Sports

WPL: દિલ્હી કેપિટલ્સે RCBને 60 રને હરાવ્યું, શેફાલી-લેનિંગે કર્યું શાનદાર રમતનું પ્રદર્શન

મુંબઈ: (Mumbai) વુમન્સ પ્રીમિયર લીગમાં (Women’s Premier League) આજે રવિવારે રમાયેલી મેચમાં શેફાલી વર્મા અને સુકાની મેગ લેનિંગની આક્રમક અર્ધસદીઓ અને બંને વચ્ચે પ્રથમ વિકેટની 162 રનની ભાગીદારીની મદદથી દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) 2 વિકેટે 223 રન કરીને મૂકેલા 224 રનના વિજય લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ તારા નોરિસની જોરદાર બોલિંગને કારણે 8 વિકેટે માત્ર 163 રન સૂધી જ પહોંચી શકતાં દિલ્હી કેપિટલ્સનો 60 રને વિજય થયો હતો. મેચમાં પાંચ વિકેટ ઉપાડીને રેકોર્ડ બનાવનારી તારા નોરિસને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

  • શેફાલી-લેનિંગના પાવરથી દિલ્હી કેપિટલ્સે આરસીબીને 60 રને હરાવ્યું
  • શેફાલી અને લેનિંગની આક્રમક અર્ધસદીઓ અને બંને વચ્ચેની 162 રનની ભાગીદારીથી દિલ્હી કેપિટલ્સે 223 રનનો વિક્રમી સ્કોર બનાવ્યો
  • સારી શરૂઆત પછી તારા નોરિસના પંજામાં સપડાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 8 વિકેટે 163 રન સુધી જ પહોંચી શકી

આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીની ટીમને સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઇને સારી શરૂઆત અપાવી પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા, જો કે પાંચમી ઓવરમાં સોફી આઉટ થઇ અને તેની સાથે તેમની રનગતી ધીમી પડી હતી. તે પછી તારા નોરિસે બે ઓવરમાં ચાર વિકેટ ઉપાડીને તેમને બેકફૂટ પર ધકેલી દીધા પછી તેઓ તેમાંથી બહાર આવી શક્યા નહોતા અને અંતે તેઓ 20 ઓવરમાં આઠ વિકેટે 163 રન જ બનાવી શક્યા હતા. આરસીબી વતી કેપ્ટન મંધાનાએ 35, ઓલરાઉન્ડર હીથર નાઈટે 34 અને એલિસ પેરીએ 31 રનનું યોગદાન આપ્યું હતું. મેગન શટ 30 રન બનાવીને નોટઆઉટ રહી હતી. નાઇટ અને શટે મળીને 28 બોલમાં 54 રનની ભાગીદારી કરીને હારના માર્જીનને ઓછો કર્યો હતો.

WPLમાં એસોસિએટ દેશની ખેલાડી તરીકે તારા નોરિસે બનાવ્યો અનોખો રેકોર્ડ, પાંચ વિકેટ ઉપાડનારી પહેલી બોલર બની
શનિવારથી શરૂ થયેલી મહિલા પ્રીમિયર લીગમાં પહેલા બે દિવસમાં જ રેકોર્ડ બનવાના શરૂ થઇ ગયા છે, તેમાં આજે રવિવારે તારા નોરિસે પાંચ વિકેટ ઉપાડીને મહિલા પ્રીમિયર લીગમાં પાંચ વિકેટ લેનારી પહેલી બોલર બની હતી. સાથે જ તે એસોસિએટ દેશ વતી ડબલ્યુપીએલમાં રમનારી પણ પહેલી ખેલાડી બની હતી. તારા નોરિસ અમેરિકાની છે અને ડબલ્યુપીએલની હરાજીમાં કોઇ ટીમ દ્વારા લેવામાં આવેલી તે એકમાત્ર એસોસિએટ દેશની ખેલાડી છે. તારા નોરિસે પોતાની બીજી જ ઓવરમાં ચાર વિકેટ પુરી કરી લીધી હતી અને ચાર ઓવરના સ્પેલમાં તેણે 29 રન આપીને 5 વિકેટ ઉપાડી હતી. મહિલા આઇપીએલમાં એસોસિએટ દેશની ખેલાડી તરીકે તેનું આ શ્રેષ્ઠતમ પ્રદર્શન રહેવાની સાથે જ અત્યાર સુધીમાં મહિલા આઇપીએલનું ઓવરઓલ પણ આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન રહ્યું છે.

Most Popular

To Top