Comments

ચિત્તા મોદીને યશ અપાવશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૧૭ મી સપ્ટેમ્બરે, પોતાના જન્મ દિને મધ્ય પ્રદેશના કિનો નેશનલ પાર્કના ખાસ જંગલમાં નામિબિયાથી લાવેલા આઠ ચિત્તા છૂટા મૂકી દીધા. ચિત્તાઓને એક ખંડમાંથી બીજા ખંડમાં લાવી વન્ય પ્રદેશમાં છૂટા મૂકી દેવાયા હોય તેવો આ પહેલો પ્રસંગ છે. ૧૯૪૭ માં નામશેષ થયા તે પહેલાં ચિત્તા મોટા ભાગના ભારતમાં ભ્રમણ કરતા હતા. મધ્ય પ્રદેશના કોરિયાના મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દેવે ૧૯૪૭ માં દેશના છેલ્લા ત્રણ ચિત્તાઓને મારી નાંખ્યા હોવાનું મનાય છે. છેક ૧૯૫૨ માં ભારત સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે ચિત્તા ભારતમાંથી નામશેષ થઇ ગયા હતા.

ઇ.સ. ૧૫૫૬ થી ૧૬૦૫ સુધી રાજ કરનાર મોગલ સમ્રાટ અકબર પાસે ૧૦૦૦ ચિત્તા હતા એવું ધારવામાં આવે છે. આ પ્રાણીઓનો ઉપયોગ કાળિયાર અને અન્ય હરણોનો શિકાર કરવા માટે કરવામાં આવતો હતો. બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના ભૂતપૂર્વ ઉપપ્રમુખ દિવ્ય ભાનુસિંહે જણાવ્યું હતું કે અતિશય શિકારને કારણે ચિત્તાઓની સંખ્યા ઘટીને થોડાક સો પર આવીને રહી ગઇ હતી અને તે વખતના રાજકુમારોએ લગભગ ૨૦૦ ચિત્તાઓની ૧૯૧૮ થી ૧૯૪૫ વચ્ચે આયાત કરી હતી.

ભારતમાં ચિત્તા લાવવાની વાતો છેલ્લા કેટલાક દાયકાઓથી ચર્ચાયા કરે છે. હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેકયુલર બાયોલોજીએ ૨૦૦૫ માં પણ એશિયાઇ ચિત્તાને કલોન કરવાની દરખાસ્ત કરી હતી પણ જયાં ચિત્તાની સંખ્યા ઘટી રહી છે તે ઇરાને ચિત્તાની ભાગીદારી કરવાની ના પાડી દીધી હતી. આ ફ્રિકન ચિત્તાને ભારતમાં લાવવાની પ્રથમ દરખાસ્ત ૨૦૦૯ માં કોંગ્રેસ સરકારે મૂકી હતી પણ ૨૦૧૨ માં સુપ્રીમ કોર્ટે આફ્રિકાના ચિત્તા કુનોમાં લાવવાના પ્રોજેકટ સામે મનાઇ ફરમાવી હતી. ૨૦૧૭ માં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીએ ફરી આ દરખાસ્ત રજૂ કરી અને સુપ્રીમ કોર્ટને તેના હુકમની સ્પષ્ટતા કરવા વિનંતી કરી હતી. ૨૦૧૦ માં પર્યાવરણ મંત્રાલયે આફ્રિકામાંથી ચિત્તા લાવવાના અને તેને છોડવા યોગ્ય જંગલોની વિગતની ભલામણ કરી હતી.

આખરે ૨૦૨૦ માં સુપ્રીમ કોર્ટે ચિત્તાની આયાત પરનો પોતાનો પ્રતિબંધ ઉઠાવી લઇ પ્રાયોગિક ધોરણે તેને મંજૂરી આપી હતી. પરિણામે ચિત્તાઓને ભારતમાં આવવાનો માર્ગ મોકળો થયો હતો. મોદીએ પોતાના જન્મ દિને ચિત્તાને વનમાં છોડી મૂકયા ત્યારે કોંગ્રેસને તેમાં રાજકારણ દેખાયું અને આ પ્રોજેકટ માટેના પોતાના દાવો પડતો મૂકવાનો ઇન્કાર કર્યો હતો. તેણે જાહેર કર્યું હતું કે મોદીને ચિત્તા પ્રોજેકટ માટે યશ નહીં આપી શકાય કારણ કે ૨૦૦૮-૯ માં ડો. મનમોહન સિંહની આગેવાની હેઠળની સરકારે ‘ચિત્તા પ્રોજેકટ’ તૈયાર કર્યો હતો. તે વખતના વન અને પર્યાવરણ ખાતાના કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશ ૨૦૧૦ માં આફ્રિકાના ચિત્તા આઉટરીચ સેન્ટરમાં ગયા હતા. કોંગ્રેસે કહ્યું હતું કે અમારી સરકારે ચૌદ વર્ષ પહેલાં જે પ્રયાસો કર્યા હતા તેને કારણે ચિત્તા ભારતમાં આવી શકયા છે.

