Columns

રાંધણ ગેસના વધતા ભાવ ક્યારેય અટકશે?

નવા વર્ષમાં ફરી વાર સામાન્ય લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. અત્યારે કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં રૂપિયા 25નો વધારો કરવામાં આવ્યો છે. રાંધણ ગેસ તરીકે દેશભરમાં સૌથી વધુ ઉપયોગ ‘LPG’ (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)નો થાય છે. દાયકાઓથી ભારતીય રસોડાનો તે અભિન્ન હિસ્સો છે અને તેનો વપરાશ દિવસે ને દિવસે વધી રહ્યો છે. એક અંદાજ મુજબ ભારતમાં 29 કરોડ લોકો ‘LPG’નું કનેક્શન ધરાવે છે અને સરેરાશ 5 વ્યકિત પરિવારમાં ગણીએ તો દેશમાં બહોળા પ્રમાણમા ઉપયોગની પુષ્ટિ થાય છે. કોઈ ચીજવસ્તુનો આટલા પ્રમાણમાં વપરાશ હોય ત્યારે તેના પર વધતો એક-એક રૂપિયો કરોડો ઊભા કરે છે અને ‘LPG’ના કિસ્સામાં હવે સમયાંતરે ભાવવધારો સામાન્ય થઈ ચૂક્યો છે. 

‘LPG’ મૂળે ફ્યુઅલ ગેસ છે, જેમાં તેના વપરાશ મુજબ અન્ય મિશ્રણ હાઇડ્રોકાર્બન, પ્રોપેન, પ્રોપિલોન, બુટિલેન, બ્યૂટિલેન હોય છે અને તેનો ઉપયોગ રસોઈ ઉપરાંત હિટીંગ એપ્લાયન્સ અને વાહનોના ઇંધણ તરીકે થાય છે. LPGના  આટલા બૃહદ ઉપયોગનું કારણ તેનાથી થતું વાતાવરણને ઓછું નુકસાન પણ છે. ‘LPG’નું ઉત્પાદન રિફાઇનિંગ પેટ્રોલિયમ અથવા તો ‘ભેજ’ ધરાવતાં કુદરતી ગેસ તરીકે થાય છે. તે ફોસિલ ફ્યુઅલ છે, મતલબ કે તે કુદરતમાંથી મળે છે અને તેને પુનઃ પ્રાપ્ય કરી શકાતું નથી. પેટ્રોલિયમ રિફાઇનિંગની પ્રક્રિયા દરમિયાન અને સ્વતંત્ર રીતે પણ તેનું પ્રોડકશન થાય છે. તેની શોધ સૌ પ્રથમ 1910માં વોલ્ટર ઓ. સ્નેલિંગે કરી હતી અને તે પછી તેનો કોમર્શિયલ ઉપયોગ 1912માં શરૂ થયો હતો.

આજે વિશ્વમાં થતાં કુલ ઊર્જામાં ‘LPG’નો ઉપયોગ 3 %  જેટલો છે. અન્ય બીજા ઇંધણ કરતાં તે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે અને તેનાથી જમીનમાં નહિવત્ પ્રદૂષણ થાય છે. ભારત સિવાય હોંગકોંગમાં પણ ‘LPG’નો રસોઈ ગેસ તરીકે ખૂબ મોટા પાયે ઉપયોગ થઈ ચૂક્યો છે. હવે છેલ્લાં વર્ષોમાં ત્યાં ગેસ પાઈપલાઈનનું ચલણ વધ્યું છે. એ રીતે બ્રાઝિલમાં પણ કેટલાક મોટા શહેરોને બાદ કરતાં લોકો રસોઈ માટે ‘LPG’ આધારિત છે. 2001થી બ્રાઝિલમાં ગરીબવર્ગને પોસાય એ રીતે ‘LPG’ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. એ રીતે ઉત્તર અમેરિકામાં પણ કુકિંગમાં ‘LPG’નો વપરાશ થાય છે.

