Entertainment

ઝીરો સે હીરો બન ગયા ‘નવીન’

હિન્દી ફિલ્મ ‘સુલેમાની કીડા’થી નવીનના અભિનયની શરૂઆત થઇ હતી. ‘TVF Pitchers’ અને ‘The Good Vibes’ , Happily Ever After જેવી સીરીઝમાં ચમકેલા એક્ટર નવીન કસ્તુરીયાનો કોરોના કાળમાં સિતારો બુલંદ થઇ ગયો છે. TVF aspirants ના શૂટિંગ દરમ્યાન નવીનને કોરોના થતા તેણે આરામ કરવો પડ્યો હતો અને વેબ સિરીઝનું શૂટિંગ રોકવું પડ્યું હતું. નવીન એન્જીનીયર છે અને ધોરણ 10માં જયારે તે અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તે એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહ્યો હતો અને તેને આઈ.આઈ.ટીમાં પ્રવેશ મેળવવો હતો, આઈ.આઈ.ટીમાં પ્રવેશ મેળવવાનું સપનું તેનું પૂરું થઇ શક્યું નહોતું.

નવીનની આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેની શરૂઆત મહેશ ભટ્ટના બેનર વિશેષ ફિલ્મથી થઇ હતી. નવીન કસ્તુરીયા સૌ પ્રથમવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહેશ ભટ્ટને મળ્યો હતો, ત્યાર બાદ દિબાકર બેનરજીના આસિસ્ટન્ટ દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. નવીનની કમનસીબી છે કે તેની ફિલ્મ હોય કે વેબ સિરીઝ, યુવતી તેની સાથે બ્રેક અપ કરીને ભાગી જાય છે, પણ આ બાબત જાણે તેને માટે લકી સાબિત થઇ છે. TVF ના કોન્ટેન્ટમાં આજના યૂથના રિલેવન્ટ ટોપિક હોય છે અને એમાં ઈમોશન, મનોરંજન તમામ એલિમેન્ટ હોય છે. 5 એપિસોડની આ સીરીઝ આવી અને આવતા જ છવાઈ ગઈ છે. નવીન TVF aspirants ને કારણે રાતોરાત સ્ટાર બની ગયો છે. દિલ્હી બોય નવીન કસ્તુરીયાએ અમારી સાથે પોતાની સક્સેસ અને આનંદ વ્યકત કરતા કહ્યું હતું કે હું ‘ઝીરોથી હીરો’ બની ગયો છું અને હવે નિર્માતાઓ મારી ઉપર રોકાણ કરવા તૈયાર છે, નવીન સાથે વાતચીતના અંશ.

અભિલાષની ભૂમિકાને તમે કેવી જુઓ છો?

નવીન કસ્તુરીયા:  જયારે મેં પટકથા વાંચી એમાં અભિલાષ ઘણો નેગેટિવ છે, ત્યારે ડિરેક્ટરનું કન્સર્ન હતું કે અભિલાષની ભૂમિકાને જોઈને એવું ના થાય કે લોકોને ચીડ આવે અને અભિલાષ પ્રત્યે લોકોને ઘૃણા થઇ જાય લોકો તેની ભૂમિકા સાથે એમ્પથાઇઝ કરવાનું જ બંધ કરવા માંડે એવું થવું જોઈએ નહી. લોકો અભિલાષના ઇનોસન્સ સાથે કનેક્ટ થાય એ બાબત પણ જરૂરી હતી. અભિલાષની પર્સનાલિટીમાં છેલ્લા 6 વર્ષમાં જે બદલાવ આવે છે તે પણ આવવા જોઈએ અને બદલાવ વ્યક્તિત્વમાં દેખાવા જોઈએ આ બાબત પણ જરૂરી હતી. અભિલાષ મેચ્યોર થાય છે. તેના વ્યક્તિત્વમાં બદલાવ આવે છે જયારે તે આઈ.એ.એસ બને છે તે પહેલાથી વધુ શ્યોર છે. અભિલાષની જર્ની આખી અલગ હતી. અભિલાષના કેરેક્ટરને નિભાવતા સેલ્ફ ડિસ્કવરીની વાત આવે તો ઘણા બધા ઈમોશન છે જે મેં પહેલી વાર ક્યારેય ભૂમિકાના માધ્યમથી રજૂ નહોતા કર્યા તે ઈમોશન રજૂ કરવાના હતા

કાસ્ટિંગ ડિરેક્ટરને બદલે ડિરેક્ટરની સામે સીધું તમારું ઓડિશન થયું હતું?

નવીન કસ્તુરીયા: મારી ઈચ્છા હતી કે ડિરેક્ટર જ સીધું મારું ઓડિશન કરે કારણકે ટી.વી.એફનો શૉ હતો અને હું ઈચ્છતો હતો કે ડિરેક્ટર જ સીધું મારું ઓડિશન કરે. ડિરેક્ટર સીધું બ્રીફ કરે અને હું એમજ કામ કરું તો વધુ સરળ રહેશે.

