Vadodara

અકોટા-દિનેશ મિલ રોડ પર મસમોટો ભુવો પડ્યો ; સામાજિક આગેવાને જાતે ભુવો કોર્ડન કર્યો

પોતાનું નહિ, પ્રજાનું હિત જુએ તેવા ઉમેદવાર ચૂંટો” – વિઠ્ઠલ આયરે

સ્માર્ટ સિટીમાં ‘સ્માર્ટ ભુવા’એ ભારે કરી, કોર્પોરેટરો વાહવાહીમાં વ્યસ્ત અને મસ્ત, જનતા ભુવાથી ત્રસ્ત!

વડોદરા : સ્માર્ટ સિટી વડોદરામાં પ્રિ-મોન્સૂન કામગીરી અને રોડ રસ્તાની ગુણવત્તાના લીરેલીરા ઉડતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના પોશ ગણાતા અકોટા દિનેશ મિલથી ઓપી રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક મસમોટો ભુવો પડતા વાહનચાલકોમાં ફાળ પડી છે. એક તરફ તંત્ર સ્માર્ટ હોવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ જનતાના પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટના અંગે આકરા પ્રહાર કરતા સામાજિક આગેવાન વિઠ્ઠલ આયરે જણાવ્યું હતું કે, જ્યારે રસ્તા પર ભયાનક ભુવો પડ્યો ત્યારે વિસ્તારના ચાર-ચાર કોર્પોરેટરો માત્ર પોતાની વાહવાહી લૂંટવામાં અને ફોટો સેશન કરાવવામાં વ્યસ્ત છે. જનતાની સુરક્ષાની ચિંતા કરવાને બદલે સત્તાધીશો પોતાની પ્રસિદ્ધિ પાછળ દોડી રહ્યા છે. આ પરિસ્થિતિમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી વિઠ્ઠલ આયરે પોતે આગળ આવીને ભુવાને કોર્ડન કરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી હતી.

વિઠ્ઠલ આયરેએ વડોદરાની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, “આગામી સમયમાં જનતાએ જાગૃત થવાની જરૂર છે. આપણે એવા પ્રતિનિધિઓ ચૂંટી લાવવા જોઈએ જે પ્રજાના હિતમાં કામ કરે, નહિ કે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે. શહેરને એવા લોકસેવકોની જરૂર છે જે અડધી રાત્રે પણ પબ્લિકની સમસ્યા સાંભળવા અને કામ કરવા માટે ખડેપગે તૈયાર હોય.”
અકોટા જેવા વૈભવી વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ પર પડેલો આ ભુવો વડોદરા કોર્પોરેશનની “સ્માર્ટ” કામગીરીની પોલ ખોલી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર જાગે છે કે પછી કોઈ મોટી જાનહાનિની રાહ જોવામાં આવે છે.

Most Popular

To Top