Editorial

આર્યન જે કેસમાં પકડાયો તેમાં વધુમાં વધુ સજા એક વર્ષની છે તો આટલો હોબાળો શા માટે?

વીસ દિવસ પહેલા એનસીબીની ટીમને એવી માહિતી મળી હતી કે એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ ત્યાં વ્યાપક પ્રમાણમાં દરોડા પાડ્યા હતા. આ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી. માહિતી પ્રમાણે આ શિપ પરથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો મળી આવ્યા છે. જેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. ત્યાંથી અધિકારીઓને જે ડ્રગ્સ મળી આવ્યું હતું એમડી કોક અને હશિસ છે.

મળેલી માહિતી પ્રમાણે ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠળ એનસીબીના અધિકારીઓ શનિવારે મુસાફરોના વેશમાં વહાણમાં સવાર થયા હતા. જોકે જ્યારે શિપ મધ દરિયે પહોંચ્યું ત્યારે એક ડ્રગ પાર્ટીનું આયોજન થયું. આ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઈ રહેલા લોકો નજર આવ્યા હતા અને ત્યારબાદ એનસીબીની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ડીજી એનસીબીએ જણાવ્યું હતું કે,”અમને જહાજ પર ડ્રગ્સ પાર્ટી વિશે 15 દિવસ પહેલા ખૂબ જ ગોપનીય માહિતી મળી હતી ત્યારબાદ અમે આ ઓપરેશન હાથ ધર્યું હતું. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમની સામે અમને પુરાવા મળ્યા છે. જહાજ પર આ પાર્ટીનું આયોજન કરનારા લોકોને તપાસનો સામનો કરવો પડશે તેઓ તપાસમાંથી બચી શકતા નથી.” એક નિવેદનમાં એનસીબીએ જણાવ્યું હતું કે ક્રુઝમાંથી એક્સ્ટસી, કોકેન, મેફેડ્રોન અને ચરસ જેવી દવાઓ મળી આવી હતી અને કેસ નોંધવામાં આવ્યો હતો.

એજન્સીએ જણાવ્યું કે બે મહિલાઓ સહિત આઠ લોકોને પકડવામાં આવ્યા છે અને તેમની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આ દરોડામાં બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ બહાર આવતા જ આ કેસ ખૂબ જ ચકચારી બની ગયો હતો. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આર્યનની તરફેણમાં અને એનસીબી ચીફ સમીર વાનખેડેની વિરૂદ્ધમાં નવાબ મલિકે ખુલ્લેઆમ મોરચો ખોલી નાંખ્યો. એનસીપી નેતા નવાબ મલિકે એનસીબી વિરુદ્ધ જ આરોપો મૂક્યા હતા. તેઓ પહેલેથી એ જ વાત કહેતા આવ્યા છે કે આ આખો કેસ નકલી છે.

એનસીબીએ ટાર્ગેટ કરીને ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા અને 1300માંથી માત્ર 11  લોકોને જ પકડ્યા હતા. પકડ્યા બાદ એનસીબી તેમને ઓફિસ લઈને આવી હતી અને તેમાંથી પણ માત્ર 8 લોકો (આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા) ને જ લૉકઅપમાં રાખવામાં આવ્યા હતા અને બાકીના  ત્રણને જવા દેવામાં આવ્યા હતા.મલિકે એનસીબીના ઝોનલ હેડ સમીર વાનખેડેને આડેહાથ લેતા કહ્યું હતું કે તે કેન્દ્ર સરકારની એક કઠપૂતળી છે. તે લોકોને નકલી કેસમાં ફસાવે છે. તેમણે વાનખેડેને ધમકી આપતા કહ્યું હતું, ‘હું વાનખેડેને પડકાર આપું છું  કે તેની એક વર્ષમાં નોકરી જતી રહેશે. જ્યાં સુધી જનતા તમને જેલ નહીં મોકલે ત્યાં સુધી ચેનથી બેસશે નહીં.

