Columns

મ્યાનમારનું લશ્કર નિર્દોષ નાગરિકોની કતલ કેમ કરી રહ્યું છે?

રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષ કરતાં વધુ સમયથી જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની રજેરજની વિગતો ભારતનાં નાગરિકો પાસે હશે, પણ ભારતની પડોશમાં આવેલા મ્યાનમારમાં ચાલી રહેલા ગૃહયુદ્ધની બહુ ઓછાં ભારતીયોને જાણ હશે. મંગળવારે મ્યાનમારના લશ્કરે લોકશાહીની સ્થાપના માટે આંદોલન કરી રહેલાં નિર્દોષ નાગરિકો પર હેલિકોપ્ટરમાંથી બોમ્બવર્ષા કરી તેમાં ઓછામાં ઓછાં ૧૦૦ નાગરિકો માર્યા ગયાં હતાં. મહિલાઓ અને બાળકો સહિતનાં નાગરિકોની આ હત્યાથી વિશ્વભરના મિડિયાનું ધ્યાન મ્યાનમારમાં બે વર્ષથી ચાલી રહેલા લશ્કરના શાસન તરફ ગયું છે. મ્યાનમારમાં ૨૦૨૧ના નવેમ્બર મહિનામાં ચૂંટણી થઈ તેમાં નેશનલ લિગ ઓફ ડેમોક્રેસી નામનો પક્ષ બીજી વખત ચૂંટાઈ આવ્યો હતો, પણ તેને સત્તા પર આવતો રોકવા માટે લશ્કરે બળવો કર્યો હતો.

નેશનલ લિગ ઓફ ડેમોક્રેસીના નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા અને તેમના પર દેશદ્રોહના મુકદમા ચલાવવામાં આવ્યા હતા. મિલિટરી જન્ટા દ્વારા મ્યાનમારનું શાસન ચલાવવા માટે કામચલાઉ સ્ટેટ એડમિનિસ્ટ્રેશન કાઉન્સિલની રચના કરવામાં આવી હતી અને દેશમાં એક વર્ષ માટે કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી હતી. આ કટોકટી બે વર્ષ પછી પણ ચાલુ રહી છે. દરમિયાન સમગ્ર મ્યાનમારમાં લશ્કરી શાસન વિરુદ્ધ હિંસક પ્રતિકાર ચાલી રહ્યો છે.
મ્યાનમારમાં છેલ્લાં બે વર્ષમાં લશ્કરના અત્યાચારોને કારણે ઓછામાં ઓછાં ૩,૦૦૦ (એક અંદાજ મુજબ ૩૦,૦૦૦) નાગરિકો માર્યા ગયાં છે. હજારો નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

ચાર નેતાને તો ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા છે અને આશરે ૧૫ લાખ લોકો બેઘર થઈ ગયાં છે, જેમાંના આશરે ૫૦,૦૦૦ નિરાશ્રિત બનીને ભારતમાં આવ્યાં છે. હકીકતમાં મ્યાનમારના લશ્કર દ્વારા તેની પ્રજા સામે જ યુદ્ધ જાહેર કરવામાં આવ્યું છે. લોકો દ્વારા પણ લશ્કરી શાસકોનો વિરોધ કરવા માટે નાનાં નાનાં જૂથોમાં ગેરિલા યુદ્ધ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ આપણે જેને બર્મા કે બ્રહ્મદેશ તરીકે ઓળખતા હતા તે મ્યાનમારમાં ૨૦૧૫માં લશ્કરી શાસનનો અંત આવ્યો હતો અને લોકશાહી સરકારની સ્થાપના કરવામાં આવી હતી.

