Columns

વેર વસૂલાતની આ તે કેવી પરાકાષ્ઠા

બરાબર માવજાત કરવામાં આવે તો કોઈ પણ વેબ સીરિઝ માટે સુપર સસ્પેન્સ ને થ્રીલર પ્લોટ બની શકે એવી એક ઘટના હમણાં ઉત્તર પ્રદેશના બિજનોર શહેરમાં બની ગઈ. પાડોશી એવા 2 પરિવાર વચ્ચે એક યા બીજા કારણોસર અવારનવાર ઘર્ષણ થયા કરતું. એક્બીજાને મારવા – પછાડવા સામસામા હુમલા પર ઊતરી આવતા. આવી એક ઉગ્ર બોલાચાલી પછી બન્ને પરિવારના સભ્યો વચ્ચે જબરી અથડામણ થઈ.

એમાં સિંહ પરિવારનો એક યુવાન માર્યો ગયો. પોલીસે તપાસ કરીને ચૌધરી પરિવારના યુવાન પુત્ર મોહિતને હત્યાના આરોપસર જેલ ભેગો કરી કેસ દાખલ કર્યો. બસ, આ પછી ચૌધરી પરિવારમાં બદલો લેવાની આગ ભભૂકી ઊઠી. સામા પક્ષને પણ એક હત્યાના કેસમાં સંડોવવા એમણે એક પ્લાન તૈયાર કર્યો. પોતાના જ પરિવારના એક યુવાન સચીન પર નકલી ગોળીબાર કરી, સામેના દુશ્મન પરિવારને પોલીસ કેસમાં ફસાવી દેવાનો ત્રાગડો રચ્યો. ઘર નજીક જ એક મોડી સાંજે સચીન પર નજીકથી એના હાથ પર ફાયર કરી ઈજાગ્રરત કરવો. પ્લાન મુજબ સચીન પર એના જ પરિવારના એકે ગોળી ચલાવી પણ ન જાણે કેમ એ ગોળી હાથમાં લાગવાને બદલે ભૂલથી ફેફસાંમાં ઘૂસી ગઈ.

સચીન ત્યાં જ ઢળી પડયો. ચૌધરી પરિવારવાળા ગજબના ગભરાઈ ગયા. પોતાનો અપરાધ છુપાવવા ગભરાટમાં એ લોકો ભૂલ પર ભૂલ કરતા ગયા. સચીનના શબને કોઈ વાહનમાં ખસેડવાને બદલે એને ઘસડીને લઈ જઈ થોડે દૂર નાળામાં ફગાવી દીધું, પછી સિંહ પરિવારવાળાએ હુમલો કરીને એમના સચીનને મારી નાખ્યો એવો ઊહાપોહ મચાવ્યો. પોલીસ આવી. બન્ને પરિવારવાળાની તપાસ માંડી. શબને ઘસડીને કહેવાતા ઘટનાસ્થળે લાવવામાં આવ્યું છે એ વાત શબના બન્ને પગ પર થયેલી ઈજા પરથી ફલિત થતી હતી.

જે ગોળી ચલાવવામાં આવી હતી એ ગન ચૌધરી પરિવારના ઘરમાં છુપાડેલી મળી આવી. આવા બીજા પુરાવાના આધારે ચૌધરી પરિવારના બધાની ઊલટતપાસ થઈ. એના સખ્ત દબાણથી માર્યા ગયેલા સચીનનાં માતા – પિતાએ બધી વાત કબૂલી લીધી કે એમના દુશ્મન એવા સિંહ પરિવાર પર વેર લેવા – ફસાવવા આવું ષડયંત્ર રચેલું પણ નિયતિએ એવી બાજી પલટી કે એક દીકરો હત્યાના આરોપસર જેલમાં વેરની વસૂલાત કરવા જતા બીજા દીકરાએ જીવ ગુમાવ્યો ને ખુદની કબૂલાત પછી હવે માતા – પિતા પણ હત્યા – કાવતરાના આરોપી તરીકે સજા ભોગવશે.
કુકર્મોની સજા કુદરત વ્યાજસહિત આ રીતે અહીં જ રોકડી ચૂકવે છે.

વહુજીઓને સગર્ભા બનાવવાની મોસમ છલકે છે!
ઉત્તરની કહો કે દક્ષિણની ફિલ્મો કહો કે ટેલિવિઝન કહો કે હવે તો વેબ સીરિઝ સુદ્ધાં એ બધા આમ તો મૂળભૂત રીતે લકીરના ફકીર અને જે ચાલ્યું – વખણાયું એની પાછળ બધા પાગલની જેમ મંડી પડે. પછી એ ઈલુ.. ઈલુની રોમેન્ટિક ફિલ્મો હોય કે પછી ઢીસુમ – ઢીસુમની મારધાડ ફિલ્મો. TV સીરિયલોમાં પણ શરૂઆતમાં સાસુ – વહુ વચ્ચેના પેંતરાની કહાનીઓ ચાલી પછી ભાભી – દેરાણી – નણંદ વચ્ચેની કપટબાજીની કહાણીઓ ચાલી. ત્યાર બાદ પતિ – પત્ની વચ્ચેના વિખવાદને લઈને વિખૂટાં પડવાની પરાકાષ્ઠા સર્જાઈ અને આ બધા વચ્ચે TRPના ચક્કરમાં ઘરની વહુને ગર્ભવતી બનાવી આવનારા સંતાનને વધાવવાના અવસર પછી પ્રસૂતિની પીડા વખતે સર્જાતી કટોકટીને લઈને 8 – 10 એપિસોડ દર્શકોને માથે મારવાની નીતિ – રીતિ ચાલી.

