Charchapatra

આપણું રોડ એન્જિનીયરીંગ અાટલું ખરાબ કેમ?

આપણે એન્જિનીયરીંગમાં ખૂબ પ્રગતિ કરી છે. ઊંચા ઊંચા બિલ્ડીંગ, પૂલ વિગેરે અફલાતૂન બનાવાય છે. પરંતુ રસ્તા બનાવવાની બાબતમાં આપણું એન્જિનીયરીંગ સાવ નબળું છે. આમાં એન્જિનીયરીંગની નબળાઈ કરતાં આપણી અણઆવડત અને વેઠ ઉતારવાનો સ્વભાવ વધુ ભાગ ભજવે છે. કેટલીક વાતો તરફ સુરત મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓનું ધ્યાન દોરવું છે. પહેલી વાત. ચાર કે તેથી વધુ રસ્તા જ્યાં ભેગા થાય છે ત્યાં સર્કલ બનાવવામાં આવે છે.

સર્કલ બનાવતી વખતે કેન્દ્રબિંદુ ધ્યાનમાં રાખવામાં આવતું નથી. આખું સર્કલ કેન્દ્રબિંદુને ફરતે સપ્રમાણ હોવાને બદલે એક તરફ વધુ પડતું ખેંચાઈ ગયેલું માલુમ પડે છે. ઉદાહરણ તરીકે અડાજણ પાટિયા પાસેનું સર્કલ. એની ડીઝાઇન એવી છે કે નહેરુ બ્રિજ તરફથી આવતાં જે વાહનચાલકોને જમણી તરફ સુગમ સોસાયટી તરફ જવું હોય તે સર્કલને ચકરાવો મારીને જવા કરતાં રોંગ સાઈડથી જવા માટે જ લલચાય. એક આ બીજી વાત. સર્કલનાં કદ એટલાં મોટાં રાખવામાં આવે છે કે તે ટ્રાફિકનું નિયમન કરવા કરતાં ટ્રાફિકને અડચણ રૂપ બની રહે છે. સરદાર સર્કલની બે થી વધુ વખત સાઈઝ ઘટાડવી પડી છે.

ત્રીજી વાત. મુખ્ય માર્ગો પર ચાર રસ્તાના જંકશન કે સર્કલ પાસે પાકા રોડને તોડીને પથ્થર બેસાડવામાં આવ્યા છે. અહીં પાકો રોડ અને પથ્થરોનું લેવલ બિલકુલ જળવાયું નથી. રોડ પરથી પથ્થર પર જતાં વાહન પછડાય છે અને ફરી પાકો રોડ આવતાં એનું લેવલ ઊંચું હોય છે. ફોર-વ્હીલર કે આધુનિક બાઈકને વાંધો ન આવે પરંતુ અન્ય ટુ-વ્હીલર અને રિક્ષાને બે વાર જોરદાર ધક્કા લાગે છે ચોથી વાત જ્યાં ક્યારેક ખાડો ખોદવામાં આવે ત્યાં પછીથી એ જગ્યા રોડના લેવલે કેમ નહીં આવતી હોય? આપણું રોડ એન્જિનીયરીંગ એટલું નબળું કેમ? પેચવર્ક કર્યા પછી ય ત્યાં યા તો ખાડો રહી જાય યા તો ઢેકો બની જાય. પાંચમી વાત. બમ્પ જે બનાવવામાં આવે છે તે ચડતા અને ઉતરતા બંને સમયે જોરદાર આંચકો કેમ આપે છે? વાહન સાવ ધીમું હોય તો ય જર્ક લાગે છે. બમ્પ બનાવવાની આવડત આપણામાં નથી જ, અથવા તો આપણે કાળજી નથી લેવી.
સુરત              – ઉમેશ દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top