Editorial

કયાં આજના કઢીચટ્ટાઓ અને કયાં એ યુગના યુગપ્રહરીઓ!

જો વિવેક ન હોય તો ગમે તેની કિંમત કોડીની થઈ શકે. દેશને આઝાદી મળી ત્યારે વિચારવામાં આવ્યું હતું કે ભારતરત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી (ઉપરથી નીચેના ક્રમમાં) જેવા ઈલ્કાબ એવાં લોકોને આપવામાં આવે જેનું જે તે ક્ષેત્રમાં બહુમૂલ્ય યોગદાન હોય. જેને પદ્મશ્રીનો ઈલ્કાબ આપવામાં આવ્યો હોય એ જો પોતાના ક્ષેત્રમાં હજુ વધુ મોટું યોગદાન આપે તો તેને ચડતા ક્રમમાં વધારે મોટો ઈલ્કાબ આપી શકાય. આવું બન્યું પણ છે. ત્યારે એવું પણ વિચારવામાં આવ્યું હતું કે રાજ્યસભાને ખરેખર વડીલોનું સભાગૃહ બનાવવામાં આવે.

એમાં એવાં લોકો બેઠાં હોય, જેમણે પોતાનું આખું જીવન જાહેર સેવાને આપ્યું હોય, અનુભવી હોય, વહીવટ કરવાનો પણ અનુભવ મેળવી ચૂક્યા હોય. આ લોકો ચૂંટાયેલા શાસકોને અને એકંદરે સરકારને માર્ગદર્શન આપી શકે. રાજ્યસભામાં એવાં કેટલાંક લોકો પણ હોય, જેમણે પોતાના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન દ્વારા કીર્તિ રળી હોય. કીર્તિ રળવા રાજ્યસભાનું સભ્યપદ ન આપવામાં આવે, કીર્તિ રળી છે માટે આપવામાં આવે. શક્ય છે કે એવાં લોકો કોઈ પક્ષનું સભ્યપદ લઈને રાજ્યસભામાં સભ્ય બનવા માટે ઉમેદવારી ન કરે, માટે સરકાર એવાં લોકોની નિમણૂક કરે એવી જોગવાઈ કરવામાં આવી હતી.

ત્યારે નેશનલ બૂક ટ્રસ્ટ, ચિલ્ડ્રન્સ બૂક ટ્રસ્ટ અને સાહિત્ય અકાદમીની રચના કરવામાં આવી હતી જેનું કામ પ્રજામાં વાચનરસ પેદા કરવાનો હતો. અંગ્રેજી, હિન્દી અને ભારતીય ભાષાઓમાં પ્રકાશનો કરવામાં આવે અને તેને સસ્તી કિંમતે લોકસુલભ કરી આપવામાં આવે. એક જમાનામાં દેશભરમાં નેશનલ બૂક ટ્રસ્ટ દ્વારા પુસ્તકમેળાઓ યોજવામાં આવતા હતા, જેમાં આખા દેશના પ્રતિષ્ઠિત પ્રકાશકો ભાગ લેતા હતા. એક સ્થળે પેગ્ન્વીનનાં અંગ્રેજી પણ મળે અને ચોખંભાનાં સંસ્કૃત પુસ્તકો પણ મળે. ચિલ્ડ્રન્સ બૂક ટ્રસ્ટનું કામ નામ જ સૂચવે છે એમ બાળકો માટે સાહિત્ય વિકસાવવાનું અને બાળકો સુધી પહોંચાડવાનું હતું. ભારતીય ભાષાઓમાંથી પણ ઉત્તમ કક્ષાનું બાળસાહિત્ય પસંદ કરીને બીજી ભાષાઓમાં ઉપલબ્ધ કરી આપવામાં આવતું હતું. સાહિત્ય અકાદમી જે તે ભાષાની શ્રેષ્ઠ સાહિત્યકૃતિને પુરસ્કૃત કરે છે અને એ દ્વારા સાહિત્યકારનું સન્માન કરે છે.

