે ઉતર! સહેજ મોંઢું આપીએ એટલે લોકો માથે ચઢે ને ખભે ચઢી ગયું? ઉતર નીચે, નીચે ઉતર!

  • સમ દ્રષ્ટિ તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે
  • જીહ્રવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે

ઓહહહ! એટલે કે, આ ભજન તું જ ગાતો હતો એમ ને? તું અમારી જેમ બોલી શકે છે? કેમ તને કોઈ શંકા?  તને ખબર નહિ હોય, ગાંધીજીના ત્રણ વાંદરા પૈકીનો એક વાંદરો હું પોતે છું. આ તો મને ચળ ઉપડી કે, પ્રજાસત્તાક પર્વના બહાને, લાવ એક આંટો ગુજરાતમાં લગાવી આવું ને ‘ખુશ્બુ ગુજરાતકી’ લેતો આવું, એમ કરવામાં તમે આંટે ચઢી ગયાં!

વાંદરવેડા ના કર ને ગપ્પાં મારવાનું છોડ. ગાંધીજીને વાંદરા નહિ, ત્રણ વાંદરાનું રમકડું વ્હાલું હતું. એકને દેખાતું નહિ, બીજાને સંભળાતું નહિ, ને ત્રીજાથી બોલાતું નહિ! બસ, એ ત્રીજો વાંદરો તે જ હું! વિકાસ એવો ફાલ્યો કે, રમકડાંમાંથી અમે વાંદરા બની ગયાં, ને તું, એકબીજાના હાથનું રમકડું બની ગયો!  હવે હું બોલતો થઇ ગયો છું. એક દેખતું થઇ ગયું ને બીજું સાંભળતું થઇ ગયું!  ત્યારે તું તો કોઈનું સાંભળતો પણ નથી, ને કોઈ સામે જોતો પણ નથી. વાંદરા સુધરી ગયાં, માટે માણસ તું પણ સુધરી જા દોસ્ત! વૈષ્ણવજનના લેબલ લગાવી ક્યાં સુધી લોકોને છેતરતો

ખામોશ…!  તું મને ચાઈનાની પ્રોડક્ટ લાગે છે! અમારા વાનરો તો ભગવાન શ્રી રામના ભક્તો હતા. ચાલ ખભેથી નીચે ઉતર. તારો ભાર લાગે છે.ભાર તો આ પૃથ્વીને તારો લાગે છે વત્સ! એક પૂર્વજ તરીકે  એટલું જ કહેવું છે કે, ‘તું જ તારો ગાંધી બની જા. તો જ સ્વતંત્રતા મળશે, આઝાદીનાં અમર ફળ મળશે ને સાચો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાશે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top