ભારતનો રૂપિયો તૂટી રહ્યો છે, તેને ઊગારવા અમેરિકા દોડી આવતું નથી; પણ જાપાનના યેનને બચાવવા અમેરિકા દોડી આવ્યું છે, તેની પાછળ તેનો જાપાન માટેનો પ્રેમ જવાબદાર નથી, પણ પોતાનો સ્વાર્થ જવાબદાર છે. ડોલર સામે યેનની નબળાઈએ માત્ર જાપાનના અર્થતંત્રને અસર કરી નથી, પરંતુ વૈશ્વિક નાણાંકીય બજારમાં પણ ચિંતા ઊભી કરી છે. બે દિવસ પહેલાં જાપાનનો યેન ૧૯૮૬ પછીના સૌથી નબળા સ્તરે ગગડી ગયો હતો. ત્યારે ૧ ડોલર બરાબર ૧૬૪ યેનનો ભાવ થઈ ગયો હતો. યેનને પડતો રોકવા માટે અમેરિકાએ એક દાયકાથી વધુ સમય પછી અચાનક જાપાનીઝ યેન ખરીદવાનું શરૂ કર્યું છે. તાજેતરના દિવસોમાં અમેરિકા દ્વારા ૫ થી ૧૦ અબજ ડોલરના યેન ખરીદવામાં આવ્યા છે. અમેરિકાનાં આ પગલાં પછી તરત જ વૈશ્વિક બજારોમાં જાપાનીઝ યેનના મૂલ્યમાં વધારો થયો હતો, જે ત્રણ મહિનાની ટોચે પહોંચ્યો હતો. શુક્રવારે યેન ડોલર સામે ૧૫૪.૪૦ પર બંધ થયો હતો. યેનની અચાનક રિકવરી એ બજારની સામાન્ય ઘટના નથી, પરંતુ અમેરિકા અને જાપાન વચ્ચેની સંયુક્ત વ્યૂહરચનાનું પરિણામ છે. પ્રશ્ન એ થાય છે કે અમેરિકા અચાનક જાપાનના ચલણને બચાવવામાં આટલો બધો રસ કેમ લેવા લાગ્યું છે?
ભલે તમને લાગતું હોય કે અમેરિકા તેના સાથી દેશ તરીકે જાપાનને મદદ કરી રહ્યું છે, પણ આ પાછળ અમેરિકાનો વ્યક્તિગત સ્વાર્થ છે. જાપાન યુએસ ટ્રેઝરી બોન્ડનો વિશ્વનો સૌથી મોટો વિદેશી રોકાણકાર છે. જાપાન આશરે ૧,૨૦૦ અબજ ડોલરના યુએસ ટ્રેઝરી બોન્ડ ધરાવે છે, જેને તે પોતાના વિદેશી વિનિમય અનામતનો ભાગ માને છે. અમેરિકાનું જાપાન સાથેનું દેવું ૧,૨૦૦ અબજ ડોલર જેટલું છે. જ્યારે જાપાન તેનું ચલણ મજબૂત કરવા માંગે છે, ત્યારે તે તેના વિદેશી વિનિમય અનામતમાંથી યુએસ ટ્રેઝરી બોન્ડ ખુલ્લા બજારમાં વેચે છે. આનાથી બજારમાં યેનની માંગ વધે છે અને તેની કિંમત સ્થિર થવા લાગે છે. જો કે, જાપાન દ્વારા મોટા પ્રમાણમાં યુએસ ટ્રેઝરી બોન્ડનું વેચાણ અમેરિકાના બોન્ડ માર્કેટ પર સીધી અસર કરે છે. અમેરિકાની ચિંતાનું કારણ શું છે? અમેરિકા પહેલાંથી જ વધતાં દેવાં અને તેના વધતા ખર્ચનો સામનો કરી રહ્યું છે.
તાજેતરના મહિનાઓમાં ૩૦ વર્ષનો યુએસ ટ્રેઝરી વ્યાજનો દર ૫.૨ ટકાને વટાવી ગયો છે, જે ૨૦૦૭ પછીનો સૌથી ઉચ્ચતમ સ્તર છે. બોન્ડના વ્યાજનો દર વધે તેમ અમેરિકાને તેનાં દેવાં પર વધુ વ્યાજ ચૂકવવું પડે છે. અમેરિકાનું કુલ દેવું આશરે ૪૦ ટ્રિલિયન (૪૦,૦૦૦ અબજ) અમેરિકન ડોલર પર પહોંચી ગયું છે, જેના પર દર વર્ષે આશરે ૧ ટ્રિલિયન ડોલર જેટલું તો વ્યાજ ચૂકવવું પડે છે. આ રકમ અમેરિકાના સંરક્ષણ બજેટ કરતાં પણ વધુ છે. જાપાન જેવા દેશો જો પોતાની પાસેના અમેરિકન ટ્રેઝરી બોન્ડ વેચવા કાઢે તો અમેરિકાને વ્યાજના દરો વધારવા પડે છે, જેને કારણે અમેરિકામાં ફુગાવો પણ વધી શકે છે. અમેરિકાને આગામી વર્ષમાં તેના સરકારી દેવાંના લગભગ એક તૃતિયાંશ ભાગને ફરીથી ફાઇનાન્સ કરવાની પણ જરૂર પડશે.