જો કે આ સરકાર લશ્કર દ્વારા ૨૦૦૮માં ઘડવામાં આવેલા બંધારણ મુજબ જ કામ કરતી હોવાથી ખરી સત્તા તો લશ્કરના હાથમાં જ રહેતી હતી. આ બંધારણ મુજબ મ્યાનમારની સંસદની ૨૫ ટકા બેઠકો પર લશ્કરે જ નિમણૂક કરવાની રહેતી હતી. વળી આ બંધારણ બદલવા ૭૫ ટકા સભ્યોની સંમતિ જરૂરી માનવામાં આવી હતી. આ કારણે લશ્કરે ઘડેલું બંધારણ બદલવાનું અશક્યપ્રાય: બની ગયું હતું. ૨૦૧૫માં લશ્કરે ચૂંટણી કરાવી હતી અને બે દાયકાથી જેલમાં રહેલાં ઓંગ સાન સુ ક્યીને સત્તા સોંપી હતી. તેમણે લશ્કરના દિશાનિર્દેશ મુજબ જ શાસન કરવું પડતું હતું.

૨૦૨૧ના નવેમ્બર મહિનામાં ફરી ચૂંટણી થઈ તેમાં ઓંગ સાન સુ ક્યી ફરી જંગી બહુમતી સાથે સત્તા પર આવ્યા અને તેમણે ૨૦૦૮નું બંધારણ બદલવાની હિલચાલ કરી ત્યારે સતર્ક બનેલા લશ્કરે ફરીથી બળવો કરીને તેમને ફરીથી જેલમાં નાંખ્યા હતા. ઓંગ સાન સુ ક્યીના નેતૃત્વમાં તેમનો પક્ષ ચૂંટણી તો જીત્યો, પણ ૨૦૦૮ના બંધારણ મુજબ તેઓ પ્રમુખનો હોદ્દો ગ્રહણ કરી શકે તેમ નહોતા, કારણ કે બંધારણની કલમ મુજબ જે નેતાનું કોઈ સ્વજન વિદેશી નાગરિક હોય તો તે પ્રમુખ બની શકે નહીં. ઓંગ સાન સુ ક્યીનાં બાળકો બ્રિટીશ નાગરિક હોવાને કારણે તેમને પ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો નહોતો.

તેમ છતાં તેઓ પક્ષના વડા તરીકે રિમોટ કન્ટ્રોલથી સરકારનું સંચાલન કરતા હતા. જો કે તેમને આગળ કરીને ખરી સત્તા તો લશ્કરે જ પોતાના હાથમાં રાખી હતી. લશ્કરે રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાચારો કર્યા તેનું સમર્થન પણ ઓંગ સાન સુ ક્યીને કરવું પડ્યું હતું. ૨૦૧૫માં ઓંગ સાન સુ ક્યીના હાથમાં બાહ્ય રીતે સત્તાનાં સૂત્રો સોંપવામાં લશ્કરનો પણ સ્વાર્થ હતો. મ્યાનમારમાં લશ્કરી શાસન હોવાથી પશ્ચિમના દેશો દ્વારા તેમના પર આર્થિક નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. મ્યાનમારમાં લશ્કરી પ્રભુત્વ હેઠળ લોકશાહીની સ્થાપના કરવામાં આવી તેને પગલે યુરોપ અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલાં નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યાં હતાં.

વિદેશી મૂડીનો પ્રવાહ મ્યાનમારમાં વહેતો થયો હતો, જેનો લાભ લશ્કરી શાસકોને પણ થયો હતો. ઓંગ સાન સુ ક્યીએ ૨૦૧૧માં જાહેર કર્યું હતું કે તેઓ ૨૦૦૮ના બંધારણ હેઠળ ક્યારેય સરકાર નહીં સંભાળે. આ સંકલ્પમાં બાંધછોડ કરીને તેમણે ૨૦૧૫માં સત્તા સંભાળી હતી. ૨૦૨૦માં તેઓ ફરીથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, પણ તેમણે ૨૦૦૮નું બંધારણ બદલવાની કોશિશ કરી કે તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા.