યુરોપના ગ્રામીણ પ્રદેશોમાં ઇલેક્ટ્રિક હિટિંગ અને હિટિંગ ઑઇલના વિકલ્પ રૂપે ‘LPG’નો ઉપયોગ થાય છે. મહદંશે તેનો ઉપયોગ જ્યાં પાઇપલાઈનથી ગેસ પહોંચી ન શકે ત્યાં થાય છે. આ રીતે દુનિયાભરમાં ‘LPG’નો ઉપયોગ થાય છે અને 1970ના અરસામાં ભારતમાં પણ ‘LPG’ની રસોઇ ઇંધણ તરીકે વપરાશની શરૂઆત થઈ હતી. ભારતમાં તે પહેલાં શહેરી ઘરોમાં રસોઈ કેરોસિન આધારિત સ્ટવ પર થતી હતી. ‘LPG’ બોટ્લ્ડનું ચલણ વધતું ગયું તેમ લાખોમાં તેની ખપત થતી ગઈ અને 1977 આવતા સુધીમાં દેશમાં અંદાજે 32 લાખ ઘરો ‘LPG’નું કનેક્શન ધરાવતાં થઈ ગયાં હતાં. તે પછી આ આંક વધતો જ ગયો અને 1984 સુધીમાં 90 લાખ ઘરોમાં તેનું કનેક્શન આવ્યું, આ દરમિયાન કુલ જનસંખ્યામાં કનેક્શન ધરાવનારાં લોકોની સંખ્યા 5%  હતી.

તે પછી આ દર વધતો જ ગયો અને હાલમાં 29 કરોડ લોકો ‘LPG’નું કનેક્શન ધરાવે છે. આ આંકડો ગત વર્ષે રાજ્યસભામાં પેટ્રોલિયમ અને ગેસ ખાતાના મંત્રી રામેશ્વર તેલીએ જાહેર કર્યો હતો. છેલ્લાં 7 વર્ષોમાં ‘LPG’ની ખપત વધી તેનું કારણ પ્રધાન મંત્રી ઉજ્વલા યોજના છે, જે અંતર્ગત 715 જિલ્લામાં કોઈ ડિપોઝીટ વિના ‘LPG’કનેક્શન આપવામાં આવ્યા હતા. તે અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં રસોઈના ઇંધણ તરીકે લાકડાનો મોટા પાયે ઉપયોગ થતો હતો. ‘LPG’ની એ રીતે ડિમાન્ડ વધતી ગઈ અને સાથે સાથે તેના ભાવ પણ. યુક્રેન-રશિયાના યુદ્ધની અસર પણ ‘LPG’ના કિંમત પર થઈ છે અને તે કારણે પણ હવે તેના ભાવ સતત વધી રહ્યા છે. હાલમાં કૉંગ્રેસ રાંધણ ગેસનો મુદ્દો જોરશોરથી ઊઠાવી રહી છે અને તેનું કારણ એ પણ છે કે UPA સરકાર દરમિયાન છેલ્લે 2014માં રાંધણ ગેસના બોટલની કિંમત 410 હતી, તે સમયાંતરે તેના ભાવ વધ્યા પછી હવે એક બોટલના એક હજારે પહોંચી ચૂક્યા છે. 

આવું માત્ર ગેસ-પેટ્રોલમાં જ નહીં, જીવનજરૂરી અન્ય મોટાભાગની ચીજવસ્તુઓમાં મોંઘવારીનો માર સામાન્ય લોકોને પડી રહ્યો છે. એક સમય હતો જ્યારે ભાવ વધવાનો સમયગાળો લાંબો હતો પરંતુ હવે જેમ જેમ આસપાસ સગવડો વધી રહી છે, આંખે જોઈ શકાય તેવો વિકાસ થઈ રહ્યો છે, લોકોને લોન મળી રહી છે અને ઇકોનોમીએ રફ્તાર પકડી હોય તેમ લાગે છે, તેના અવેજમાં લોકોને આ કિંમત ચૂકવવી પડે છે. જેઓ આ વિકાસની રફ્તારમાં ગતિથી દોડી રહ્યા છે તેમને સંભવત: આ ભાવવધારાથી મુશ્કેલી નથી પરંતુ જેઓ વિકાસની આ ગતિમાં તાલ મેળવી શકતા નથી તેઓને ભાવવધારાનું ભારણ અસહ્ય લાગી રહ્યું છે. અહીં એ ધ્યાને રાખવું કે સરકાર 9 કરોડથી વધુ લોકોને ગેસ બોટલ દીઠ 200 રૂપિયાની સબસીડી આપે છે. જો કે આ સબસીડી મેળવવાની પ્રક્રિયા થોડી અટપટી છે કારણ કે જ્યારે બોટલ ફેરિયા લઈ આવે ત્યારે તેમને તો પૂરી જ કિંમત ચૂકવવાની થાય છે. તે પછી આ સબસીડી કસ્ટમર્સના બેંકના ખાતામાં જમા થાય છે.

