Columns

ઇંડાંની અછતને કારણે મનુષ્યો જીવજંતુ ખાતાં થઈ જશે?

ચીનનાં કેટલાંક લોકો હોંશે હોંશે કીડા, મંકોડા અને વાંદાનો આહાર કરતા હોય તે જોઈને આપણને ચિતરી ચડે છે. ભારતનાં કેટલાંક વનવાસીઓ પેટની ભૂખ ભાંગવા કીડા-મંકોડા ખાતાં હોય છે. તેમને આપણે પછાત માનીએ છીએ. હકીકતમાં મનુષ્યનું શરીર, તેનું પાચનતંત્ર, જઠર, આંતરડાં વગેરે અન્નાહારી કે શાકાહારી પ્રાણીઓ જેવાં છે. માનવ જાતનો મૂળભૂત આહાર અન્નાહાર છે, માંસાહાર નથી. તેમ છતાં કેટલાંક માનવો સદીઓથી મટન, ચિકન , માછલી વગેરેનો આહાર કરતા આવ્યા છે અને જાતજાતના રોગોનો શિકાર બનતા આવ્યા છે.

માછલી અને ઇંડાંમાં જેટલું પ્રોટિન હોય છે, તેના કરતાં ક્યાંય વધુ પ્રોટિન મગફળી, ચણા અને સોયાબીનમાં હોય છે. વળી મટન, ચિકન, ઇંડાં, માછલાં વગેરે ખાવાથી કોલેસ્ટરોલ, હૃદયરોગ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગો થાય છે. તો પણ આપણી સરકાર અને તેની કેટલીક એજન્સીઓ ઇંડાં, ચિકન, મટન વગેરેનો ધૂમ પ્રચાર કરી રહી છે. કુમળાં બાળકોને પાઠ્યપુસ્તકો દ્વારા પણ ભ્રમિત કરવામાં આવે છે કે ચિકન, મટન, ઇંડાં વગેરે ખાવાથી શરીરને પ્રોટિન મળે છે. હકીકતમાં પ્રાણીઓમાંથી મળતાં પ્રોટિન કરતાં દૂધમાંથી મળતું પ્રોટિન વધુ સુપાચ્ય અને આરોગ્યપ્રદ હોય છે. તેમ છતાં સરકારી સંસ્થાઓ દ્વારા ‘સન્ડે હો યા મન્ડે, રોજ ખાઓ અન્ડે’જેવાં સૂત્રોનો પ્રચાર કરવામાં આવે છે.

આટલું ઓછું હોય તેમ સંયુક્ત રાષ્ટ્રસંઘનું ફુડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (ફાઓ) વર્ષ ૨૦૧૩થી પ્રોટિનના વૈકલ્પિક સાધન તરીકે જીવજંતુના આહારનો જોરશોરથી પ્રચાર કરી રહ્યું છે. તેના કહેવા મુજબ ૧૦૦ ગ્રામ ઇંડાંમાં ૧૨ ગ્રામ પ્રોટિન હોય છે, પણ ૧૦૦ ગ્રામ જીવડાંના પાવડરમાં ૭૦ ગ્રામ પ્રોટિન હોય છે. જો જીવડાં સીધાં ખાવામાં કોઈને ચિતરી ચડતી હોય તો તેની વાનગીઓ જાતજાતના રંગોમાં અને સુગંધમાં પણ વિદેશોમાં મળી રહી છે. વિદેશી હોટેલોમાં વાંદાનો સૂપ અને મંકોડાના ભજીયાં મળવા લાગ્યાં છે. ભારતની કેટલીક સેલિબ્રિટીઓ વિદેશ જઈને જીવડાં પણ આરોગતી હોય છે.

ભારતમાં અને વિશ્વમાં આજકાલ ઇંડાંની ભારે અછત પેદા થઈ છે અથવા પેદા કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં જ રોજનાં એક કરોડ જેટલાં ઇંડાંની અછત પેદા થઈ છે. ચીન અને અમેરિકા પછી ભારત દુનિયાનો ત્રીજા નંબરનો ઇંડાં ઉત્પાદક દેશ છે. ભારતમાં એક સમયે ઇંડાંનું ઉત્પાદન ઘરના વાડામાં કરવામાં આવતું હતું અને તેનું વેચાણ પણ નાના પાયે સ્થાનિક ધોરણે કરવામાં આવતું હતું.

