Entertainment

નિષ્ફળતા સલ“માને” તે ખાનદાન કેવું?

વિત્યા અઠવાડિયાની અને આમ જુઓ તો વિત્યા ઘણા મહિનાથી જેની રાહ જોવાતી હતી એવી કોઇ ઘટના હોય તો તે ‘પઠાણ’ની જબરદસ્ત સફળતા. શાહરૂખ ખાને જબરદસ્ત રીતે કમબેક કર્યું છે અને તેથી તેની આવનારી ફિલ્મોના નિર્માતા – દિગ્દર્શકો પણ ઉત્સાહીત છે. બોકસ ઓફિસને સ્ટાર્સની જરૂર હોય છે. નવાઝુદ્દીન સિદ્દીકી કે મનોજ વાજપેયી જબરદસ્ત અભિનય કરે તેથી ફિલ્મ કાંઇ બસો  – પાંચસો કરોડો કમાઇ શકતી નથી. શાહરૂખ, સલમાન, આમીર, ઋતિક, અજય દેવગણ, અક્ષયકુમાર જેવા સ્ટાર્સના નામે જ લોકો ટિકિટ ખરીદવા ઉત્સાહી હોય છે. ફિલ્મોની સફળતામાં સ્ટારડમનો ઘણો મહિમા હોય છે અને આ સ્ટારડમ સ્ક્રિન પર પ્રેક્ષકો અનુભવતા હોય છે.

સ્ટાર્સની ફિલ્મો બુધ્ધિથી નહીં ઘેલછાથી, પાગલપણાથી જોવાતી હોય છે. પ્રેક્ષકોને પાગલ કરી શકનારા સ્ટાર્સ જ કરોડોની કમાણી કરાવી શકે. પણ એ સ્ટાર્સના ય સારા – ખરાબ દિવસો આવતા હોય છે. કોઇવાર તેમનો જાદુ નથી ચાલતો. યોગ્ય વિષયની પસંદગી, સ્ટાર તરીકે ઓન સ્ક્રિન ટ્રીટમેન્ટ અને દરેક વાતને ગ્લોરીફાઇ કરી શકાય તો સ્ટારડમનો જાદુ ચાલે. છેલ્લે ‘ઝીરો’માં શાહરૂખ ઝીરો સાબિત થયેલો. આ મોટી પછડાટ હતી અને તેણે આદિત્ય ચોપરા, સિધ્ધાર્થ આનંદ સાથે ખૂબ મહેનત કરી અને આખર ફરી પોતાની ઇમેજ પ્રમાણેની સફળતા મેળવી.

ઘણા માને છે કે હવે વારો સલમાન ખાનનો છે. આમીરખાન તો સતત બીજી ફિલ્મે પણ ભોંયે પછડાતા હમણાં નવી યોજના વિચારી રહ્યો છે. ખરેખર તો એવી જ દશા અક્ષયકુમારની પણ છે અને હમણાં તો રણવીરસીંઘ પણ જબરો પછડાયો છે. જો આ બધા ફરી ઊભા થશે તો જ ઇન્ડસ્ટ્રીના સારા દિવસો પાછા આવશે. સાઉથના સ્ટાર્સની હિન્દીના પ્રેક્ષકો સામે મોટી ઓળખ નહીં તો પણ સફળ થઇને જાય તે હિન્દીના દરેક સ્ટાર્સને વિચારવા મજબૂર કરે છે. એ વાત નકકી છે કે મોટા બેનરવાળા જ સામાન્યપણે મોટી ફિલ્મ બનાવી શકે છે. પ્રેક્ષકો ફકત બોધ મેળવવા ફિલ્મ જોતા નથી, મનોરંજન તેમની પ્રથમ જરૂરિયાત હોય છે.

છેલ્લા ઘણો વખતથી ‘ખાન’ ત્રિપુટી નિષ્ફળતાના ચકકરમાં ફસાયેલી છે અને તેમાંથી શાહરૂખ ખાન પહેલો છે જે બહાર નીકળ્યો છે. આ વિશે સલમાન પણ ઘણો સભાન છે ને અત્યારે એકબીજાની ફિલ્મમાં તેઓ સપોર્ટ તરીકે ઊભા છે. ‘પઠાણ’માં સલમાનની ભૂમિકા એ પ્રકારની જ હતી અને તેમાં આમીર નથી પણ તેની બહેન નિખતે ભૂમિકા ભજવી છે. શાહરૂખ, સલમાનની ફિલ્મોમાં ઋતિક કે અજય કે અક્ષય નાની ભૂમિકા ભજવતા નથી. ખાનોનો ચોકો અલગ છે. હવે શાહરૂખ પછી સૌથી વધુ દબાણ સલમાન પર જ છે અને તે ‘ટાઇગર-3’ને સફળ બનાવવાનાં પૂરો પ્રયત્નમાં છે. હમણાં તે ‘ડાન્સિંગ ડેડ’, ‘બિયોન્ડ ધ સ્ટાર’ અને ‘એન્ગ્રી યંગમેન’ના નિર્માણમાં રોકાયેલો છે પણ લોકોની નજર તો ‘ટાઇગર-3’ અને ‘કિસી કા ભાઇ કિસીકી જાન’ પર જ છે. ‘ટાઇગર-3’ અને ‘કિસી કા ભાઇ કિસીકી જાન’ પર જ છે. ‘ટાઇગર-3’ ૧૦મી નવેમ્બર-૨૦૨૩’ માં રજૂ થાય એમ છે ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ પણ આ વર્ષે ઇદ પર રજૂ થવાની છે.

જો બરાબર જુઓ તો ૨૦૨૩ નું વર્ષ ‘ખાન’ કમબેકનું વર્ષ બને એમ છે કારણ કે શાહરૂખની ‘જવાન’ ૨ જૂને અને ‘ડંકી’ ૨૨ ડિસેમ્બરે રજૂ થવાનીછે. સલમાન ‘કીક-2’, ‘ધ રુટસ’ માં વ્યસ્ત છે અને ‘ધ રુટ્‌સ’નું દિગ્દર્શન તો સ્વયં સલમાન ખાન કરે છે. સલમાનની છેલ્લી સફળ ફિલ્મ ‘દબંગ-3’ ૨૦૧૯ માં આવી હતી. ‘રાધે’ આવી પણ અપેક્ષા મુજબ ન ચાલી અને ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’ને પણ લોકોએ નકારી કાઢી. લોકોને ટોટલ એન્ટરટેનર સલમાન પાછો જોઇએ છે. એક વાત ફિલ્મોદ્યોગને બરાબર સમજાય ગઇ છે કે હજુ શાહરૂખ – સલમાનને પડકારે તેવા સ્ટાર નથી. અજય, અક્ષયકુમાર, ઋતિક રોશન મોટી સફળતા જરૂર મેળવે છે છતાં શાહરૂખ – સલમાન જ ટોપ પર છે. તેઓ નિષ્ફળ જશે પણ લાંબો સમય નિષ્ફળ રહેશે નહીં કારણકે પ્રેક્ષકોએ તેમની પાસેથી અપેક્ષા રાખવાનું હજુ બંધ નથી કર્યું. અમિતાભ આજે પણ સફળ છે કારણકે લોકો તેમની  પાસે હજુય અઢળક અપેક્ષા રાખે છે અને આ જ છે રિયલ સ્ટાર ટેલેન્ટ. એટલે શાહરૂખ ફરી સકસેસ સાથે પાછો વળ્યો તો હવે સલમાનની રાહ જુઓ. •

Most Popular

To Top