આ સબસીડી મેળવવાનો માપદંડ સરકારે નિશ્ચિત કર્યો છે. આ નિયમ હેઠળ જે પરિવારની આવક 10 લાખથી વધુ છે તેઓને આ સબસીડીનો લાભ મળતો નથી. રાંધણ ગેસ પર આટલી સબસીડી આપવાનું એક કારણ કે તે વિશેની રાજકીય ચર્ચા અવારનવાર થતી રહી છે. જ્યારે જ્યારે ભાવ વધે છે ત્યારે સત્તા પક્ષ તેની તરફેણમાં દલીલ રજૂ કરે છે જ્યારે વિરોધ પક્ષો જોરશોરથી તેની સામેની બાજુ દલીલ કરે છે અને એટલે આ વખતે જ્યારે નવા વર્ષે ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા તો કૉંગ્રેસના સોશ્યલ મીડિયા પર એવી પોસ્ટ મૂકવામાં આવી કે, ‘નયે સાલ કા પહલા ગિફ્ટ, કૉમર્શિયલ ગેસ સિલિન્ડર 25 રૂપિયે મહંગા હો ગયા. અભી તો યે શુરૂઆત હૈ.’ ગત વર્ષના શરૂઆતમાં જ્યારે ગેસ સિલિન્ડર પર 50 રૂપિયાનો ભાવ વધારો થયો હતો ત્યારે પણ કૉંગ્રેસે તેનો વિરોધ કરીને રાજનીતિ ગરમાવી હતી.

ગેસની ખપત સામે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે આયાત કરવાની વધુ આવે છે. એક અંદાજ મુજબ 2040 સુધી આપણી આવી ખપત સામેની આયાત 60% સુધી હશે. ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધુ ગેસ આયાત કરનારો દેશ છે અને તેની આયાત મહદંશે સાઉદી અરેબિયા, કતાર, ઓમાન અને કુવૈતથી થાય છે. 2021માં સૌથી વધુ ‘LPG’ની આયાત ભારતમાં કતારથી થઈ હતી. અડધોઅડધ ‘LPG’ કતારથી આવ્યો હતો. હવે ભારત પોતાના વપરાશના આધારે અન્ય દેશો પાસેથી પણ ગેસ ખરીદી રહ્યું છે. જેમ કે 2017માં આ માંગને પહોંચી વળવા ઇરાનથી ‘LPG’ લાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે વખતે બાંગ્લાદેશમાં પણ ભારત ‘LPG’ની આયાત માટે શક્યતા જોઈ રહ્યું હતું.

હજુ પણ ભારતની ડિમાન્ડ વધતી જવાની છે અને ‘LPG’ના કસ્ટમર્સ સાથે તેની આયાત પણ વધતી જશે અને આ ચક્રમાં તેના ભાવ વધવાનું અનિવાર્યપણે આવે છે. કારણ કે જે ચીજવસ્તુ આપણી પાસે નથી અને બીજી જગ્યાએથી લાવીને અહીં તેનો મોટા પાયે વપરાશ કરવાનો થાય ત્યારે તેની કિંમત નક્કી કરવામાં બાંધછોડ કરી શકાતી નથી અને આ કારણસર ભારતમાં ભાવવધારાનો આ સિલસિલો અટકવાનો નથી. હા, સરકાર તેની પ્રતિબદ્ધતાથી તે સમય જરૂર લંબાવી શકે, જે હાલની સરકારમાં દેખાતું નથી. ‘LPG’ આટલો અગત્યનો વિષય હોવા છતાં તેના વિશેની વિસ્તૃત માહિતી આપણને જૂજ ઠેકાણે જ જોવા મળે છે.

Most Popular

To Top