ચિખોદરા રહેતાં યુવકે દેવુ ચુકવવા ભાભીના ચાંદીના કડલા લૂંટી લેવા માટે તેને ફરવા જવાના બહાને લઇ જઇ હત્યા કરી

(પ્રતિનિધિ) આણંદ તા.12
આણંદના સામરખા ગામ પાસેથી પસાર થતાં એક્સપ્રેસ વે પર ભાલેજ એક્ઝીટ રોડની બાજુમાં ઝાડી – ઝાંખરમાં મહિલાનો કહોવાય ગયેલો મૃતદેહ મળ્યો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે તપાસ કરતાં મૃતક મહિલા ઉમરેઠના રહેવાસી હોવાનું ખુલ્યું હતું. બાદમાં લોકલ ક્રાઇમ બ્રાંચને સાથે રાખી સઘન તપાસ કરતાં આ મહિલા વિધવા હોવાનું અને તેમના પિયર ઉમરેઠમાં રહેતાં હતાં. જોકે, બનાવના દિવસે ચિખોદરા રહેતા તેના દિયરે દેવુ ચુકવવા ચાંદીના કડલા લૂંટી લેવા માટે ફરવા લઇ જવાના બહાને ભાભીને લઇ જઇ ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો મામલો બહાર આવ્યો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે મૃતક મહિલાના દિયરની ધરપકડ કરી હતી.
આણંદના સામરખાના ઇન્દીરાનગરી નજીક ભુતરડા રોડ પર એક્સપ્રેસ હાઈવેના ભાલેજ એક્ઝીટ રોડની બાજુની ઝાડી ઝાંખરમાં અજાણી મહિલાની લાશ મળી હતી. આ અંગેની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જ અંદાજે 35થી 40 વર્ષના આશરાની મહિલા હતી. તેના ગળાના ભાગે ચામડી કપાઇ ગયેલી તથા માથાની જમણી બાજુએ બે વાગેલાના ઇશાના નિશાન, ડાબી બાજુ ચાર નિશાન, કોણીના બહારના ભાગે વાગેલાનું નિશાન, ચહેરાની ડાબી બાજુ, કાંડા ફરતે ઉઝરડાના નિશાન સહિત સહિતના અનેક ભાગમાં ઇજાના થઇ હોવાનુ બહાર આવ્યું હતું. આમ, તેની હત્યા કરાઇ હોવાનું ખુલતાં આણંદ ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. સોલંકીએ જણાવ્યું હતું કે, આણંદ ગ્રામ્ય પોલીસે જુદી જુદી ચાર ટીમ બનાવી મહિલાની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. જેમાં ગુમ થયેલા મહિલાના સગા – સંબંધીને મળીને મૃતદેહની ઓળખ માટે પુછપરછ કરાઇ હતી. આ ઉપરાંત એક ટીમ દ્વારા રસ્તા પરના સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં. જેમાં ચિખોદરા ગામમાં આંખની હોસ્પિટલ પાસે ભેસાલ તલાવડી વિસ્તારમાં રહેતા અને કેટરર્સમાં રસોઇ કામ કરવા જતાં વિધવા બહેન ચાર – પાંચ દિવસથી દેખાતા ન હોવાનું જાણવા મળ્યું હતું. જેઓ ઉમરેઠ તેમના પિયર રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મહિલાના પરિવારજનોનો સંપર્ક કરતાં તેના ભાઇ અને દિકરીએ મૃતદેહને ઓળખી બતાવ્યો હતો અને મૃતક મહિલા જમનાબહેન ઉર્ફે ગંગા વિઠ્ઠલભાઈ વાઘેલા (ઉ.વ.50, રહે. ચિખોદરા) હોવાનું બહાર આવ્યું હતું. આ ઓળખ બાદ પોલીસે હત્યા સંદર્ભે તપાસ શરૂ કરી હતી. જેમાં મરનારના કામના સ્થળ અને મોબાઇલ નંબર, રહેઠાણના આજુબાજુના લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. આ પુછપરછમાં મહિલાના ઘર નજીક તેમનો કુટુંબીક દિયર વિઠ્ઠલ ચંદુ વાઘેલા શંકાના દાયરામાં આવ્યો હતો. આથી, તેની અટક કરી આગવી ઢબે પુછપરચ કરતાં તે ભાંગી પડ્યો હતો અને કબુલાત કરી હતી કે, કૌટુંબીક ભાભી જમનાબહેન ઉર્ફે ગંગા પગમાં ચાંદીના કડલા પહેરતાં હતાં. દેવુ થઇ જતાં જમનાબહેનને મારી નાંખીને કડલા લઇ વેચી, દેવુ ચુકતે કરવાનો પ્લાન બનાવ્યો હતો. આથી, 9મી મેના રોજ ફરવા જવાના બહાને ઘરેથી લઇ જઇ હત્યા કરી તેમના કડલા લૂંટી લીધાં હતાં અને તે વેચી દેવુ ચુકવ્યું હોવાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે આણંદ ગ્રામ્ય પોલીસે વિઠ્ઠલ ચંદુ વાઘેલા (રહે. ચિખોદરા)ની ધરપકડ કરી હતી.
વિઠ્ઠલ વાઘેલાએ કેવી રીતે હત્યાને અંજામ આપ્યો ?
વિઠ્ઠલ વાઘેલાએ કબુલાતમાં જણાવ્યું હતું કે, દેવુ ચુકતે કરવા માટે જમનાબહેન ઉર્ફે ગંગાની હત્યા માટે પ્લાન કર્યો હતો. જે મુજબ 9મી મેના રોજ જમનાબહેનને ફરવા જવા મનાવી લીધાં હતાં. આથી, જમનાબહેન રસોડામાં કામ પતાવી ઘરે આવ્યાં હતાં. બાદમાં સાંજે સાથે ફરવા જવાનું કહી બાઇક પર બેસાડી સાવલી ભમ્મર ઘોડા માતાના મંદિરે દર્શન કરવા લઇ ગયો હતો. બાદમાં રાત પડતાં પ્લાન મુજબ પરત ફરતા સમયે કેનાલ રોડ થઇ સામરખા પાસે ભુતરડા રોડ પર બાઇક મુકી એક્સપ્રેસ હાઈવે પર ભાલેજ એક્ઝીટ રોડની બાજુમાં જમનાબહેનને ઝાડી ઝાંખરમાં લઇ જઇ પ્રથમ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં વિઠ્ઠલ વાઘેલાએ ચપ્પુ કાઢી જમનાબહેનનું મોઢું દબાવી ગળા પર મારી દીધું હતું અને તેમને નીચે કાદવમાં પાડી પક્કડથી માથાના ભાગે ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. જમનાબહેન મૃત્યુ પામતાં તેમના પગમાં પહેરેલા ચાંદીના કડલા કાઢી લઇ લૂંટ કરી લાશને ઝાડી – ઝાંખરમાં નાંખી ભાગી ગયો હતો.
