Editorial

એક હિમાચલ પ્રદેશ જીતવાથી કઈ નહીં થાય કૉંગ્રેસ માટે ચડાણ કપરા છે

ગુજરાતમાં ભલે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી ચૂંટણી હારી રહી હતી, પરંતુ તેની પાસે 35થી 40 ટકા વોટ શેર હતો, પરંતુ આ વખતે પાર્ટીએ લગભગ વોકઓવર આપી દીધો અને તેના કારણે એક નવો પક્ષ (આમ આદમી પાર્ટી)ને મેદાનમાં પ્રવેશવાનો મોકો મળી ગયો છે. અમને આમ ચાલ્યું તો આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસનું સ્થાન કબજે કરી લેશે. અત્યારે જે રીતે કોંગ્રેસની ગુજરાતમાં પડતી દેખાઈ રહી છે, તેવી જ રીતે બિહાર અને યુપીમાં પાર્ટી ધીમે ધીમે પછી ધકેલાઈ હતી, અને આજ સુધી ત્યાં પાછી આવી શકી નથી.

એટલું જ નહીં, દિલ્હી એમસીડીમાં પણ કોંગ્રેસ ત્રીજી પાર્ટી બની ગઈ છે અને તે પણ પ્રથમ અને બીજાથી તેનું અંતર ખૂબ મોટું છે! કોંગ્રેસની ટિકિટ પર જીતેલા નવ કાઉન્સિલરો પાર્ટીને બદલે તેમની અંગત છબીને કારણે જીત્યા છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત માટે કેન્દ્રીય નેતૃત્વને તેનો શ્રેય મળવો જોઈએ નહીં, અહીં સ્થાનિક નેતાગીરીને કારણે જીત મળી છે, પરંતુ પાર્ટી કેન્દ્રીય નેતૃત્વને તેનો શ્રેય આપશે, કારણ કે આ પાર્ટીનું કેરેક્ટર આવું જ છે.

તમે જૂઓ લગભગ દરેક ચૂંટણી પછી કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને રાહુલ ગાંધી માટે એક જ સંદેશ વારંવાર આવે છે, પરંતુ સમસ્યા એ છે કે કોઈ સાંભળવા તૈયાર જણાતું નથી. 2017ની ચૂંટણી વખતે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી પાર્ટી સાથે આવ્યા હતા અને તેનો ફાયદો પણ પાર્ટીને મળ્યો હતો, પરંતુ પાર્ટી ગુજરાતના આ નેક્સ્ટ જનરેશન ગણાતા બે (હાર્દિક – અલ્પેશ)ને સાચવી શકી નથી. જિજ્ઞેશ મેવાણી પણ ભારે મુશ્કેલીથી પોતાની સીટ બચાવી શક્યા છે. મેવાણીએ એવું કહ્યું છે કે – ખબર નહીં પાર્ટી ચૂંટણીમાં તેનો ઉપયોગ કેમ કરી શકી નહીં! કારણ કે મેવાણીના કોંગ્રેસમાં જોડાવાથી ગુજરાતમાં પાર્ટીને કોઈ ફાયદો થયો નથી!

વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે ઘણા રાજકીય પંડિતોને આશ્ચર્ય છે કે ચૂંટણી હોવા છતાં આ યાત્રામાં ગુજરાતને શા માટે સામેલ કરવામાં ન આવ્યું તે સમજાતું નથી! વળી, રાહુલ ગાંધી માત્ર એક દિવસ માટે ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવ્યા હતા. તો ભારત જોડો યાત્રાને ક્યા ચશ્માથી રાહુલ ગાંધી જોઈ રહ્યા છે? એ સવાલ પણ થઈ રહ્યો છે. સામે પાર્ટી એવું કહે છે કે – રાહુલ ગાંધી નાગરિક સમાજને એ સમજાવવામાં સફળ થાય કે દેશનું બંધારણ ખતરામાં છે, ભારતીય સમાજનું માળખું ક્ષીણ થઈ રહ્યું છે, અથવા મીડિયાને દબાવવામાં આવી રહ્યું છે, તો તેનો ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જ ફાયદો થશે.

પાર્ટીના મતે, રાહુલ ગાંધીને ખાતરી છે કે હાલમાં લોકોની વિચારસરણી બદલવાની જરૂર છે અને આવો સંવાદ રાજકીય પ્લેટફોર્મ દ્વારા શક્ય નથી. એવી પણ દલીલ કરવામાં આવે છે કે – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ ચુપચાપ સમાજની વચ્ચે રહીને કામ કરે છે. તેની અસર ચોક્કસ દેખાય છે. ભાજપને તેનો ફાયદો વારંવાર થતો રહ્યો છે. રાહુલ ગાંધીનો હાલનો પ્રવાસ ફેબ્રુઆરીમાં સમાપ્ત થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશના પરિણામો બાદ કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીની કાર્યશૈલીમાં કોઈ ફેરફાર થઈ શકે છે.

લોકસભાની ચૂંટણી માર્ચ-એપ્રિલ 2024માં યોજાશે, પરંતુ તે પહેલા લગભગ 13 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. રાજકીય પંડિતો એવું કહી રહ્યા છે કે – થોડા દિવસો પછી રાહુલ ગાંધી બીજા પ્રવાસ પર નીકળશે અને આ વખતે તેઓ આસામથી ગુજરાત જઈ શકે છે. અત્યારે વિપક્ષ વિખરાયેલો છે, રાહુલ ગાંધી યાત્રા પર છે, લીડરશીપ લેવા કોઈ તૈયાર નથી. 2024ની લોકસભા ચૂંટણીને હજુ 18 મહિના બાકી છે. એ પહેલા 10થી વધુ રાજ્યોમાં ચૂંટણી છે. જો રાહુલ ગાંધી યાત્રા જ કરતા રહેશે તો ઘર-બાર બધું આમ જ જતું રહેશે એ પાકું છે. યાત્રા કર્યા પછી રાહુલ ગાંધી જે-જે જગ્યાએ ગયા ત્યાં સાહેબ અને મોટાભાઈ એક-એક સભા કરી આવશે એટલે પત્યું!

Most Popular

To Top