Columns

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં સિટીઝન એક્ટ મહત્ત્વનો મુદ્દો બની જશે

આવતા માર્ચ-એપ્રિલમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત તામિલનાડુ, કેરળ અને આસામમાં પણ ચૂંટણીઓ આવી રહી છે, પણ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જેટલો ઉહાપોહ જોવા મળે છે, એટલો બીજા કોઈ રાજ્યમાં જોવા મળતો નથી.

તેનું કારણ એ છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી માટે જીવનમરણનો જંગ છે. સ્વતંત્રતાનાં ૭૩ વર્ષમાં ભાજપ ક્યારેય પશ્ચિમ બંગાળમાં રાજ કરી શક્યો નથી. આ ચૂંટણી તેના માટે પહેલી તક છે. જો મમતા બેનરજી આ ચૂંટણી હારી જશે તો તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે.

ભાજપ માટે આ ચૂંટણીમાં સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો મુદ્દો જાદુઈ ચિરાગ જેવો પુરવાર થવાનો છે. પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર દ્વારા બાંગ્લા દેશના મુસ્લિમોને મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ બનાવી આપવામાં આવ્યાં છે. જો તેઓ સિટીઝનશિપ રજિસ્ટરમાં પોતાનું નામ નોંધાવવામાં નિષ્ફળ જાય તો તેમનું નામ મતદારયાદીમાંથી બાકાત થઈ શકે છે.

ભાજપ પશ્ચિમ બંગાળના હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરીને તેમને પોતાના ભણી ખેંચવા માગે છે. મુસ્લિમો જેમ જેમ સીએએનો વિરોધ કરતા જાય છે તેમ તેમ હિન્દુઓમાં અસલામતી વધતી જાય છે અને તેઓ ભાજપ ભણી ઢળતા જાય છે. આ વાતની સમજણ મમતા બેનરજીમાં આવી હોવાથી તેઓ ભૂરાટાં થયાં છે.

તાજેતરમાં એક સભામાં જે રીતે તેઓ સભાને ઉશ્કેરવા માટે હમ્બા હમ્બા રમ્બા રમ્બાનું ઉચ્ચારણ કરી રહ્યા હતાં તે જોઈ લાગ્યા વિના રહેતું નથી કે તેમણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. ગૃહ પ્રધાન અમિત શાહને ખ્યાલ આવી ગયો છે કે સીએએ મમતાની દુ:ખતી રગ છે, માટે તેઓ વારંવાર તેને દબાવી રહ્યા છે.

હમણાં તેમણે જાહેર કર્યું છે કે વેક્સિનનો કાર્યક્રમ પૂરો થઈ જાય એટલે સિટીઝન રજિસ્ટરનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. મમતા બેનરજીને છંછેડતા તેમણે જાહેર કર્યું છે કે આવતા માર્ચ-એપ્રિલમાં તેમની સરકાર જ નહીં હોય, માટે તેઓ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટનો વિરોધ કરવાની સ્થિતિમાં જ નહીં હોય.

જો ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવવા માગતો હશે તો તેણે મોટો ચમત્કાર કરવો પડશે. ૨૦૧૬ માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થઇ ત્યારે ૨૯૪ સભ્યોના ગૃહમાં ભાજપને રોકડી ત્રણ બેઠકો મળી હતી. ભાજપ માટે ત્રણથી ૨૦૦ બેઠકો સુધી પહોંચવાનું ટાર્ગેટ લોઢાના ચણા ચાવવા જેવું કઠિન છે.

ભાજપ માટે આશાનું કિરણ એ છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેણે ૪૨ પૈકી ૧૮ બેઠકો કબજે કરી હતી. કોંગ્રેસને અને ડાબેરી પક્ષોને પાછળ રાખીને ભાજપે હવે પશ્ચિમ બંગાળમાં મુખ્ય વિપક્ષનું સ્થાન હાંસલ કરી લીધું છે. હવે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. ડાબેરી પક્ષો અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી સમજૂતી જાહેર કરવામાં આવી છે, પણ તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. તેમના માટે અસ્તિત્વની લડાઈ છે.

પશ્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય હિંસા પણ વધતી જાય છે. બંને પક્ષોના કાર્યકરોની હત્યાના કિસ્સાઓ બનવાને કારણે વાતાવરણ બહુ ઉગ્ર બની ગયું છે. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ધ્રૂવીકરણ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળમાં આટલું કોમી ધ્રૂવીકરણ તો લાલ કૃષ્ણ અડવાનીની રથયાત્રા દરમિયાન પણ જોવા મળતું નહોતું.

ત્રણ દાયકા પછી પશ્ચિમ બંગાળમાં ભાજપ ફરી રથયાત્રાનું રાજકારણ રમી રહ્યો છે. ભાજપ દ્વારા મમતા બેનરજીના ગેરવહીવટને ઉજાગર કરવા દરેક જિલ્લાઓમાં રથયાત્રા કાઢવામાં આવી રહી છે. આ રથયાત્રામાં જયશ્રી રામના નારાઓ બોલીને મુસ્લિમોને છંછેડવામાં આવે છે. મમતા દીદીની સભાઓમાં પણ ભાજપના કાર્યકરો પહોંચી જાય છે અને જયશ્રી રામના નારાઓ પોકારે છે.

