કિલ્લા પર જ હૂડી બદલી ગયો ચેતન, પોલીસને શું જવાબ આપવા તે પણ પહેલેથી તૈયાર રાખ્યા હતા:
સિયા અને ચેતન પર હત્યાનું કાવતરું રચ્યાનો આરોપ વધુ મજબૂત, તપાસમાં રોજ નવા ખુલાસા : મહારાષ્ટ્રના પુણેમાં ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના રહસ્યમય મોતની તપાસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. શરૂઆતમાં ટ્રેકિંગ દરમિયાન થયેલા અકસ્માત તરીકે નોંધાયેલી આ ઘટના હવે પૂર્વયોજિત હત્યાના કાવતરામાં ફેરવાઈ ગઈ છે. તપાસમાં એક વધુ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી ચેતન ચૌધરીએ લોહાગઢ કિલ્લા પર પહોંચ્યા બાદ પોતાની હૂડી બદલી હતી, જેથી તેની ઓળખ છુપાવી શકાય. એટલું જ નહીં, જો પોલીસ પૂછપરછ કરે તો શું જવાબ આપવાના તે પણ તેણે પહેલેથી જ તૈયાર કરી રાખ્યા હતા. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ તમામ બાબતો હત્યાનું કાવતરું પહેલેથી ઘડાયું હોવાનું દર્શાવે છે.
પુણે ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર 18 જૂને કેતન અગ્રવાલ પોતાની મંગેતર સિયા ગોયલ સાથે લોહાગઢ કિલ્લા પર ફરવા ગયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ચેતન પણ અલગથી ત્યાં પહોંચ્યો હતો. તેણે પોતાનો મોબાઇલ ફોન પોતાની ઓફિસમાં જ છોડી દીધો હતો અને લોકેશન ટ્રેક ન થાય તે માટે ઈન્ટરનેટ પણ બંધ રાખ્યું હતું. પોલીસે દાવો કર્યો છે કે કિલ્લા પર પહોંચ્યા બાદ તેણે કપડાં અને હૂડીમાં ફેરફાર કર્યો, જેથી CCTVમાં તેની ઓળખ સરળતાથી ન થઈ શકે.તપાસ દરમિયાન કિલ્લા પાસેના CCTV કેમેરામાં એક શંકાસ્પદ વ્યક્તિ હૂડી પહેરીને કેતન અને સિયાનો પીછો કરતી જોવા મળી હતી. જૂન મહિનાની 33 ડિગ્રી ગરમીમાં હૂડી પહેરેલો વ્યક્તિ પોલીસને શરૂઆતથી જ શંકાસ્પદ લાગ્યો હતો.
બાદમાં સોશિયલ મીડિયા ફોટા અને અન્ય ડિજિટલ પુરાવાની સરખામણી કરતાં આ વ્યક્તિ ચેતન ચૌધરી હોવાનું સામે આવ્યું. આ CCTV ફૂટેજ સમગ્ર કેસમાં સૌથી મહત્વપૂર્ણ પુરાવાઓમાંનું એક બન્યું છે.પોલીસે વધુમાં ખુલાસો કર્યો છે કે ચેતને પૂછપરછ દરમિયાન આપવાના જવાબોની પણ અગાઉથી તૈયારી કરી હતી. જો કોઈ તેને કિલ્લા પર જોયો હોવાનું કહે તો શું કહેવું, ત્યાં કેમ ગયો હતો અને કેતન સાથે તેનો કોઈ સંબંધ નથી તે કેવી રીતે સમજાવવું, આ તમામ બાબતો અંગે તેણે પહેલેથી યોજના બનાવી હતી. તપાસકર્તાઓનું માનવું છે કે આ તૈયારી દર્શાવે છે કે સમગ્ર ઘટના પૂર્વયોજિત હતી અને અકસ્માત નહોતી.
તપાસમાં બહાર આવ્યું છે કે ઘટનાના દિવસે ચેતને પોતાનો મોબાઇલ ફોન પોતાની દુકાનમાં જ રાખ્યો હતો, કર્મચારીનો ફોન સાથે લઈ ગયો હતો. તેના મોબાઇલનું ઈન્ટરનેટ સવારે લગભગ 7 વાગ્યાથી સાંજે 5:40 વાગ્યા સુધી બંધ રહ્યું હતું. પોલીસનું કહેવું છે કે આ બધું લોકેશન અને ડિજિટલ પુરાવાથી બચવા માટે કરવામાં આવ્યું હતું. જ્યારે તેના નંબર પર ફોન આવતા હતા ત્યારે તેનો જવાબ પણ દુકાનના કર્મચારીઓ આપતા હતા.આ ટેકનિકલ વિગતો તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા બની છે.પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે સિયા અને કેતન કિલ્લાના એવા સ્થળે પહોંચ્યા જ્યાં ઊંડી ખીણ હતી,પાછળથી ચેતન ત્યાં આવી પહોંચ્યો. ત્યારબાદ બંનેએ મળીને કેતનને પાછળથી ધક્કો મારી લગભગ 300થી 400 ફૂટ ઊંડી ખીણમાં ફેંકી દીધો હોવાનો આરોપ છે.
