Sports

ઈંગ્લેન્ડની તેના ODI ઈતિહાસમાં સૌથી મોટી હાર, સાઉથ આફ્રિકાએ 229 રનથી હરાવ્યું

ગત વખતની વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને તેના ODI ઈતિહાસમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકાએ શનિવારે રાત્રે બ્રિટિશ ટીમને 229 રનથી હરાવ્યું હતું. વાનખેડે સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ હેનરિક ક્લાસેન (109)ની તોફાની સદીની મદદથી સાત વિકેટે 399 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકાનો સર્વોચ્ચ સ્કોર હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં માત્ર 170 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વર્લ્ડ કપમાં લક્ષ્યનો પીછો કરતી વખતે ઇંગ્લેન્ડની આ સૌથી મોટી હાર છે. આ પહેલા 1999ના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાએ તેને 122 રનથી હરાવ્યું હતું.

રીસ ટોપલી ઈજાના કારણે બેટિંગ કરવા આવ્યો ન હતો. ઇંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર 15, ડેવિડ વિલી 12, આદિલ રાશિદ 10 અને હેરી બ્રુક પણ 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. લુંગી એન્ગિડી અને માર્કો જેન્સનને 2-2 વિકેટ મળી હતી. જ્યારે કાગીસો રબાડાને એક વિકેટ મળી હતી. હેનરિક ક્લાસને વિસ્ફોટક બેટિંગ કરી અને તોફાની સદી ફટકારી હતી. તેણે શાનદાર બેટિંગ કરી અને માત્ર 61 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે તે ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. તેણે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. આ પહેલા રોહિતે ODI વર્લ્ડ કપ 2023માં જ અફઘાનિસ્તાન સામે 63 બોલમાં સદી ફટકારી હતી.

આ હાર સાથે હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને પહોંચી ગયું છે. ચાર મેચોમાં તે બાંગ્લાદેશ સામે માત્ર એક જ મેચ જીતી શકી છે. તેને અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ અને આજે દક્ષિણ આફ્રિકાથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડનો નેટ રન રેટ -1.248 પર આવ્યો છે. ઈંગ્લેન્ડની આગામી બે મેચ મુશ્કેલ છે. 26મીએ ચેન્નાઈમાં શ્રીલંકાનો અને 29મીએ લખનૌમાં ભારતનો સામનો કરવાનો છે.

Most Popular

To Top