Columns

બ્રિટનને હિન્દુ વડા પ્રધાન મળશે? હોઠ અને પ્યાલા વચ્ચે ઘણું અંતર છે

બોરીસ જહોનસને બ્રિટનના વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું ત્યારથી માંડીને હમણાં થોડા દિવસ પૂર્વે એમ મનાતું હતું કે જહોનસનના શાસનમાં બ્રિટનના નાણાં મંત્રી (ચાન્સેલર ઓફ ધ એકસચેકર) અને ભારતીય વંશના, હિન્દુ હોવાનું ગૌરવ અનુભવતા, ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બનશે. ભારતના લોકોને એમ જણાઇ રહ્યું હતું અને હજી પણ જણાઇ રહ્યું છે કે ભારતની આઝાદીના 75મા વરસમાં ઇતિહાસ જુદી રીતે પલટો લેશે. હજી આ સંભાવના તો રહે જ છે પણ એટલી મજબૂત નથી રહેતી જેટલી પ્રારંભમાં હતી. આજે પણ પક્ષની અંદર ચાલી રહેલા મતદાનના રાઉન્ડમાં ઋષિ સુનક બીજાઓથી આગળ છે પણ પ્રારંભના રાઉન્ડમાં સાવ પાછળ રહી ગયેલા લીઝ ટ્રસ નામના વિદેશમંત્રી હવે સ્પર્ધામાં હાજરી બતાવી રહ્યાં છે. હાલમાં સ્પર્ધામાં બે જણા જ રહી ગયાં છે. સુનક અને લીઝ. શાસક કોન્ઝર્વેટિવ પક્ષમાં આ બન્ને નેતાઓ બોરીસ જહોનસનની સરકારમાં અનુક્રમે નાણાં મંત્રી અને વિદેશ મંત્રી હતાં.

એક હિન્દુ, બિનગોરા અને પોતાની જ એક પૂર્વ કોલોનીના મૂળ નિવાસી કુટુંબના ઋષિ સુનકને બ્રિટિશરો વડા પ્રધાન તરીકે પસંદ કરશે તો બ્રિટિશરો ખૂબ લિબરલ હોવાના દાવાને સાર્થક કરશે. કદાચ પસંદ ન કરે તો તેઓ પૂર્વગ્રહ ધરાવે છે તેવું સાબિત થતું નથી પરંતુ અમુક લોકોને તે પ્રકારનો પ્રચાર કરવાનો મોકો મળી જશે. હમણાં સુધી તો તેઓએ સુનક પ્રત્યે કોઇ બીજી જાતનો અણગમો દાખવ્યો નથી. સુનક પોતે બ્રિટનના અર્થતંત્રને ઊંચું લાવવા વધુ કરવેરા લાદવાની હિમાયત કરી રહ્યા છે અને આ હિમાયત એ નાણાં મંત્રી હતા ત્યારથી કરી રહ્યા છે. એમની અને બોરીસ જહોનસન વચ્ચે વિશ્વાસના સંબંધો હતા તેથી એમને નાણાં મંત્રી તરીકેની જવાબદારી સોંપી હતી. બાદમાં સંબંધો એટલા મધુર રહ્યા ન હતા. નીતિગત બાબતો વિષે બંનેમાં વિખવાદ રહેતો હતો.

બોરીસે રાજીનામું આપ્યું ત્યારે વિદેશ મંત્રી શ્રીમતી લીઝ ટ્રસ ઇન્ડોનેશિયા ખાતે G 20 દેશોની પરિષદમાં હાજરી આપવા ગયા હતા. એ 40 કલાકનો થકાવનારો પ્રવાસ કરીને પાછા ફર્યા ત્યારે બોરીસે રાજીનામું આપી દીધું હતું. વડા પ્રધાનપદ માટેની રેસમાં એ પણ જોડાયા. ગુજરાતી વંશના ગૃહ મંત્રી પ્રીતિ પટેલ પણ સ્પર્ધામાં ઊતરવાનું વિચારી રહ્યા હતા. એ પ્રસંગો નિમિત્તે બ્રિટિશ અખબારોમાં જે તસવીરો છપાઇ તેમાં ગુલાબી સ્કર્ટ પહેરીને પધારેલા પ્રીતિબેનનું વ્યકિતત્વ તમામ ગોરા લોકોને પાછળ રાખી દે એટલું બ્રિટિશ ઢબે જાજરમાન નજરે ચડતું હતું.

