ગળામાં વાયર અને ઓઢણી વીંટાયેલી હાલતમાં મૃતદેહ મળતા હત્યાની આશંકા
FSL ટીમ તપાસમાં જોડાઈ, પોલીસ દ્વારા ઓળખ અને આરોપી શોધવા દોડધામ
વડોદરા, તા. 5
વડોદરા નજીક અંકોડિયા વિસ્તારમાં આવેલા ખેતરના ઝાડી-ઝાંખરામાંથી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. યુવતીના ગળામાં વાયર અને ઓઢણી વીંટાયેલી હાલતમાં લાશ મળી આવતા પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ અંકોડિયા-ઉંડેરા બોર્ડર વિસ્તારમાં ખોડિયાર માતાના મંદિર તરફ જતા રસ્તા પાસે આવેલા ખેતરમાં ખેડૂતોએ સાંજે મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહ કબજામાં લઈને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીની ઉંમર અંદાજે 30 વર્ષની હોવાનું માનવામાં આવે છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે FSL ટીમને સ્થળ પર બોલાવી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને યુવતીની ઓળખ તથા આરોપી સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.