Comments

“વિશ્વ એક કુટુંબ”કે “વિશ્વ એક બજાર”? જી 20 ના સમૂહ દેશો આ નક્કી કરી શકશે?

ભારતમાં અત્યારે જી ૨૦ ના દેશોની વ્યાપારવિષયક ચર્ચાઓ માટેની મીટીંગ થઇ રહી છે. જી ૨૦ એ દુનિયાના ૨૦ દેશોનો એક સંગઠન છે ,ગ્રુપ છે, જેમણે આર્થિક હિતો સાચવીને આર્થિક આદાનપ્રદાન માટે ગ્રુપ બનાવ્યું છે. 1999 માં અસ્તિત્વમાં આવેલ આ ગ્રુપમાં આર્જેન્ટીના, યુરોપ, યુનિયન ,કેનેડા ,ચાઈના,રશિયા, ફ્રાંસ વગેરે દેશો છે, જે દર વર્ષે જુદા જુદા દેશોમાં મીટીંગો યોજે છે . જી ૨૦ સમૂહના દેશો દર વર્ષે પોતાનો પ્રમુખ પણ નકી કરે છે. ગયા વર્ષે ઇન્ડોનેશિયા યજમાન દેશ હતો. આવતા વર્ષે બ્રાજીલમાં આ ચર્ચાઓ યોજાશે. આ વર્ષે ભારત યજમાન બન્યું છે.

યુધ્ધો દ્વારા સત્તાઓ હાંસલ કરવાની વાત પતી ત્યાંથી આર્થિક સત્તાઓ દ્વારા શાસન કરવાના કીમિયા શક્તિશાળી રાષ્ટ્રો શોધવા લાગ્યાં. આથિક ઉદારીકારણ દ્વારા મોટા આર્થિક દેશોએ દુનિયાને પોતાનું બજાર બનાવવાની તરકીબ શરૂ કરી. આ વ્યાપારવાદમાં ગ્રાહકને ઉપભોક્તાવાદી બનાવી દેવાની નીતિ છે. આ વિચારધારામાં આખી દુનિયા એક બજાર છે. બરાબર આની સામે ભારતીય પરમ્પરામાં વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવના છે, જ્યાં દુનિયાને એક કુટુંબ માનવાની ઉદાત્ત ભાવના છે. પોતાનાં વ્યાપારિક હિતોની જાળવણી સાથે આર્થિક આદાનપ્રદાન કરવા ભેગા થયેલા દેશોને ભારત આ સમજાવવા માંગે છે કે આપણે એક બીજાના દેશને બજાર તરીકે ના જોઈએ.

આ લોકો માત્ર ગ્રાહકો નથી. તેઓ નાગરિકો છે. માણસો છે. દરેક દેશની પોતાની પરમ્પરા છે. ઓળખાણ છે. આપણે માત્ર આર્થિક લાભ ના જોતાં એકબીજાની સભ્યતા સંસ્કૃતિ ટકે તે રીતે વ્યાપાર કરીએ. મોટી માછલી નાની માછલીને ગળી જાય તે જંગલનો નિયમ છે. ઉદ્દંડ બજારવાદ આ જંગલના નિયમ મુજબ ચાલે છે જ્યાં મલ્ટીનેશનલ કંપનીઓ નાના ઉદ્યોગ ગૃહો, રોજગારી સમાપ્ત કરી દે છે. તે સરકારોને પણ ગળી જાય છે. આપણે આ નથી કરવું .વેપાર જરૂરિયાત માટે હોય છે. બીજાને સમાપ્ત કરી દેવા માટે નથી હોતો. એક કુટુંબમાં જેમ નાના મોટા સૌનું ધ્યાન રાખવામાં આવે છે. સૌ શક્તિ મુજબ કામ કરે અને જરૂર જેટલું વાપરે એ નિયમથી કુટુંબ ચાલે છે.