મ્યાનમારમાં બે વર્ષ પહેલાં લશ્કરી શાસન આવ્યું તેનો વિરોધ કરવા માટે વિવિધ રાજકીય પક્ષોએ સંગઠિત થઈને નેશનલ યુનિટી ગવર્નમેન્ટ (એનયુજી) ની સ્થાપના કરી છે, જેમાં ભૂતપૂર્વ સંસદસભ્યોનો અને પ્રધાનોનો સમાવેશ થાય છે. આ સંગઠન દ્વારા સમાંતર લશ્કરની અને સંરક્ષણ મંત્રાલયની રચના પણ કરવામાં આવી છે. એનયુજી દ્વારા લશ્કરી શાસનનો અહિંસક ઢબે વિરોધ કરવામાં આવે છે, જે ક્યારેક હિંસક સ્વરૂપ પણ ધારણ કરી લેતો હોય છે. તેના સૈનિકો દ્વારા લશ્કરી શાસનનાં કાર્યાલયો અને ગોદામો પર સશસ્ત્ર હુમલાઓ કરવામાં આવે છે.

હકીકતમાં મ્યાનમારના રંગૂન અને માંડલે જેવાં શહેરો જ લશ્કરી શાસકોના હાથમાં છે. મ્યાનમારની ૫૦ ટકા જમીન સ્થાનિક બળવાખોરોના કબજામાં છે. ભારતની સરહદે આવેલા ચીન પ્રાંતની તો ૭૦-૮૦ ટકા જમીન બળવાખોરોના કબજામાં છે. તેમને આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૧માં લશ્કરના બળવા પછી મ્યાનમારમાં હિંસક ઘટનાઓ બહુ વધી ગઈ છે. સરકારના લીક થયેલા હેવાલ મુજબ મ્યાનમારના ૧૪ પૈકી ૧૨ પ્રાંતોમાં બે વર્ષમાં આશરે ૧૮,૦૦૦ હિંસક ઘટનાઓ બની છે, જેમાં આશરે ૩૦,૦૦૦ લોકો માર્યા ગયાં છે.

મ્યાનમારમાં કુલ ૩૩૦ નગરો પૈકી ૨૨૦ના કબજા માટે લશ્કર અને ગેરિલાઓ વચ્ચે જંગ ચાલી રહ્યો છે, જેમાંના ૧૩૨ તો લશ્કરના હાથમાંથી લગભગ છટકી ગયા છે. મ્યાનમારના લશ્કરની તાકાત ૧.૨૦ લાખની છે. તેમાં ૨૩૦ બટાલિયનો છે, પણ લશ્કરી શાસકોના અંકુશ હેઠળ માત્ર ૩૦ બટાલિયનો જ છે. બાકીની બટાલિયનોના ઘણાં સૈનિકો નોકરી છોડીને ચાલ્યા ગયા છે. ઘણાં ગેરિલા જૂથોમાં જોડાઈ ગયા છે. ભારતના પડોશી મ્યાનમારમાં આટલી મોટી ઉથલપાથલ ચાલી રહી હોવા છતાં ભારત સરકાર તેની ઉપેક્ષા જ કરી રહી છે. ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં યુનોની સલામતી સમિતિમાં મ્યાનમારના લશ્કરી શાસકોના અત્યાચારો સામે ઠરાવ લાવવામાં આવ્યો હતો, પણ ભારત, રશિયા અને ચીન તેમાં અલિપ્ત જ રહ્યાં હતાં.

અફઘાનિસ્તાન અને યુક્રેન જેવા દેશોમાં હિંસાની ઘટનાઓ બને તો અમેરિકા તેનો બોલકો વિરોધ કરતું હોય છે, કારણ કે તેમાં રશિયા અને ચીન જેવી મહાસત્તાઓની સંડોવણી હોય છે, પણ મ્યાનમારમાં કોઈ મોટા ખેલાડી મેદાનમાં ન હોવાથી અમેરિકા તેની દરકાર કરતું નથી. ભારત અને મ્યાનમાર વચ્ચે ૧૬૦૦ કિલોમીટર લાંબી સરહદ હોવા છતાં ભારત સરકાર ત્યાં બની રહેલી ઘટનાઓ બાબતમાં મૌન છે. મ્યાનમારના જે શરણાર્થીઓ ભારતમાં આવે છે તેને ઘૂસણખોર માનીને રાહત કેમ્પમાં ખડકી દેવામાં આવે છે.

Most Popular

To Top