આજથી આશરે ૬૦ વર્ષ પહેલાં ‘ફાઓ’ના નિર્દેશ હેઠળ ભારત સરકારે વિશાળ પોલ્ટ્રી ફાર્મને લોન-સબસિડીના રૂપમાં પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું, જેને કારણે દેશમાં ઇંડાંનું ઉત્પાદન અને વપરાશ કૂદકે ને ભૂસકે વધવા લાગ્યા. સરકારી આંકડાઓ મુજબ છેલ્લાં ૬૦ વર્ષમાં ભારતમાં ઇંડાંના ઉત્પાદનમાં ૧૦૦ ગણો વધારો થયો છે. છેલ્લાં ૨૦ વર્ષમાં ઇંડાંનું ઉત્પાદન બમણું થયું છે. વર્ષ ૨૦૨૧માં ભારતમાં ૧૨૨ અબજ ઇંડાંનું ઉત્પાદન થયું હતું. મહારાષ્ટ્રમાં રોજનાં ૧.૨૫ કરોડ ઇંડાંનું ઉત્પાદન થાય છે, પણ કહેવાય છે કે મહારાષ્ટ્રની રોજની જરૂરિયાત ૨.૨૫ કરોડ ઇંડાંની છે. મહારાષ્ટ્ર સરકાર ઇંડાંનું ઉત્પાદન વધારવા યુદ્ધના ધોરણે પગલાં ભરી રહી છે.

દેશમાં અને દુનિયામાં ઇંડાંની અછત પેદા થવાનું મુખ્ય કારણ બર્ડ ફ્લુનો ભય છે. દુનિયાના ઘણા દેશોના પોલ્ટ્રી ફાર્મમાં ખાસ કરીને ઉનાળાના પ્રારંભમાં બર્ડ ફ્લુનો રોગચાળો જોવા મળતો હોય છે, જેને કારણે પક્ષીઓને તાવ આવે છે અને તેઓ મરી જાય છે. આ પ્રકારનો રોગચાળો દુનિયામાં ઘણાં વર્ષોથી જોવા મળતો હતો, પણ તેને બર્ડ ફ્લુનું નામ આપવામાં આવતું નહોતું. જે પક્ષીઓ આ મોસમી રોગનો શિકાર બનતા હતા તેમને ખાડો ખોદીને જમીનમાં દાટી દેવામાં આવતા હતા. હવે વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શન હેઠળ જે વિસ્તારનાં કેટલાંક પક્ષીઓમાં બર્ડ ફ્લુ દેખાય તો તે વિસ્તારનાં લાખો પક્ષીઓની કતલ કરવામાં આવે છે. આવી રીતે કરોડો પક્ષીઓનો સંહાર કરી નાખવામાં આવ્યો છે, જેને કારણે ભારતમાં અને દુનિયામાં ઇંડાંની અછત પેદા થઈ છે.

કેટલાંક નિષ્ણાતો માને છે કે હાલમાં જળવાયુ પરિવર્તન જોવા મળી રહ્યું છે, તેને કારણે પણ ઇંડાંના ઉત્પાદનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમના કહેવા મુજબ બર્ડ ફ્લુના વાયરસ ઠંડી આબોહવાની સરખામણીમાં ગરમ આબોહવામાં વધુ સમય જીવે છે અને તેનો ફેલાવો પણ વધુ ઝડપથી થાય છે. જે રીતે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે તે ઝડપે બર્ડ ફ્લુનો ચેપ પણ વધી રહ્યો છે. યુરોપના દેશોમાં તો મેડ કાઉ રોગના ડરથી કરોડોની સંખ્યામાં દૂધ આપતી ગાયોની કતલ કરવામાં આવી રહી છે. હકીકતમાં દૂધ અને ઇંડાંની કૃત્રિમ અછત પેદા કરવામાં આવી રહી છે.

