Entertainment

આમીર હવે કયું ચલાવશે તીર?

આમીરખાન અત્યારે ફિલ્મ સ્ટાર્સથી વધુ ફેમિલીમેન લાગી રહ્યો છે. લગ્નની સીધી જવાબદારીથી તો તે મુક્ત છે પણ હમણાં તેણે તેના મમ્મી ઝિનત હુસેનની 89ની બર્થ ડે ઉજવી ને તેમાં પૂર્વ પત્ની કિરણ રાવ, દિકરી ઇરા ઉપરાંત બહેન નિખત, ફરહત પણ હતી. ફિલ્મ સ્ટાર્સ ફૂરસદમાં હોય ત્યારે જ કુટુંબના થઇ શકે છે તે પોતે પણ કહે છે કે અત્યારે તો મેં કોઇ ફિલ્મમાં કામ કરવાનું નક્કી નથી કર્યું. મારે મારા કુટુંબ સાથે જ સમય વિતાવવો છે. અત્યારે મારે બસ આ જ કરવું છે. હું ફિલ્મ માટે ત્યારે જ તૈયાર થઇશ જયારે તેના માટે હું ઇમોશનલી તૈયાર હોઇશ.

લાલસિંહ ચઢ્ઢા’ની પછડાટ ખાધા પછી આમીરખાન જાણે પોતાને ફરી શોધી રહ્યો છે. આ માટે તે નેપાળ જઇ ધ્યાન પણ ધરી આવ્યો છે એ એક મેચ્યોર માણસ છે. અમિતાભે જેમ પોતાના કમબેક માટે ખૂબ વિચાર કરેલો અને પછી જ પાછો ફરેલો. આમીરખાનનું એવું છે કે તે કોઇ સાથે સ્પર્ધામાં હોતો નથી. બિલકુલ પોતાની રીતે જ ફિલ્મો બનાવે છે અને પોતાની રીતે જ ફિલ્મો સ્વીકારે છે. તેનું હીરોઇઝમ પણ બીજા સ્ટાર્સથી અલગ પ્રકારનું છે તે અમુક પ્રકારની રોમેન્ટિક યા એકશન યા થ્રિલર યા કોમેડી ફિલ્મો કરવી જ પડે એવું નથી માનતો.

બીજા સ્ટાર્સે જયારે અંડર વર્લ્ડના પાત્રો ભજવ્યા ત્યારે પણ તેણે તેવું નથી કર્યું કે બીજા ‘સિંઘમ’ કે ‘દબંગ’ ચુલચુલ પાંડે બન્યા ત્યારે પણ તેણે એવા પોલીસ અધિકારીની ભૂમિકા નથી કરી. એ દરેક ફિલ્મે નવા વિષય અને નવા પાત્રની શોધ કરે છે. તેને અમુક-તમુક હીરોઇન સાથે સ્ટાર જોડી પણ બનાવવી નથી પડતી. આમીર ખાનને ટોપ ડાયરેકટરની પણ જરૂર નથી પડી એટલે ભણસાલી, રાજામૌલી, કબીરખાન, વિના ચાલી જાય છે. આમીર કઇ રીતે જૂદો છે તે સમજવાની જરૂર છે. હા, છેલ્લી બે ફિલ્મમાં તે ભાર માર ખાય ગયો છે અત્યારે તે પોતાની સ્થિતિનું ધીરજપૂર્વક મૂલ્યાંકન કરી રહ્યો છે. શાહરૂખખાન નિષ્ફળતાથી ડરીને રાજકુમાર હીરાની પાસે ચાલી ગયો હતો એવું આમીરે નથી કર્યું.

હા, તેના મનમાં ‘ગજિની’ની સિકવલ બનાવવાનો વિચાર ચાલતો જણાય છે અને તે માટે તેના નિર્માતા આલુ અરવિંદ સાથે વાત કર્યાનું કહેવાય છે. પણ તે ઉતાવળમાં કશું વિચારશે નહીં. આ બધા કારણે જ ઇંતેજાર છે કે તે હવે જે ફિલ્મ સાથે સંકળાશે તે કેવી હશે? એ તેની કમબેક ફિલ્મ બની શકશે? 1988 થી તે ફિલ્મોમાં હીરો તરીકે સક્રિય છે એટલે કે 36 વર્ષની તેની કારકિર્દી થઇ ગણાય. આ દરમ્યાન તેણે જૂદા જુદા તબક્કા જોયા છે અને પોતાને પણ બદલતો રહ્યો છે. તેની ‘સરફરોશ’, ‘લગાન’, ‘દિલ ચાહતા હૈ’, ‘રંગ દે બસંતી’‘તારે ઝમીં પર’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘દંગલ’ની એક જૂદી જગ્યા છે. નિર્માતા કે દિગ્દર્શક તરીકે પણ તેની જૂદી જગ્યા છે. એટલે આમીરખાનની રાહ જુઓ. •

Most Popular

To Top