જો કે પ્રીતિબેને સ્પર્ધામાં જોડાવાનું મોકૂફ રાખ્યું હતું.લીઝ ટ્રસ સ્પર્ધામાં હતા અને એમની ટીમે BBCની ચેનલ 4 સમક્ષ જાહેર ડિબેટમાં ભાગ લેવાની તૈયારીઓ કરી રાખી હતી. પ્રવાસમાં હોવાથી લીઝ ટ્રસ ડિબેટની તૈયારી કરી શકયા ન હતા. ખૂબ થાકી પણ ગયા હતા પરંતુ એ વખતે સ્પર્ધામાં વધુ સ્વરૂપવાન વેપાર મંત્રી શ્રીમતી પેની મોરડોન્ટ પણ હતા. એમને ઋષિ સુનકના નજીકના હરીફ માનવામાં આવી રહ્યા હતા. એક આફ્રિકી વંશના મહિલા રાજકારણી પણ હતા. એ પ્રથમ ડિબેટમાં સુનક અને પેની આગળ રહ્યા. બ્રિટિશ સાંસદોએ એ બંનેને વધુ મતો આપ્યા. લીઝ ટ્રસની ઉમેદવારી ખતરામાં મુકાઇ હતી.

પરંતુ લગભગ એક સપ્તાહ બાદ ચિત્ર બદલાઈ ગયું. ચેનલ 4ની ડિબેટમાં હારી ગયા બાદ લીઝ ટ્રસ પોતાના કુટુંબ સાથે પોતાના રિસોર્ટ બંગલામાં રહેવા જતા રહ્યા અને શુભેચ્છકો સાથે મળીને તૈયારીઓ આદરી દીધી કારણ કે 24 બાદ બ્રિટનની ITV ચેનલની બીજી ડિબેટમાં ભાગ લેવાનો હતો. પ્રથમ ડિબેટમાં એ છેક છેલ્લે પાંચમા ક્રમે આવ્યા હતા અને થોડા જ ઓછા મત મળ્યા હોત તો સ્પર્ધામાંથી ફેંકાઇ પણ ગયા હોત. હવેની ડિબેટમાં એમણે કશું ગુમાવવાનું ન હતું. આત્મવિશ્વાસ સાથે એમણે રજૂઆત કરી કે પૂર્વ નાણામંત્રી ઋષિ સુનક કરવેરામાં વધારો કરીને બ્રિટનને વધુ મંદી તરફ ધકેલી રહ્યા છે.

આમેય યુક્રેન યુધ્ધ અને કોરોના સંકટને પરિણામે બ્રિટનની આર્થિક સ્થિતિ નાદુરસ્ત છે. મોંઘવારી અનહદ વધી છે ત્યારે વધુ કરવેરાની વાત કદાચ સાંસદોને પસંદ પડે તો પણ જનતાને ન પડે અને સ્વાભાવિક છે કે તેથી સાંસદોને પસંદ ન જ પડે. ઋષિ સુનકને સલાહ અપાઇ રહી છે કે કરવેરા વધારવા માટેના એ પોતાના જીદ્દી વલણમાં ઢીલ મૂકે અને છેલ્લા રાઉન્ડમાં પ્રમાણમાં ઓછા મત મળ્યા તેથી ઋષિ સુનક માની જવા તૈયાર થયા છે. પરંતુ લીઝ ટ્રસને સુનક સામે લડવાની તક મળી ગઇ અને તેમાં એ ફાવી પણ ગયાં.