બીજા શબ્દોમાં કહીએ તો જાણીતા નાટ્યકાર પ્રવીણ સોલંકી અવારનવાર કહે છે તેમ : ‘આ જગતમાં 9 માનવરસથી ઉદભવતી કથાઓ સિવાય કશુંય મૌલિક નથી અને આ બધી જ કથાનો એક યા બીજી રીતે રામાયણ – મહાભારતમાં સમાવેશ થઈ જ ગયો છે!’ વાત સાચી પણ છે. 10 – 12 વર્ષ પહેલાં એક વાર સફળતાપૂર્વક અજમાવી લેવામાં આવ્યો છે એ જ ટ્રેક આજકાલ ફરીથી આપણી TV સીરિયલોમાં દેખા દેવા માંડ્યો છે. એ છે પરિવારની પત્નીઓને પ્રેગ્નન્ટ બનાવવાનો દૌર!

જી હા, આજે TV ઓન કરો ને રિમોટથી હિન્દી સીરિયલોની ચેનલો ચેન્જ કરવા લાગો તો મા કસમ તમને ઓછામાં ઓછી 10 સીરિયલોના પરિવારની વહુઓ સગર્ભા નજરે ચઢશે. તમને કદાચ લાગે પણ ખરું કે તમે ભૂલથી મેટરનિટી હોમમાં તો નથી આવી ચઢ્યા ને?! આજે TV જગતના ટોપ રેટિંગ શો એવા ‘અનુપમા’ થી લઈને ‘નાગિન – 6’ની પત્નીઓ બેજીવી થઈ છે. એ દરકને ઘેર ‘ગોદ ભરાઈ’ એટલે કે ખોળો ભરવાની વિધિની આસપાસના ટ્રેક ચાલી રહ્યા છે. આમેય લવ કે લવત્રિકોણ કે લગ્નેતર સંબંધની સાથોસાથ કોઈ લોકપ્રિય ટ્રેક હોય તો એ છે ‘મા બનવાનો મંગલ અવસર.’ શો – સીરિયલોના લેખક – દિગ્દર્શક અને અભિનેત્રીઓ સુદ્ધાં કહે છે કે આવા ટ્રેક દર્શકોના ખાસ્સા માનીતા છે. એ હોંશે હોંશે જુવે છે – વધાવે છે અને અમને ખોબો ભરીને TRP આપી જાય છે એમાં ખોટું શું છે?!

બધાને સૌથી વધુ દઝાડતો શબ્દ…
આપણા સૈન્યમાં નવા જવાનોની નિયુક્તિ માટે રજૂ થયેલી ‘અગ્નિપથ’ યોજનાને લીધે દેશભરમાં હિંસક વાદ – વિવાદ થયા. અમારા મિત્ર એવા વરિષ્ઠ ફિલ્મ સમીક્ષક તથા પંકાયેલા ક્રાઈમ પત્રકાર (હવે સદગત) મોહનદીપનું એક અવલોકન ખરેખર સચોટ હતું. એ ઘણી વાર અમને કહેતા : ‘અગ્નિ’ શબ્દથી સંકળાયેલી કોઈ પણ ફિલ્મ કે કોઈ યોજનાનું નામ ભાગ્યે જ સફળ નીવડે અને વિવાદ પણ સર્જે. હા, વાત સાચી ઠરી પણ છે. ઉદાહરણ તરીકે : ફિરોઝખાન – પુત્ર ફરદીનખાનની ફિલ્મ ‘પ્રેમઅગન’, નાના પાટેકર – મનીષા કોઈરાલાની ‘અગ્નિસાક્ષી’, સંજીવકુમાર – શારદાની ‘અગ્નિરેખા’, શત્રુઘ્ન સિંહા-ફરહિનની ‘અગ્નિપ્રેમ’, નાગાર્જુન – રવિના ટંડનની ‘અગ્નિવર્ષા’થી લઈને બીગ બીની બહુચર્ચિત ફિલ્મ ‘અગ્નિપથ.’ આ બધી ફિલ્મોએ બોકસ ઑફિસ પર ધોબીપછાડ ખાધો છે. હવે આ કપરા રસ્તા પર બાહોશ સ્ટંટ હીરો વિદ્યુત જામવાલ એની ઠીક ઠીક સફળ ફિલ્મ ‘ખુદા હાફિઝ’નો પાર્ટ – 2 લઈને આવી રહ્યો છે. એ ફિલ્મનું નામ છે – ‘અગ્નિપરીક્ષા.’ હવે આપણે બંદગી કરીએ કે બોકસ ઑફિસ પર ખુદ ખુદા રક્ષા કરે એની!

  • રોકેટના મૂળ શોધક ચીના છે. ચીની રાજાના સૈન્યે પાડોશી મોંગોલિયા રાજ્ય પર સર્વ પ્રથમ રોકેટથી હુમલો કર્યો હતો. છેક 1232ની સાલમાં…!
  • ગમે તેવા સોગિયા સ્વભાવનો માણસ પણ એની જિંદગીમાં ઓછામાં ઓછું 5 હજાર અને 479 વાર ખડખડાટ તો હસે જ છે…!

Most Popular

To Top