ઘરમાં સ્ત્રી રસોઈ બનાવે છે અને સૌને ભાગે પડતી વહેંચે છે માટે સૌના ભાણામાં બધું જ આવે છે. જો સૌ પોતપોતાની રીતે લે અને શક્તિશાળી વધુ લે તો ઘરના જ નાના સભ્યો ભૂખ્યા રહે. આપણે આ જી ૨૦ ના દેશો આ કુટુંબભાવનાથી જો વેપાર કરીએ તો સૌ ના હિત સચવાશે. વાત સરસ છે. ભારતીય પરમ્પરા અને સંસ્કૃતિ મુજબની છે, પણ વસુધૈવ કુટુમ્બકમ્ સૂત્ર બોલવું સહેલું છે.  અનુસરવું અઘરું છે. જી ૨૦ ના પ્રમુખ તરીકે આપણે દુનિયાના દેશોને જે તત્ત્વજ્ઞાન આપવા માંગીએ છીએ તે આપણી સરકારે પહેલાં દેશના અર્થતંત્રમાં સ્વીકારવાની જરૂર છે. દુનિયાના વેપારી દેશોને જે કહીએ છીએ તે આપને પહેલા આપણા ઉદ્યોગપતિઓ અને નીતિનિર્ધારકોને કહેવું પડશે કે દુનિયા એક કુટુંબ હોય કે ના હોય, આ દેશ તો એક કુટુંબ જ છે.

જેમ દુનિયાના મોટા દેશો નાના દેશો અર્થતંત્રને ગળી ના જાય, નાના વેપાર ધંધાને સમાપ્ત ના કરે તેમ આપણા દેશના મોટા ઉદ્યોગપતિઓ પણ દેશમાં એકહથ્થુ સત્તા ઊભી ના કરે. દેશમાં આવકની અસમાનતા વધતી જાય છે. મોજશોખ અને ઉડાઉ ખર્ચા વધતા જાય છે. બજાર આ મુજબ ઉત્પાદન કરતું જાય છે. એક નાનો વર્ગ અઢળક આવક અને જાહોજલાલી ભોગવે છે, માત્ર રજુ કક્ષાની ક્રિકેટ રમનારા લાખોની કમાણી કરતા થઇ ગયા છે અને બીજી બાજુ શિક્ષકોને પોતાનું ઘર ચલાવવાના  પણ ફાંફા છે. જો આ દેશ એક કુટુંબ છે તો મોટાઓ નાના અને નબળાઓની ચિંતા કેમ નથી કરતા. દેશનાં જ બે રાજ્યોમાં પાયાની સુવિધા ,આંતર મૂડી માળખાની સગવડોમાં ફેર કેમ છે.

 આપણે જ્યારે દુનિયાને વિશ્વ એક કુટુંબ છે ની ઉદાત્ત ભાવના સમજાવી રહ્યા છીએ ત્યારે આપણા જ દેશમાં એક રાજ્યમાં બીજા રાજ્યના નાગરિકોની હત્યા થઇ રહી છે અને તે પણ રોજગારીના મુદ્દે. ઓછા વેતનમાં કામ કરવા બાબતે જે બતાવે છે કે રોજગારીનો પ્રશ્ન કેટલો વિકટ થતો જાય છે. એક જ કંપની આપણા દેશમાં સમગ્ર નેટ વર્કિંગ પર ઈજારો મેળવી ચૂકી છે. મોલ કલ્ચર અને ઓનલાઈન શોપિંગ ને કારને નાના વેપારીઓના ધંધા રોજગાર ખત્મ થઇ રહ્યા છે. સરકાર પણ વધુ ને વધુ કેન્દ્રીકરણના માર્ગ અપનાવી રહી છે.

આમ ક્યાંય કુટુંબ ભાવના વધે તેમ લાગતું નથી અને જી ૨૦ ના વિકસિત રાષ્ટ્રો પણ માત્ર વેપાર શોધવા માટે જ આમાં ભેગા થયા છે. દુનિયા આખીમાં એક સમય હતો, જ્યારે શોધ થતી ઉત્પાદન વધારવાના પ્રયત્ન થતા. આજે દુનિયા આખીને બજાર શોધવાની જરૂર પડી છે. ગ્રાહક જોઈએ છે, જે પોતાનાં ઉત્પાદનો ખરીદે. આ દેશો કુટુંબ ભાવના સમજે તો યુક્રેન અને રશિયા વચ્ચે જે ચાલે છે તે માનવસંહાર થયો જ ના હોત.   
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top