પણ સત્તાવાળાઓ કહે છે કે સુપ્રીમ કોર્ટે ચિત્તાની આયાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો તેને પગલે મોદીએ ઝડપથી કામ કર્યું હતું. ચિત્તા ભારતમાં ફરી વસાવવા માટે ભારતે નામિબિયા સામે જુલાઇમાં કરાર કર્યા હતા. આખરે હેલિકોપ્ટરમાં ત્રણ નર અને પાંચ માદા ચિત્તાને લાવી કુનોમાં છોડવામાં આવ્યા. વધુ ચિત્તાઓ નામિબિયાથી આગામી થોડાં વર્ષોમાં આવવાની ધારણા રખાય છે. પણ ચિત્તાને આફ્રિકાથી ભારત લાવવાનો લાભ શું?

એક દલીલ એવી થાય છે કે ચિત્તા ભારતમાં લાવવાથી જીવવૈવિધ્ય વધશે અને અરિયાણ જમીન પણ સચવાશે. પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે અને આખરે તો આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની શાન વધશે. આમ છતાં ઘણાં પ્રાણી સંચયવાદીઓને લાગે છે કે આ પ્રોજેકટ જોખમી છે. તેઓ કહે છે કે કુનો પાર્ક ચિત્તા માટે આદર્શ નથી. એક વાર વન્ય પર્યાવરણમાં ચિત્તાઓને છોડી દીધા પછી તેઓ દીપડા અને ઝરખ સાથે ખોરાકની બાબતમાં સ્પર્ધા નહીં કરી શકે.

વળી કુનો એવો ચરિયાણ પ્રદેશ નથી કે ચિત્તાને શિકાર મળ્યા જ કરે. સરકારને લાગે છે કે વસવાટની પરિસ્થિતિને કારણે ચિત્તા અનુકૂળ થઇ જશે અને 748 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા કુનોમાં ચિત્તા પોતાને સમાવી શકશે તે માટે પૂરતી સાવધાની રાખી છે. 70 વર્ષ પહેલાં છેલ્લે જયાં એશિયાઇ ચિત્તા દેખાયા હતા તે હવે છત્તીસ ગઢમાં આવેલા કોરિયાના સાલવન પાસે અને કુનોમાં કોઇ માનવવસાહત નથી. હકીકતમાં કુનોમાં ગિરના સિંહને વસાવવાની વાત હતી, પણ ગુજરાત સરકારે વિરોધ કર્યો. મધ્યપ્રદેશના કોંગ્રેસ પ્રમુખ કમલનાથ કહે છે કે ગિરના સિંહોને કુનોમાં નહીં લાવી શકાયા તેથી અન્ય ધ્યાન દોરવા ચિત્તા લવાયા છે.

કેટલાક અધિકારીઓ કહે છે કે સિંહ માટે કુનોના દરવાજા કયાં બંધ થયા છે? કુનો વાઘ, સિંહ, ચિત્તા અને દીપડાનું વતન બની શકે છે. પહેલાં એવું હતું જ ને? પણ ગિરના સિંહોનું બીજું ઘર ગુજરાતની બહાર કેમ હોવું જોઇએ? રોગચાળો ફાટી નીકળે તો 600 સિંહોને જીવનું જોખમ થાય. 2018 થી ગિરમાં રોગચાળાથી ડઝનબંધી સિંહો મરણ પામ્યા છે. આથી કુનોમાં સિંહોને વસાવવા યોગ્ય છે. આખરે તો કુનોમાં લવાયેલા ચિત્તા જીવી જાય અને પાંચ વર્ષમાં તેને બચ્ચાં થાય તે જ મોટી કસોટી છે. ચિત્તાની પૂરી કાળજી લેવાશે જ, છતાં મોદીએ મોટું જોખમ ઉઠાવ્યું છે. ચિત્તાનું સંવર્ધન થશે તો મોદીને યશ મળશે, અન્યથા વિરોધ પક્ષો તેમને માથે માછલાં ધોશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top