જો આ સમયગાળા દરમિયાન બોન્ડનું વ્યાજ વધે છે તો સરકારે નવાં દેવાં પર પહેલાં કરતાં વધુ વ્યાજ ચૂકવવું પડશે. આનાથી અમેરિકાના આર્થિક વિકાસ પર અસર પડી શકે છે. જો જાપાન યેનને બચાવવા માટે પોતાની પાસેના યુએસ ટ્રેઝરી બોન્ડ વેચે છે, તો અમેરિકાની સમસ્યાઓ વધુ વિકરાળ થઈ શકે છે. આ જ કારણ છે કે અમેરિકા ડોલર વડે વધુ યેન ખરીદી રહ્યું છે. યેન જાપાનનું ચલણ છે. તેને વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થામાં મુખ્ય ચલણ માનવામાં આવે છે. તેની તીવ્ર વધઘટ એશિયન બજારો, કોમોડિટીના ભાવ અને આંતરરાષ્ટ્રીય વેપારને અસર કરે છે. જો અમેરિકા અને જાપાન યેનને સ્થિર કરવામાં સફળ થાય તો તે નાણાંકીય બજારોમાં અસ્થિરતા ઘટાડી શકે છે. તે યુએસ બોન્ડ માર્કેટ પર દબાણ પણ ઓછું કરશે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરશે. જો કે, નિષ્ણાતો એવું પણ માને છે કે ફક્ત ચલણ ખરીદીને લાંબા ગાળે યેનને ટેકો આપવો મુશ્કેલ બની શકે છે, સિવાય કે બેંક ઓફ જાપાન તેના વ્યાજ દરોમાં વધારો કરે, જે હાલમાં ખૂબ ઓછા છે.
૨૦૧૧ પછી અમેરિકા દ્વારા જાપાની ચલણની આ ખરીદી બંને દેશો દ્વારા પ્રથમ સંયુક્ત નાણાંકીય હસ્તક્ષેપ છે, જ્યારે જાપાનમાં આવેલા પ્રચંડ ભૂકંપ પછી યેનના મૂલ્યમાં તીવ્ર ઘટાડો થયો હતો અને G7 દેશોએ તેને નિયંત્રિત કરવા માટે સંયુક્ત પગલાં લીધાં હતાં. અમેરિકા અને જાપાન દ્વારા આ સંયુક્ત કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ જાપાનીઝ યેનના મૂલ્યમાં સતત ઘટાડા અને જાપાન દ્વારા અમેરિકાના ટ્રેઝરી બોન્ડના વેચાણને રોકવાનો છે.
કોઈ પણ દેશના ચલણમાં સતત ઘટાડો તેના સમગ્ર અર્થતંત્ર માટે ખતરનાક બની શકે છે. જ્યારે જાપાનીઝ યેનના મૂલ્યમાં ઘટાડો થાય છે, ત્યારે જાપાન માટે વિદેશથી ખનિજ તેલ, ગેસ, ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવી વધુ મોંઘી બની જાય છે. આનાથી દેશમાં ફુગાવો વધે છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોનાં ખિસ્સાં પર પડે છે. જ્યારે અમેરિકા જેવો મુખ્ય આર્થિક ખેલાડી જાપાનીઝ યેનની ખરીદીને ટેકો આપે છે, ત્યારે જાપાનમાં આયાત સસ્તી થાય છે અને ફુગાવો કાબૂમાં આવે છે. અમેરિકા જાપાનના નહીં પણ પોતાના સ્વાર્થ માટે યેન ખરીદી રહ્યું છે.
