SURAT

‘તું બહુ સુંદર છે’, કહી ફ્લિપકાર્ટના વિધર્મી કુરિયર બોયે ઘરમાં એકલી યુવતીનો હાથ પકડી લીધો અને..

સુરત: ઓનલાઈન ખરીદી (OnlineShopping) કરીને ઘરે કુરિયર (Courier) મંગાવતા લોકો માટે ચેતવનારી ઘટના સુરતના (Surat) ભટાર વિસ્તારમાં બની છે. ખાસ કરીને જે ઘરોમાં યુવાન દીકરીઓ રહેતી હોય છે તેઓએ આ ઘટનાથી બોધપાઠ લેવા જેવો છે. સુરતના ભટાર વિસ્તારમાં ફ્લિપકાર્ટના (Flipkart) કુરિયર બોયે પાર્સલ ડિલીવરી કરતી વેળા ઘરમાં એકલી યુવતીની છેડતી કરી છે.

શહેરના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગરમાં રહેતી યુવતીએ ઓનલાઈન કુરિયર મંગાવ્યું હતું. ગતરોજ સાંજના સમયે ફ્લિપકાર્ટ કંપનીમાં કુરિયર બોય તરીકે કામ કરતો વીધર્મી યુવક કુરિયર આપવા માટે તેના ઘરે આવ્યો હતો. જોકે યુવતી એકલી હોવાનો તેણે ફાયદો ઉઠાવી તું બહુ સુંદર છે તેમ કહીને શારીરિક અડપલા કર્યા હતા.

યુવતીએ બૂમાબૂમ કરતા આજુબાજુ માંથી લોકો ભેગા થઈ ગયા હતા અને કુરિયર બોય ને ઝડપી લીધો હતો. લોકોએ કુરિયર બોયને મેથીપાક ચખાડી પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. પોલીસે કુરિયર બોયની ધરપકડ કરી તેની સામે છેડતીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ભટારમાં ઉમરાવ નગરમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ઓનલાઇન ખરીદી કરી હતી. ઓનલાઇન ખરીદી બાદ મુદ્દામાલ ઘરે ડીલીવરી મેળવવા માટે તેમણે પોતાના ઘરનું એડ્રેસ આપ્યું હતું. જેથી મંગળવારે સાંજે છ વાગ્યાના અરસામાં ફ્લિપકાર્ટ કંપનીમાં કુરિયર બોય તરીકે કામ કરતો સુફિયાન ફિરોજ પટેલ યુવતીએ ઓનલાઈન ઓર્ડર કરેલ કુરિયર આપવા માટે ઘરે આવ્યો હતો.

આ દરમિયાન યુવતીના પરિવાર બહાર ગયો હોવાથી તે ઘરમાં એકલી હતી. સુફિયાનને અંદાજ આવી ગયો હતો કે યુવતી ઘરમાં એકલી છે. જેથી તેણે આ તકનો લાભ ઉઠાવ્યો હતો. યુવતીએ ઓનલાઈન પેમેન્ટ કરી સ્ક્રીનશોટ બતાવવા માટે બહાર આવી હતી ત્યારે સુફિયાન પટેલે શારીરિક અડપલા કરીને તું બહુ સુંદર છે તેમ કહીને છેડતી કરી હતી. જેથી એક તબક્કે યુવતી ગભરાઈ ગઈ હતી પરંતુ બાદમાં તેણીએ બુમાબૂમ કરતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા.

લોકોએ સુફિયાન પટેલને પકડી પાડી મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જેથી ઉમરા પોલીસ મથકમાંથી પીસીઆર ઘટના સાથે પહોંચી હતી. પોલીસે સુફિયાનની અટકાયત કરી યુવતીની પોલીસ ફરિયાદ લીધા બદ સુફિયાન સામે છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top