Sports

WTC ફાઈનલ: ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં રમવા ઉતરી, જાણો કેમ?

લંડન: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023ની ફાઈનલ (WTCFinal2023) મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (IndiavsAustralia) વચ્ચે ઓવલના મેદાન પર જંગ શરૂ થયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (RohitSharma) ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારુની ટીમની બે વિકેટ પડી હતી.

ભારતીય ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે ઓસ્ટ્રેલિયાની ટીમને 71 રન પર બીજો ઝટકો આપ્યો હતો. શાર્દુલે ડેવિડ વોર્નરને શિકાર બનાવ્યો હતો. વોર્નર 60 બોલમાં 43 રન બનાવીને વિકેટકીપર શ્રીકર ભરતના હાથે કેચ આઉટ થયો હતો. વોર્નરે માર્નસ લાબુશેન સાથે બીજી વિકેટ માટે 108 બોલમાં 69 રનની ભાગીદારી કરી હતી.

ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજા ઓપનિંગ માટે મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ ખ્વાજા લાંબુ ટકી શક્યો નહોતો. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયાની ટીમને 2 રને પહેલો ઝટકો આપ્યો હતો. સિરાજે ઉસ્માન ખ્વાજાને શિકાર બનાવ્યો હતો. ખ્વાજા 10 બોલ રમ્યા બાદ ખાતું ખોલાવી શક્યો ન હતો અને વિકેટકીપર શ્રીકર ભરતના હાથે કેચ આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ટીમે 16 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 54 રન બનાવી લીધા છે. લાબુશેન 16 રન બનાવીને રમી રહ્યો છે. વોર્નરે 37 રન બનાવ્યા છે. ભારતે બોલિંગ આક્રમણમાં ફેરફાર કરતા શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવને તક આપી છે. શાર્દુલે 2 ઓવરમાં 4 રન આપ્યા છે. તેણે મેડન ઓવર પણ લીધી છે.

ઓડિશા ટ્રેન અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બંને ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતર્યા
આ ટેસ્ટમાં ભારતીય અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેચ રમવા પહોંચ્યા હતા. ચાહકો એ જાણવા ઉત્સુક છે કે શા માટે બંને ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેચ રમી રહ્યા છે. 2 જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનો અથડાઈ હતી. બહનાગા સ્ટેશન પાસે SMVB-હાવડા એક્સપ્રેસ (12864), કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 288 લોકોના મોત થયા હતા. 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતીય અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેચ રમવા પહોંચ્યા હતા. મેચની શરૂઆત પહેલા તમામ ખેલાડીઓએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ફાઈનલ મેચ 7મી જૂનથી શરૂ થઈ છે, જે 11મી જૂન સુધી રમાશે. આ ટાઈટલ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાની ટીમઃ ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (સી), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ

Most Popular

To Top