ઘટના બાદ સિયાએ તરત જ પોલીસને ફોન કરીને જણાવ્યું કે ફોટા પાડતી વખતે કેતનનો પગ લપસતા તે ખીણમાં પડી ગયો હતો. શરૂઆતમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પરંતુ બાદમાં ટેકનિકલ પુરાવા સામે આવતા સમગ્ર કેસનો વળાંક બદલાઈ ગયો.તપાસ દરમિયાન પોલીસને સિયા અને ચેતન વચ્ચે હજારો ફોન કોલ્સના પુરાવા મળ્યા છે. સત્તાવાર માહિતી મુજબ બંનેએ છેલ્લા સાત મહિનામાં લગભગ 2,000થી વધુ વખત ફોન પર વાતચીત કરી હતી અને કુલ મળીને અનેક કલાકો સુધી સંપર્કમાં રહ્યા હતા. પોલીસે કોલ ડિટેઇલ રેકોર્ડ, સોશિયલ મીડિયા ચેટ્સ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે બંને વચ્ચે નજીકના સંબંધો અને હત્યાના કાવતરાની કડીઓ જોડવાનો પ્રયાસ કર્યો છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સિયા અને કેતનની સગાઈ આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી અને નવેમ્બરમાં ઉદયપુરમાં ભવ્ય લગ્ન યોજાવાના હતા. પરિવાર દ્વારા લગ્ન માટે રાજમહેલ બુક કરાયો હતો અને ખાનગી વિમાનોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. જોકે સિયાએ અગાઉ લગ્ન એક વર્ષ માટે મુલતવી રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કેતનના પરિવારના જણાવ્યા મુજબ તેણે લગ્ન અંગે અચકાટ પણ દર્શાવ્યો હતો.પોલીસનો દાવો છે કે સિયા અને ચેતન વચ્ચે પ્રેમસંબંધ હતો અને કેતન તેમના સંબંધમાં સૌથી મોટો અવરોધ હતો. પૂછપરછ દરમિયાન ચેતને પોલીસને જણાવ્યું હોવાનું કહેવાય છે કે સિયા પરિવારની બદનામીના ડરથી સગાઈ તોડવા અથવા ભાગી જવા તૈયાર નહોતી. તેથી બંનેએ કેતનને રસ્તામાંથી દૂર કરવાનો રસ્તો પસંદ કર્યો. આ નિવેદનની હજુ કોર્ટમાં કસોટી થવાની બાકી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ પહેલીવાર નહોતું. પોલીસનો દાવો છે કે સિયા અગાઉ પણ અનેક વખત કેતનને લોહાગઢ કિલ્લા પર લઈ ગઈ હતી. 31 મેના રોજ પ્રથમ પ્રયાસ થયો હતો, જેમાં કેતન બચી ગયો હતો. ત્યારબાદ 4 જૂનની યોજના પરિવારના કારણે રદ થઈ ગઈ હતી. 14 જૂને પણ કથિત રીતે તેને ધક્કો મારવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ભીડ વધારે હોવાથી યોજના સફળ થઈ નહોતી. અંતે 18 જૂને કાવતરાને અમલમાં મૂકવામાં આવ્યું હોવાનું તપાસ એજન્સીનું કહેવું છે.
પોલીસે ટેકનિકલ પુરાવા ઉપરાંત સોશિયલ મીડિયા એકાઉન્ટ, ફોટોગ્રાફ્સ, CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાક્રમ ફરીથી તૈયાર કર્યો છે. કિલ્લા પર લેવામાં આવેલી કેટલીક તસવીરો અને વીડિયોની પણ ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે દરેક ડિજિટલ પુરાવા આરોપીઓના નિવેદનો સાથે મેળ ખાતા નથી, જેના કારણે પૂછપરછ વધુ કડક બનાવવામાં આવી છે.
હાલ સિયા ગોયલ અને ચેતન ચૌધરી બંને પોલીસ કસ્ટડીમાં છે. બંને સામે હત્યા અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ હવે બંનેના પરિવારજનો, મિત્રવર્તુળ અને અન્ય સંભવિત સંબંધિત લોકોની પણ પૂછપરછ કરી રહી છે. સાથે જ ડિજિટલ ફોરેન્સિક અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓના અહેવાલની રાહ જોવામાં આવી રહી છે.આ કેસ સમગ્ર દેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પ્રેમસંબંધ, પરિવારનું દબાણ, ભવ્ય લગ્નની તૈયારીઓ અને ત્યારબાદ સામે આવેલા હત્યાના આક્ષેપોએ આ કેસને દેશના સૌથી ચર્ચિત ક્રાઇમ કેસોમાં સ્થાન અપાવ્યું છે. જોકે પોલીસ દ્વારા રજૂ કરાયેલા તમામ દાવા હજુ તપાસનો ભાગ છે અને અંતિમ સત્યનો નિર્ણય કોર્ટમાં રજૂ થતા પુરાવા અને ટ્રાયલ બાદ જ થશે.