કેનેડાની વેસ્ટર્ન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા નિયમિત ઇંડાં ખાનારા ૧,૨૦૦ લોકોનો સર્વે કરીને જાહેર કરવામાં આવ્યું હતું કે હૃદયને ધૂમ્રપાનથી જેટલું નુકસાન થાય છે તેટલું નુકસાન ઇંડાં ખાવાથી થાય છે, કારણ કે ઇંડાંના જર્દામાં કોલેસ્ટરોલ હોય છે, જે લોહીનું વહન કરતી ધમનીની દિવાલને સાંકડી બનાવે છે, જેને કારણે હાર્ટ એટેક આવે છે. અમેરિકન હાર્ટ એસોસિયેશન કહે છે કે મનુષ્ય રોજનું ૩૦૦ મિલિગ્રામ કરતાં વધુ કોલેસ્ટરોલ ખોરાકમાં લે તો તેને હૃદય રોગનો હુમલો આવવાની સંભાવના વધી જાય છે. હવે એક ઇંડાંમાં જ ૧૮૫ મિલિગ્રામ જેટલું કોલેસ્ટરોલ હોય છે. ઇંડાં ખાનારાં બીજો કોલેસ્ટરોલયુક્ત આહાર પણ લેતાં હોવાથી તેમનું જોખમ વધી જાય છે.

આજે બજારમાં જેટલાં ઇંડાં મળે છે તે બધાં પોલ્ટ્રી ફાર્મમાં પેદા કરવામાં આવતાં હોય છે. પોલ્ટ્રી ફાર્મની મરઘીઓ ચેપી રોગનો ભોગ ન બની જાય તે માટે તેમને જાતજાતની એન્ટિબાયોટિક દવાનાં ઇન્જેક્શનો આપવામાં આવતાં હોય છે. વળી ઇંડાંનું ઉત્પાદન વધારવા મરઘીને હોર્મોનનાં ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. આ બધાં કેમિકલ્સ ઇંડાંમાં પ્રવેશી જાય છે. ઇંડાં ખાનારાં આ કેમિકલ્સની હાનિકારક અસરોથી બચી શકતાં નથી. ઇંડાં ખાનારાને બર્ડ ફ્લૂ થવાની સંભાવના પણ રહે છે. ભારતમાં આજે પોલ્ટ્રી ફાર્મના ઉદ્યોગનો જે વિકાસ થયો છે તે યુરોપ અને અમેરિકાના ‘ફેક્ટરી ફાર્મિંગ’ઉપરથી જ પ્રેરણા લઇને થયો છે. આ પક્ષીઓ માણસમાં અનેક ચેપી રોગોના વાહક બને છે.

આ ગંદકી વચ્ચે પેદા થનારાં ઇંડાં અને ચિકન ખાનારા જીવલેણ રોગોનો ભોગ બને તો તેમાં કોઇ આશ્ચર્ય નથી. ભારતમાં હૃદય રોગ વધી રહ્યો છે તેના માટે માંસાહાર પણ જવાબદાર છે. જો દેશમાં ચિકનનું અને ઇંડાંનું ઉત્પાદન ઘટી ગયું હોય તો સરકારે લોકોને ઇંડાંને બદલે દૂધ, કઠોળ અને સૂકા મેવાના આહાર તરફ વાળવા જોઇએ, જેમાં પ્રચૂર માત્રામાં પ્રોટિન હોય છે, જે સુપાચ્ય હોય છે અને આરોગ્યપ્રદ પણ હોય છે. ૫૦ ગ્રામ વજન ધરાવતાં ઇંડાંમાં આશરે ૬ ગ્રામ જેટલું પ્રોટિન હોય છે, જ્યારે ૫૦ ગ્રામ સોયાબીનમાં ૧૮ ગ્રામ, મગફળીમાં ૧૩ ગ્રામ, ચણામાં ૧૯ ગ્રામ અને ચીઝમાં ૧૨ ગ્રામ પ્રોટિન હોય છે.

ફણગાવેલા કઠોળમાં તો તેના કરતાં પણ વધુ પ્રોટિન હોય છે. ગરીબો માટે ચિકન અને ઇંડાં કરતાં કઠોળનું પ્રોટિન સસ્તું પણ પડતું હોય છે. આપણી સરકારને ઇંડાંની અછતમાં કઠોળનો પ્રચાર કરવાને બદલે જીવજંતુનો પ્રચાર કરવાની સલાહ આપવામાં આવે છે, તેની પાછળ પણ આંતરરાષ્ટ્રીય કાવતરું છે. જો પ્રજા જીવજંતુના આહાર તરફ વળી જાય તો તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને તેને વિદેશી તાકાતો સહેલાઈથી ગુલામ બનાવી શકશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top