Sports

વર્લ્ડ કપ: અફઘાનિસ્તાનનું શાનદાર પ્રદર્શન, શ્રીલંકાને 7 વિકેટે હરાવી ત્રીજી જીત મેળવી

પુણેના મેદાન પર અફઘાનિસ્તાન (Afghanistan) અને શ્રીલંકા (Sri Lanka) વચ્ચે વનડે વર્લ્ડ કપની (World Cup) મહત્વપૂર્ણ મેચ રમાઈ હતી. ICC ODI વર્લ્ડ કપ 2023ની 30મી મેચમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાનની આ જીત સાથે હવે સેમીફાઈનલની રેસ રોમાંચક બની ગઈ છે. અફઘાનિસ્તાનના બોલરો સામે શ્રીલંકાની ટીમ 241 રનના સ્કોર પર જ સિમિત રહી હતી. જવાબમાં અફઘાનિસ્તાને માત્ર 45.2 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાન તરફથી આઝામલ્લાહ ઓમરઝાઈએ સૌથી વધુ 63 બોલમાં 73 રન કર્યા હતા.

અફઘાનિસ્તાને શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું છે. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની આ ત્રીજી જીત છે. આ પહેલા આ ટીમે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવીને અપસેટ સર્જ્યો હતો. હવે અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને આવી ગઈ છે. આ સાથે જ શ્રીલંકા માટે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે.

આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમ 49.3 ઓવર રમી 241 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે શ્રીલંકા તરફે પથુમ નિશંકાએ સૌથી વધુ 60 બોલમાં 46 રન કર્યા હતા જોકે તે હાફસદી ચુકી ગયો હતો.

આ મેચ માટે બંને ટીમોના પ્લેઈંગ-11માં ફેરફાર કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાનની ટીમે નૂર અહમદની જગ્યાએ ફઝલહક ફારૂકીને ટીમમાં સામેલ કર્યો હતો. શ્રીલંકાએ પોતાની ટીમમાં બે મોટા ફેરફારો કર્યા હતા જેમાં તેણે ઓપનિંગમાં કુસલ પરેરાની જગ્યાએ દિમુથ કરુણારત્નેનો સમાવેશ કર્યો હતો જ્યારે દુષ્મંથા ચમીરા બોલિંગમાં પરત ફર્યો હતો. અફઘાનિસ્તાનનો વિકેટકીપર ઈકરામ અલીખિલ ઇજાગ્રસ્ત થતા મેદાનમાંથી બહાર થયો હતો. બીજી ઓવરના પાંચમા બોલ પર થ્રો લેતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. ઇકરામની જગ્યાએ રહેમાનુલ્લા ગુરબાઝે વિકેટકીપિંગ કરી હતી.

રાશિદ ખાને બનાવ્યો રેકોર્ડ
રાશિદ ખાન તેની 100મી વનડે મેચ રમી રહ્યો છે. તે અફઘાનિસ્તાન માટે 100 કે તેથી વધુ વનડે મેચ રમનાર ચોથો ખેલાડી બન્યો છે. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ વનડે મેચ રમવાનો રેકોર્ડ મોહમ્મદ નબીના નામે છે. નબીએ 153 ODI મેચ રમી છે. અસગર અફઘાન બીજા નંબર પર છે. તેણે 114 ODI મેચ રમી છે. રાશિદ ખાનની ગણતરી અફઘાનિસ્તાનના શ્રેષ્ઠ સ્પિનરોમાં થાય છે. તેણે અફઘાન ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તે તેના સ્પિન જાદુ માટે જાણીતો છે. તેણે 2015માં ઝિમ્બાબ્વે સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અફઘાનિસ્તાન માટે 99 ODI મેચમાં 178 વિકેટ, 82 T20 મેચમાં 130 વિકેટ અને 5 ટેસ્ટમાં 34 વિકેટ ઝડપી છે.

Most Popular

To Top