Entertainment

‘બોલિવુડ નરેશ’ અમિતાભને ‘અભિષેક’ મંજૂર કેમ નથી?

શું અમિતાભ બચ્ચન જાણી – સમજીને અભિષેક બચ્ચન સાથેની ફિલ્મોથી દૂર રહે છે? આ પ્રશ્નનો સાદો ઉત્તર શકય નથી પણ અમિતાભનો મિજાજ એવો રહ્યો છે કે પોતાની સ્ટાર ઇમેજમાં કુટુંબનું મિશ્રણ ઇચ્છતો નથી. ‘ઝંઝીર’ પછી તરત જ તેણે જયા ભાદુડીને પોતાની હીરોઇન તરીકે બાજુ પર કરી દીધેલી. અભિષેક બચ્ચનની વાત જ રા જુદી છે ને ત્યાં તે પિતા તરીકે વર્તે છે ને અભિષેકના સકસેસ માટે પ્રયત્ન કરે છે. જો આમ કરવાથી અભિષેકની સિંગલ હીરો તરીકેની ઇમેજમાં નુકશાન પહોંચે છે એટલે તમે પાછલી થોડી ફિલ્મો જોશો તો તેમાં અભિષેક સિંગલ હીરો છે.

બાકી ‘સરકાર’, ‘પા’, ‘સરકાર રાજ’, ‘બંટી ઔર બબલી’, ‘કભી અલવિદા ના કહેના’ માં પિતા-પુત્રની જોડી હતી. અમિતાભે તો ઐશ્વર્યાને પણ અમુક ફિલ્મોમાં ઉમેરવા ઇચ્છી હતી. પણ ‘બચ્ચન ફેમિલી’ બ્રાન્ડ બની જાય તો ત્રણેની સ્વતંત્ર ઓળખને નુકશાન પહોંચે. હવે ઐશ્વર્યા તો એકાદ – બે ફિલ્મમાં જ કામ કરે છે અને અભિષેક સાથે કામ નથી કરતી. અમિતાભ – અભિષેક આર. બાલ્કીની ‘ઘૂમર’ માં જરૂર આવવાના છે પણ એ એક ફિલ્મ સિવાય અભિષેકની અન્ય ત્રણ ફિલ્મોમાં અમિતાભ નથી. તે બંને છેલ્લે ‘સરકાર-3’ માં સાથે હતા. હવે પાંચ વર્ષ પછી એકાદમાં જોડી તરીકે દેખાશે. બાકી અમિતાભ ચાહે તો પોતાની ફિલ્મમાં અભિષેકનો આગ્રહ રાખે તો નિર્માતા બહુ આનાકાની ન કરે પરંતુ નિર્માતા પર દબાણ કરવાનું અમિતાભના સ્વભાવમાં નથી.

આ બાબતે તેનામાં વ્યવસાયી શિષ્ટ છે. બાકી અત્યારે તે ૧૦ ફિલ્મોમાં રોકાયેલો છે. અભિષેક બચ્ચન પોતે જાણે છે કે તે ટોપ ટેન સ્ટારમાંનો એક નથી અને તે એવા દાવા કરતો ય નથી. તે ફકત કામમાં રોકાયેલો રહે છે ને ફિલ્મ અભિનય સિવાય બીજું કશું કરતો નથી. અમિતાભ, જયા કે ઐશ્વર્યાની પણ એવી સલાહ હોતી નથી કે અભિષેક બીજું કાંઇ કરે. હકીકત તો એ છે કે અભિષેક તેની કારકિર્દીમાં જે પણ સ્થાને પહોંચી શકે તેમ હતો ત્યાં પહોંચીને સ્થિર છે. તે કોઇ મોટા ધમાકા કરવા પણ નથી માંગતો. તે પ્રોફેશનલી મેચ્યોર છે અને પોતાની હેસિયત સમજી ગયા પછી તે હવામાં બાચકા મારતો નથી. અમિતાભે હવે અભિષેકને પોતાની રીતે આગળ વધવા માટે જે અવકાશ રચી આપ્યો છે તે યોગ્ય જ છે. અભિષેક શું અમિતાભ પોતાના કુટુંબમાંથી કોઇનો ય આધાર ઇચ્છતો નથી. તેનું સ્ટાર તરીકેનું સ્થાન જ એવું છે જેમાં કોઇ કુટુંબીજનની જગ્યા ન હોય.

અમિતાભ પોતાની કારકિર્દીમાં કોઇની દખલ સ્વીકારતો નથી. પોતાના નકશા પોતે બનાવે છે ને તેની પર તે ચાલે છે. હવે તેને કોઇ નીચે ઉતારી શકે એમ નથી અને જે ઉંચાઇ પર છે ત્યાં કોઇ પહોંચે એમ નથી. તે જાહેરાતમાં કામ કરે તેમાંય ત્રણથી આઠ કરોડ વચ્ચેની રકમ મેળવી લે છે. અને અમિતાભ જાહેરાતોથી જેટલું કમાય છે તેટલું અન્ય કોઇ સ્ટાર કમાતા નથી. સલમાન, ઋતિક કરતાં તેની ફી છે પણ કુલ ફિલ્મો વધુ હોય છે એટલે એ સ્ટાર તેમાંય તેનો પીછો કરી શકે તેમ નથી. અત્યારે રજૂ થયેલી ‘બ્રહ્માસ્ર’ માટે તેણે દશ કરોડ લીધેલા અને ‘ગુડબાય’ માં તેનાથી વધુ લીધા છે. એટલે અમિતાભ – અભિષેકની તુલના અહીં પણ શકય નથી. અમિતાભ તેના પુત્રના સ્ટાર સ્વમાન માટે લડી રહ્યો છે તે ચોકકસ પણ પોતાના આધારે અભિષેકને કોઇ ઓળખે એવું નથી ઇચ્છતો એટલે જ હવે તે બંને કયારેક જ સાથે જોવા મળશે.

Most Popular

To Top