લીઝે એવી રજૂઆત કરી કે પોતે લીડસની સરકારી શાળામાં ભણ્યા છે અને મધ્યમ વર્ગની પરેશાનીઓ સમજે છે જયારે ઋષિ સુનક શ્રીમંતો માટેની મોંઘીદાટ વિન્સેસ્ટર સ્કૂલમાં ભણ્યા છે. બીજા રાઉન્ડમાં સુનકના મતોનું પ્રમાણ ઘટાડવાની સાથે લીઝ ટ્રસે શ્રીમતી મોરડોન્ટને પાછળ રાખી દીધાં. લીઝે એમની વેપાર નીતિઓ પર પણ પ્રહારો કર્યા. ગયા બુધવારે યોજાયેલી એ ડિબેટ બાદ લીઝને 113 મત મળ્યા અને મોરડોન્ટને 105 મળ્યા. એ સ્પર્ધામાંથી ફેંકાઇ ગયા. ઋષિ સુનકને સૌથી વધુ 137 મત મળ્યા. બકિંગહામ પેલેસની નજીક બિગ બેન ટાવર નજીક આ ડિબેટ યોજાઇ હતી.

આ ડિબેટમાં અને બાદમાં ઋષિ પરના જૂના આક્ષેપો તાજા કરવામાં આવ્યા. એ જાણીતી હકીકત છે કે ઋષિ સુનક ભારતમાં ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિના જમાઇ છે. નારાયણ મૂર્તિની કંપનીના શેર પુત્રી અક્ષતાને નામે પણ છે અને સુનક પર આરોપ હતો કે અક્ષતાએ નોન-ડોમિસાઇલ સ્ટેટસ ચાલુ રાખીને બ્રિટનના ટેકસ કાયદાઓનો ફાયદો ઉઠાવ્યો હતો અને મોટી રકમ ટેકસ તરીકે ભરવાની થતી હતી તે ભરી ન હતી. જો કે પાછળથી નીમાયેલી તપાસમાં અક્ષતા દ્વારા કાનૂનનો કોઇ ભંગ થયો નથી તે સ્પષ્ટ થયું હતું. ઋષિ પર બીજો આક્ષેપ છે કે એ બ્રિટનના નાણાં પ્રધાન બન્યા પછી પણ એમણે અમેરિકાનું ગ્રીન કાર્ડ ચાલુ રાખ્યું હતું. મતલબ કે એમના મનમાં ઊંડે ઊંડે પણ અમેરિકાના નાગરિક બનવાની ઇચ્છા જીવતી હતી. જો કે બ્રિટિશરો આ આક્ષેપને ગંભીરતાથી લેતા નથી.

એ ડિબેટમાં સુનક પણ પ્રભાવશાળી રહ્યા હતા તેથી 137 મત મળ્યા પણ શ્રીમતી મોરડન્ટને 105 મળ્યા હતા. હવે મોરડન્ટ સ્પર્ધામાં નથી તો લીઝને તેનો ફાયદો મળી શકે છે. સુનક બોલ્યા હતા કે એમના પ્રતિસ્પર્ધીઓ જે પ્રકારના રોમેન્ટિક અને ફેન્સીફૂલ અર્થતંત્રની રચનામાં પડવા માગે છે એવું કશું પોતે કરવાના નથી. આ કારણથી સુનકને વધુ સમજદાર અને વ્યવહારુ ગણવામાં આવી રહ્યા છે. નાણાંમંત્રી તરીકે એમણે પોતાની કુશળતાનો પરિચય પણ કરાવ્યો છે.

બ્રિટિશરોના મનમાં એ શંકા નથી કે સુનક કુશળ અથવા સક્ષમ નથી.  TV ડિબેટમાં સુનક વધુ રિલેકસ્ડ જણાતા હતા. જો કે હવે પછીની ત્રીજી ડિબેટમાં સુનકે વધુ ચતુર બનીને આવેલા લીઝ ટ્રસનો સામનો કરવો પડશે. સુનક પણ તૈયારી કરીને જ આવશે. હવે પછીના રાઉન્ડમાં રૂઢિચુસ્ત (ટોરી) પક્ષના દોઢ લાખ સભ્યો બેલટમાં ભાગ લેશે જે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજાશે. ટોરી મેમ્બર્સ વડાપ્રધાન તરીકે કોને પસંદ કરશે તે આગામી પાંચમી સપ્ટેમ્બરે જાહેર થશે.

Most Popular

To Top