હું મુંબઈમાં હતો ત્યારે મને કોલ આવ્યો હતો અને 3-4 વાર અમે દિલ્હીમાં મળ્યા હતા અને રીડિંગ પણ કરી હતી.

તમે અપૂર્વ સિંહ કારકી અને દિબાકર બેનરજી બંને ડિરેકટર સાથે કામ કર્યું છે તો બંનેની અલગ અલગ પેટર્નમાં તમે પોતાને કેવી રીતે ફિટ કરી શકયા હતા?

નવીન કસ્તુરીયા: બંને વચ્ચેનું કમ્પૅરિઝન થોડું અલગ છે, હું મુંબઈ આવ્યો તે પહેલાથી જ ફિલ્મમેકર દિબાકર બેનરજીનો ફેન હતો. તેઓ ઘણી પ્રિપરેશન કરે છે, અપૂર્વની એક્ટિંગનો ફેન હતો. અપૂર્વ એક્ટર પણ છે અને દિગ્દર્શન પણ સારું કરે છે. બંનેનો કામ કરવાનો એટીટ્યુડ અલગ છે. અપૂર્વને તમે સેટ ઉપર હસી મજાક કરતા પણ જોઈ શકો છો, જયારે દિબાકર પોતાના કામને લઈને સેટ ઉપર ગંભીર હોય છે. ફોક્સ બંનેનું સેટ ઉપર બરાબર રહે છે. અપૂર્વ પહેલાથી જ પ્રિપરેશન કરી રાખે છે.

આજે તમે સ્ટાર છો પણ તમારી જિંદગીના ડાર્ક પિરિયડમાં કોણ ‘સંદીપ ભૈયા’ બની તમને સંભાળી રહ્યું હતું? તમે તે કેવી રીતે ધૈર્ય જાળવી રાખ્યું હતું?

નવીન કસ્તુરીયા: અલગ અલગ લેવલ ઉપર અલગ અલગ લોકો તમને સપોર્ટ આપતા હોય છે અને ગાઈડ કરતા હોય છે. TVF aspirants પહેલા હું કામ કરતો હતો પણ મારા કામને જોયે એટલું રૅકગ્નીશન મળ્યું નહોતું. મારા કરિયરના ડાર્ક પિરિયડમાં અર્નભ , મારા કોલેજના મિત્રો અને મારા પેરેન્ટ્સ મને ખુબ જ સપોર્ટ કરી રહ્યા હતા. મારી લાઈફના ડિફરન્ટ સ્ટેજીસ ઉપર અલગ લોકોએ અલગ અલગ ભૂમિકા ભજવી છે. મારા માતા – પિતાએ મને ઘણો સપોર્ટ આપ્યો હતો.

કોમિક ફિલ્મો અને કોમિક ભૂમિકાઓ ને ડાર્ક હ્યુમરવાળી ફિલ્મો તમને ગમે છે?

નવીન કસ્તુરીયા:  મને કોમિક ફિલ્મો જોવી ગમે છે , 90ના દાયકામાં કોમેડી ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ આવી હતી આ ફિલ્મ મને બહુ ગમી હતી. કોમેડિયનમાં મને જોની લીવર બહુ ગમે છે. સિચ્યુએશનલ કોમેડી ફિલ્મો મને બહુ ગમે છે. ડાર્ક હ્યુમરની વાત આવે તો નીલ નીતિન મુકેશની ફિલ્મ ‘જોની ગદ્દાર’ આવી હતી. આ ફિલ્મ મને બહુ ગમી હતી.

દેશી વેબ સીરીઝને ટક્કર આપવા માટે કોરિયન, સ્પેનિશ અને ટર્કીશ વેબ સીરીઝ માર્કેટ કબ્જે કરી રહી છે ત્યારે દેશી વેબ સીરીઝનું ભવિષ્ય કેવું લાગી રહ્યું છે?

નવીન કસ્તુરીયા: જેમ જેમ દેશી ઓડિયન્સ કોરિયન અને સ્પેનિશ કન્ટેન્ટ વધુ પસંદ કરી રહ્યું છે ત્યારે તેમની સારામાં સારા કન્ટેન્ટ જોવાની ટેવ કેળવાય રહી છે. મોટેભાગે મોબાઈલ ઉપર ટર્કીશ કે ઇરાનિયન કે કોરિયન કોન્ટેન્ટ જોતા ભારતીય દર્શકોને નવા નવા વિષય મળે અને સારી સ્ટોરી મળે તો તેઓ વધુ વિદેશી વેબ સિરીઝ જોવાના જ છે, મને લાગે છે કે દેશી વેબ સીરીઝ સામે કોરિયન કે ટર્કીશ વેબ સીરીઝના કન્ટેન્ટની સ્પર્ધા થાય તો એમાં દેશી ઓડિયન્સને જ ફાયદો છે કારણકે ભારતીય પ્રોડ્યુસરો પણ સારા કન્ટેન્ટ બનાવવા પાછળ મહેનત કરશે.

Most Popular

To Top