અમારી પાસે તમારા દરેક નકલી કેસના પુરાવા છે.’ મલિક અહીંયા જ નહોતા અટક્યા તેમણે વાનખેડેને સવાલ કર્યો હતો, ‘તારી પર દબાણ કરે છે તે વ્યક્તિ કોણ છે? નવાબ મલિક કોઈથી ડરતો નથી.’ તેના જવાબમાં સમીર વાનખેડેએ કહ્યું હતું કે તેઓ મંત્રી છે અને હું તો એક નાનકડો કર્મચારી છું. હું મારી ફરજ નિભાવી રહ્યો છું અને ડ્રગ્સની બદી દૂર કરવા માટે મારે જેલમાં જવું પડે તો પણ હું તૈયાર છું તો બીજી તરફ એનસીપીના એક અન્ય દિગ્ગજ નેતા છગન ભુજબળે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ભાજપને ટાર્ગેટ કર્યું છે.

NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના વધુ એક નેતાએ ભાજપને આડેહાથ લઈને કહ્યું હતું કે જો બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન ભાજપમાં સામેલ  થઈ જાય તો ડ્રગ્સને બુરું (ખાંડનો પાવડર) માની લેવામાં આવશે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખનો દીકરો આર્યન હાલમાં જેલમાં બંધ છે.ભુજબળે આગળ કહ્યું હતું, ‘ગુજરાતના મુંદ્રા પોર્ટ પર 3 હજાર કિલો હેરોઇન મળ્યું હતું, પરંતુ તેની તપાસ તતી નથી. એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) શાહરુખ પાછળ પડી છે. જો આ જ શાહરુખ ભાજપ સાથે જોડાઈ જાય તો ડ્રગ્સને ખાંડ માની લેવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે આ પહેલાં NCPના નેતા  નવાબ મલિકે ડ્રગ્સ પ્રકરણમાં ભાજપને ખરુંખોટું સંભળાવ્યું હતું. બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન, ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને જેલમાં છે.

આર્યન ખાનની બે વખત જામીન અરજી ફગાવી દેવામાં આવી છે, ત્યાર બાદ હવે તેને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી  છે. અરજીમાં આર્યન ખાનની તરફથી કહેવામાં આવ્યું છે, એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) ક્રૂઝ જહાજ પર ડ્રગ્સ જપ્તના કેસમાં તેને ફસાવવા માટે વ્હોટ્સએપ ચેટને ખોટી રીતે રજૂ કરી રહી છે. જો કે આ કેસમાં દલીલ દરમિયાન સરકાર તરફે વકીલે જે બે કેસની દલીલો કરી હતી તેમાં એક કેસ 65 કિલો ગાંજાનો હતો અને બીજો કેસ પણ મોટા જથ્થાનો જ હતો. જ્યારે આર્યન ખાનના કબજામાંથી કોઇ ડ્રગ્સ મળ્યું નથી. જે મળ્યું છે તે તેના મિત્ર અરબાઝ મર્ચન્ટના કબજામાંથી મળ્યું છે.

કાયદાના વિશેસજ્ઞો આ અંગે કહે છે કે ડ્રગ્સનું ઉત્પાદન કરવું, તેની હેરાફેરી કરવી અને તેનું વેચાણ કરવું તે કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ 20 વર્ષની સજા અને 20 લાખના દંડની જોગવાઇ છે. પરંતુ આર્યનના મિત્ર પાસે જે માત્રામાં ડ્રગ્સ મળ્યું છે તે માત્ર છ ગ્રામ છે અને તેનો અર્થ એ છે કે તેઓ ઉત્પાદન કે વેચાણ સાથે સંકળાયેલા નથી પરંતુ કદાચ ડ્રગ્સનું સેવન કરવા માટે તેનો ઉપયોગ કરવાના હોય શકે. આ કેસમાં વધારેમાં વધારે એક વર્ષની સજા અથવા તો 20હજારનો દંડ છે. કોર્ટ ધારે તો પણ એક વર્ષથી વધારે સજા આપી શકે તેમ નથી. જ્યારે આર્યન છેલ્લા 20 દિવસથી કસ્ટડીમાં છે. આવા કેસમાં આરોપીને આટલા દિવસ કસ્ટડીમાં રાખી શકાય નહીં તે ખરેખર જામીનનો હકદાર છે.

Most Popular

To Top