આ સિવાય અંગ્રેજી, હિન્દી અને બીજી ભારતીય ભાષાઓનું શ્રેષ્ઠ સાહિત્ય અન્ય ભાષાઓમાં અનુવાદિત કરીને ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. સાહિત્ય અકાદમી દ્વારા રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતીઓને વાંચવા મળે છે અને ઉમાશંકર જોશી બંગાળીઓને પોતાની ભાષામાં વાંચવા મળે છે. આ સિવાય લલિત કલાઓના પ્રચાર-પ્રસાર માટે લલિત કળા એકેડેમી અને સંગીત તેમ જ નૃત્યના પ્રચાર-પ્રસાર માટે સંગીત નાટક એકેડેમીની સ્થાપના કરવામાં આવી હતી. આ અકાદમીઓ પહેલી હરોળના સાહિત્યકારો, ચિત્રકારો અને અન્ય કલાકારો, સંગીતકારો, નાટ્યકર્મીઓ અને નૃત્યકારોને સન્માનિત કરે છે.

એ જવાહરલાલ નેહરુનો યુગ હતો, જેમાં સાંસ્કૃતિક વૈભવનાં સપનાંઓ જોવામાં આવતાં હતાં. ઈશ્વર અને અલ્લાહની ઈબાદત કરનારાઓ અને તેમનાં મંદિર કે મસ્જીદ બાંધનારાઓ તો ઘણાં મળશે, ઉમાશંકર અને રવીન્દ્રનાથની સર્જકતાની ઈબાદત કોણ કરશે! એ પ્રજા અધૂરી છે જે પોતાની સંસ્કૃતિને અને પોતાના વારસાને ઓળખતી નથી. એ પ્રજા અધૂરી છે જે પોતાનાં સર્જકો અને સર્જકતાને ઓળખતી નથી અને તેમની કિંમત કરતી નથી. એ પ્રજા અધૂરી છે જે કોઈ પુસ્તક વાંચતી નથી કે કોઈ સર્જનકૃતિને માણતી નથી. આનંદ કુમારસ્વામી નામના એક વિદ્વાને કહ્યું હતું કે ભારતની સમસ્યા ભણેલા અભણોની છે. તેમને વાંચતાં લખતાં આવડે છે, અદાલતમાં દલીલો કરતાં આવડે છે, કોઈ બીમારની સારવાર કરતાં આવડે છે, મશીન બનાવતાં કે ઠીક કરતાં આવડે છે, પણ તેઓ નાભિનાળ વિનાના છે. તેમની નાળ પોતાના હોવાપણાની નાભિ સાથે જોડાયેલી નથી. હવે તો આવાં લોકો શાળા કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં પણ ઘૂસી ગયાં છે.

આનું પરિણામ જુઓ! નેહરુએ જે પરિપાટી વિકસાવી તેને કારણે ઇન્દિરા ગાંધીની સરકારે ઉમાશંકર જોશીને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હતા. ઉમાશંકર જોશીએ ઈમરજન્સીના વિરોધમાં રાજ્યસભામાં જે ભાષણ આપ્યું હતું એ ઐતિહાસિક સાબિત થયું છે. સંસદમાં અપાયેલ શ્રેષ્ઠ ભાષણોની જો યાદી બનાવવામાં આવે તો ઉમાશંકર જોશીએ આપેલું એ ભાષણ પહેલા દસ ભાષણોમાં સ્થાન પામે. ઉમાશંકરની નિયુક્તિ ઇન્દિરા ગાંધીની સરકારે કરી હતી અને ટીકા ઇન્દિરા ગાંધીની કરવામાં આવી હતી અને એ પણ ઇન્દિરા ગાંધીને ધૃતરાષ્ટ્ર સાથે સરખાવીને. ક્યાં આજના કઢીચટ્ટાઓ અને ક્યાં એ યુગના યુગપ્રહરીઓ!

પણ આપણે જવાહરલાલ નેહરુને નિષ્ફળ બનાવ્યા. આપણે વિશ્વગુરુ ખરા, પણ બુદ્ધિ અને વિચારથી આપણે ડરીએ છીએ. જો બુદ્ધિ ખીલે અને વિચારતા થઈએ તો હિંદુ, પટેલ, બ્રાહ્મણ જેવી અનેક પ્રકારની અસ્મિતાઓના ગળપણથી વંચિત રહી જઈએ. એ ભલે ગળચટ્ટા વખ હોય પણ ગળપણ તો છે ને! આજનો યુગ બુદ્ધિવિરોધી તેમ જ બૌદ્ધિકવિરોધી છે. પણ એક વાત લખી રાખજો, ગમે એટલા ઉધામા કરવામાં આવે, ગાંધી અને નેહરુ જાન છોડવાના નથી. તેમને બદનામ કરવા માટે જે જહેમત લેવામાં આવે છે એ જ તેમની પ્રાસંગિકતાનું પ્રમાણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top