આ નારો સાંભળી મમતા દીદી ભેંસની જેમ ભડકે છે. તાજેતરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ માટેની સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જયશ્રી રામના નારા પોકારવામાં આવ્યા તેથી નારાજ થયેલાં મમતા બેનરજીએ પોતાનું ભાષણ વાંચવાનું બંધ રાખ્યું હતું. ભાજપ માટે આ નારો વિજયનો નારો બની ગયો છે.

પશ્ચિમ બંગાળના ૨૪ પરગણામાં મતવા નામની હિન્દુ કોમની મોટી વસતિ છે. તેઓ ૧૯૪૭માં ભારતના ભાગલા દરમિયાન અને બાંગ્લા દેશના યુદ્ધ વખતે મોટી સંખ્યામાં હિજરત કરીને ભારતમાં આવ્યા હતા. તેમાંના બહુ થોડાને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. ભાજપે તેમને સીએએ હેઠળ નાગરિકતા આપવાનું વચન આપ્યું છે.

૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપે તેમના નેતા શાંતનુ ઠાકુરને બોનગાંવ બેઠક પરથી ટિકિટ આપી હતી અને જીતાડી પણ દીધા હતા. મતવાની જેમ રાજબંશી નામના હિન્દુઓનો ઉપયોગ ભાજપ પોતાની નવી મતબેન્ક તરીકે કરી રહ્યો છે.

પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસતિ ૩૦ ટકા જેટલી હોવાથી કોઈ પણ ચૂંટણીમાં તેમના મતો નિર્ણાયક ભૂમિકા ભજવે છે, કારણ કે તેઓ સંગઠિત થઇને મતદાન કરે છે. પશ્ચિમ બંગાળના મુસ્લિમો તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાયેલા હતા. હવે તેઓ તૃણમૂલ કોંગ્રેસના સમર્થક બની રહ્યા છે.

મમતા બેનરજી પણ મુસ્લિમોને પ્રભાવિત કરવા જાતજાતના નુસખાઓ અજમાવે છે. જો કે હવે અસદુદ્દીન ઓવૈસી અત્યંત સક્રિય બની ગયા છે. તેમણે પશ્ચિમ બંગાળની તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઊભા કરવાની જાહેરાત કરી છે.

તેને કારણે ભાજપને કંઇ નુકસાન નહીં થાય પણ મમતાને ફટકો પડ્યા વિના નહીં રહે. કહેવાય છે કે ભાજપે ઓવૈસી સાથે કોઈ ગુપ્ત સમજૂતી કરી છે. જો મુસ્લિમોના પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં તેઓ મતો ખેંચી જાય તો મમતાની મુસ્લિમ મતબેન્કમાં ગાબડું પડે તેનો લાભ ભાજપને મળી શકે છે. બિહારની ચૂંટણીમાં ઓવૈસીના પક્ષને પાંચ બેઠકો મળી હતી, પણ તેમણે ઘણી બેઠકો પર લાલુના પક્ષને હરાવ્યો હતો.

મમતા બેનરજી કુંવારાં હોવાથી તેમનાં કોઈ સંતાનો રાજકારણમાં આવે તેવી સંભાવના નથી, પણ તેમનો ભત્રીજો અભિષેક બેનરજી વિવાદનો મુદ્દો બની ગયો છે. મમતા બેનરજી તેમને પોતાના રાજકીય વારસ તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા હોવાથી ભાજપને તેમના પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે.

અભિષેક બેનરજી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે. મમતા બેનરજી જ્યારે વિપક્ષમાં હતાં ત્યારે તેમણે તત્કાલીન મુખ્ય પ્રધાન જ્યોતિ બસુના પુત્ર ચંદન બસુ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. જો કે ચંદન બસુ રાજકારણમાં ન હોવાથી તે આક્ષેપોને બહુ ગંભીરતાથી લેવામાં નહોતા આવતા. અભિષેક બેનરજી રાજકારણમાં પ્રવેશવા થનગની રહ્યા છે. તેમને કારણે મમતા બેનરજી તેમના પર થઈ રહેલા સગાવાદના આક્ષેપોનો મુકાબલો કરી શકતા નથી.

આવતા મહિનાઓમાં જે ચાર રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે તે પૈકી આસામમાં ભાજપની સરકાર છે અને ફરી વખત આવશે તે નક્કી છે. કેરળમાં ભાજપની સરકાર છે નહીં અને આવે તેવી કોઈ સંભાવના નથી. તામિલનાડુમાં ભાજપની સરકાર હતી નહીં અને આવે તેમ નથી. પરંતુ તામિલનાડુમાં શાસક પક્ષ સાથે ગઠબંધન કરવાથી ભાજપને કેટલીક બેઠકો મળી શકે છે.

ભાજપ માટે પશ્ચિમ બંગાળમાં જેટલો ભારે મુકાબલો છે તેટલો ક્યાંય નથી. આ કારણે ભાજપે પોતાની તમામ તાકાત પશ્ચિમ બંગાળમાં કામે લગાવી છે. જો મમતા બેનરજી ભાજપના આ વાવાઝોડા સામે પણ ટકી જશે તો તેમનું નામ ભારતના ઈતિહાસમાં અમર થઈ જશે.

          – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top