જાપાનની દાયકાઓ જૂની સસ્તા ધિરાણની નીતિ હવે ડગમગી રહી છે. બેંક ઓફ જાપાન (BoJ) દ્વારા વ્યાજ દરમાં વધારાથી યેન કેરી ટ્રેડ નબળો પડ્યો છે. જાપાને નીચી વૃદ્ધિ, ડિફ્લેશન અને વસતીવિષયક ઘટાડાને દૂર કરવા માટે દાયકાઓ સુધી વ્યાજ દર શૂન્ય અથવા તેની નજીક રાખ્યા હતા. બેંક ઓફ જાપાને સરકારી બોન્ડ ખરીદીને અને ઉધાર ખર્ચ ઓછો રાખવાનું વચન આપીને સિસ્ટમમાં પૈસા ભરી દીધા હતા. તેનો હેતુ લોન સસ્તી બનાવવાનો હતો જેથી વ્યવસાયો અને ઘરો ખર્ચ કરી શકે અને રોકાણ કરી શકે, પરંતુ તેનું પરિણામ બીજું આવ્યું. રોકાણકારોએ લગભગ શૂન્ય દરે યેન ઉધાર લીધા અને તેનું ડોલરમાં રૂપાંતર કર્યું. આ ડોલર તેમણે એવાં સ્થળોએ રોકાણ કર્યા જ્યાં વળતર વધુ હતું. આમાં યુએસ ઇક્વિટી અને રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે.
ગણિત સરળ હતું કે ૦% પર ઉધાર લો, ૫% કમાઓ, નફો ખિસ્સાંમાં નાખો. આ ચલણ વેપાર વ્યૂહરચના હેઠળ દુનિયાનાં રોકાણકારોએ ઓછા વ્યાજ દરે યેન જાપાનના ઉધાર લીધા હતા અને પછી તેનું વધુ ઉપજ આપતા દેશોનાં બજારોમાં રોકાણ કર્યું હતું. જાપાનમાં વ્યાજનો દર વધવા લાગ્યો ત્યારે વિશ્વનાં બજારોમાં ફેલાયેલી આ અબજો ડોલરની મૂડી પાછી જાપાનમાં આવવા લાગી, જેને કારણે દુનિયાનાં બજારોમાં મંદીનો ડર પેદા થયો છે.જાપાન હવે ફુગાવાને નિયંત્રિત કરવા અને યેનને સુરક્ષિત રાખવા વચ્ચે ફસાયેલું છે, જે વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થા માટે ખતરો છે.
યેન કેરી ટ્રેડ એ એક જૂની ચલણ બજાર વ્યૂહરચના છે, જેમાં રોકાણકારો ઊંચા વ્યાજ દરવાળા ચલણમાં રોકાણ કરવા માટે ઓછા વ્યાજ દરવાળા ચલણ ઉધાર લે છે. વર્ષોથી, જાપાનના અતિ નીચા વ્યાજ દરો અને નબળા યેનને કારણે જાપાની ચલણ વિશ્વનું સૌથી પસંદગીનું ભંડોળ એકમ બન્યું હતું, પરંતુ જ્યારે યેન ડોલર સામે મજબૂત થાય છે, ત્યારે આ વેપાર ઝડપથી નુકસાનમાં ફેરવાય છે, જેના કારણે રોકાણકારોને તેમની સ્થિતિ બંધ કરવાની ફરજ પડે છે. આના કારણે ઘણી વાર વૈશ્વિક બજારોમાં મોટી વેચવાલી થાય છે. જાપાન હવે બે અનિશ્ચિત સ્થિતિઓ વચ્ચે ફસાયેલું છે. ફુગાવાને નિયંત્રિત કરવો અને યેનનું રક્ષણ કરવું અથવા વ્યાજ દરો નીચા રાખવા અને મૂડી પલાયનનું જોખમ લેવું. જૂની વ્યૂહરચના હવે કામ કરતી નથી લાગતી.
જાપાનના નાજુક અર્થતંત્રને એક સમયે એક સાથે રાખનારાં સાધનો હવે પાછળ પડી રહ્યાં છે. આમાં શૂન્ય વ્યાજના દર, મોટા પાયે બોન્ડ ખરીદી અને નબળા ચલણનો સમાવેશ થાય છે. આ ફક્ત જાપાન માટે સમસ્યા નથી, પણ સસ્તી લોન પર બનેલી વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થા માટે તે ચેતવણી છે. જાપાનની વર્તમાન પરિસ્થિતિ સમજાવે છે કે બજારો વધુ ને વધુ ચિંતાતુર બની રહ્યાં છે. કોવિડ-૧૯ અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે દાયકાઓ સુધી ડિફ્લેશન સામે લડ્યા પછી, જાપાને આખરે ૨૦૨૨ માં તેના ૨% ફુગાવાના લક્ષ્યને પાર કરી લીધું છે. તે સતત ત્રણ વર્ષથી આ લક્ષ્યથી ઉપર રહ્યું છે. જાપાનની આર્થિક નીતિ દુનિયાના અર્થતંત્રમાં ભૂકંપ લાવે તેવી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.