Business

અદાણીની ચાર કંપનીના શેર્સ માટે BSE એ લીધો મોટો નિર્ણય

મુંબઈ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ અદાણી ગ્રુપની 4 કંપનીઓ અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સ અને અદાણી વિલ્મરના શેર પર મોટો નિર્ણય લીધો છે. હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી જૂથની કંપનીઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેથી જ 31 જાન્યુઆરીએ અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશન માટે સર્કિટ મર્યાદા ઘટાડીને 10 ટકા કરવામાં આવી હતી. બાદમાં તેમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. 

જાન્યુઆરીના અંત સુધી અદાણી ગ્રુપનો કોઈ સ્ટોક 20 ટકાની લિમિટમાં નહોતો. સ્થિતિ એવી હતી કે ઘણા દિવસોથી અદાણી ગ્રુપનો સ્ટોક લોઅર સર્કિટમાં હતો. બીજી તરફ રિકવરી બાદ ઘણા દિવસો સુધી સ્ટોકમાં અપર સર્કિટ જોવા મળી હતી. સર્કિટની મર્યાદા ઘટાડવાને કારણે આવું થયું. નીચી લિમિટની મદદથી શેરમાં વોલેટિલિટીને નિયંત્રિત કરવામાં મદદ મળી.

હવે BSE એ અદાણી પાવર માટે સર્કિટ ફિલ્ટર 5 ટકાથી વધારીને 20 ટકા કર્યું છે. અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જી માટે સર્કિટ 5 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવી છે. નવી સર્કિટ લિમિટ આજથી એટલે કે 7 જૂનથી લાગુ થયા બાદ શેર્સમાં હવે મોટા પ્રમાણમાં કારોબાર થઈ શકશે. અદાણી ગ્રુપની ઉપરાંત બીએસઈ દ્વારા કામધેનુ અને આરવીએનએલ માટે પણ સર્કિટ ફિલ્ટર વધારવામાં આવ્યું છે.

BSE પર શેર્સની A, B, T, S અને Z કેટેગરી હોય છે. સામાન્ય રીતે રોકાણકારોને દરેક શેર્સ વિશે પૂરી જાણકારી નથી હોતી. એક્સચેન્જે શેર્સને તેમની ખુબીઓ અને ઉણપોના આધારે કેટલીક શ્રેણીઓમાં વહેંચ્યા છે. જેમાં માર્કેટ કેપ, ટ્રેડિંગ વોલ્યુમ, પરિણામો, નફો, ડિવિડન્ડ, પ્રમોટર્સની ભાગીદારી જેવા આધાર હોય છે. જેમાં A કેટેગરીના શેર્સને રોકાણકારો સૌથી વધુ ભરોસાપાત્ર ગણે છે. જેની પસંદગી મુખ્ય રુપે માર્કેટ કેપના આધારે થાય છે.

શેરબજારમાં સર્કિટનો શું અર્થ થાય?
બોમ્બે સ્ટોક એક્સચેન્જના નિયમો અનુસાર શેરબજારમાં શેર્સમાં ભારે ઉતાર ચઢાવને કંટ્રોલ કરવા માટે શેર્સની લિમિટ નક્કી કરવામાં આવે છે. તે લિમિટને શેર્સ ઈન્ટ્રા ડે ટ્રેડિંગમાં ક્રોસ કરી શકતા નથી. જેમ કે અદાણી પાવરની વાત કરીએ તો તેના માટે હવે સર્કિટ લિમિટ 20 ટકા છે. તેનો અર્થ એથયો કે અદાણી પાવરનો શેર્સ હવે એક દિવસમાં 20 ટકાથી વધુ તુટી શકે નહીં અને 20 ટકાથી વધારે ચઢી પણ શકે નહીં.

Most Popular

To Top