હાલોલ :
હાલોલ નજીક ટીંબી વિસ્તારમાં એક ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઈક સામસામે અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે બે અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, ઘોઘંબાથી આગળ આવેલા કંડા ગામેથી હાલોલ તરફ આવી રહેલા દંપતી – હિતેષભાઈ પરમાર અને તેમની પત્ની માયાબેન પરમાર – અકસ્માતમાં સપડાયા હતા. સામેની દિશામાંથી આવી રહેલી બાઈક સાથે તેમની બાઈક જોરદાર રીતે અથડાઈ હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે હિતેષભાઈ પરમારનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું, જ્યારે તેમની પત્ની માયાબેન પરમારને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને પણ તાત્કાલિક હાલોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી બાઈક પર સવાર મહેન્દ્ર બારિયા (રહેવાસી ટાઢોડીયા)ને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પણ હાલોલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ.