Comments

આપણે કયારેક શરમાતાં પણ શીખવું જોઈએ

ભારત અને કેનેડાના સંબંધો વચ્ચે તાણ પેદા થઈ છે. કારણ એ છે કે કેનેડાના વસાહતી (આય રીપીટ વસાહતી) નાગરિક હરદીપ સિંહ નિજ્જરની ભારતનાં એજન્ટોએ ગયા જૂન મહિનામાં હત્યા કરી હતી એમ કેનેડાનું કહેવું છે અને ભારત એ આરોપનો અસ્વીકાર કરે છે. હરદીપ સિંહ નિજ્જર કેનેડામાં રહીને ખાલિસ્તાનની સ્થાપના માટે કામ કરતો હતો. આપ એ તો જાણો જ છો કે મોટી સંખ્યામાં સીખો કેનેડામાં વસે છે અને હવે તો બીજા ભારતીયો પણ મોટા પ્રમાણમાં કેનેડાની વાટ પકડી રહ્યા છે. ભારતીય વસાહતીઓની પહેલી પસંદગી કેનેડા અને ઓસ્ટ્રેલીયા છે.

સત્ય શું છે એ આપણે જાણતા નથી અને કદાચ ક્યારેય જાણવા નહીં મળે. રાષ્ટ્રીય સુરક્ષાની બાબતે એવી ઘણી ચીજો બનતી હોય છે જેનું દસ્તાવેજીકરણ કરવામાં નથી આવતું. ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવે નિવૃત્તિ પછી શેખર ગુપ્તાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે કેટલાંક ગોપિત રહસ્યો સાથે ચિતાએ ચડવું એ શાસકોની નિયતિ હોય છે અને ધર્મ પણ. માટે અહી ચર્ચાનો વિષય સત્ય શું છે એ નથી, પણ કેનેડાની અને ખાસ કરીને કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોની જદ્દોજહદ છે અને એ પણ વસાહતી નાગરિક માટેની. નિજ્જર નથી ખ્રિસ્તી, નથી શ્વેત અને નથી મૂળ કેનેડિયન.

ટ્રુડો જી ૨૦ની બેઠક માટે ભારત આવ્યા ત્યારે આ પ્રશ્ન ભારતના વડા પ્રધાન સમક્ષ ઉપસ્થિત કર્યો હતો. સોમવારે તેમણે કેનેડાની સંસદમાં કહ્યું કે ભારતીય એજન્ટોએ નિજ્જરની હત્યા કરી હોવાના સરકાર પાસે ભરોસાપાત્ર પાક્કા પ્રમાણો છે. કેનેડાની સરકારે કેનેડાની ભારતીય એલચી કચેરીના એક સીનીયર અધિકારીને બરતરફ કરીને ભારત પાછા જવાનો આદેશ આપ્યો છે. આટલું જ નહીં ટ્રુડોએ ફાઈવ આઈઝ દેશોને ભારતની નિંદા કરતું સંયુક્ત નિવેદન બહાર પાડવાનો આગ્રહ કર્યો છે.

ફાઈવ આઈઝ દેશોમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ પાંચ દેશો સહિયારું ગુપ્તચર નેટવર્ક ધરાવે છે જે ફાઈવ આઈઝ તરીકે ઓળખાય છે. અમેરિકાએ તો કેનેડાની નિસ્બત માટે સહાનુભૂતિ પણ પ્રગટ કરી છે. આ સિવાય કેનેડા આ પ્રશ્ન જી ૭ની બેઠકમાં પણ ઉપસ્થિત કરવાનું છે. આ બધું કેનેડા એક વસાહતી નાગરિક માટે કરી રહ્યું છે. આપણે ભલે દેશની સલામતીને સર્વોચ્ચ સ્થાન આપીએ અને આપવું પણ જોઈએ, પણ પોતાના નાગરિક માટેની નિસ્બત શું કહેવાય એનો કેનેડા દાખલો પૂરો પાડે છે અને એ પણ વસાહતી નાગરિક માટે.  હવે બે ઘટના આપણે ત્યાની જોઈએ.

૧૭મી ડિસેમ્બર ૧૯૯૫ના રોજ રાતના અંધારામાં પશ્ચિમ બંગાળમાં આવેલા પુરુલિયા નજીક એક ખેતરમાં આકાશમાંથી શસ્ત્રો ઠલવાયાં હતાં અને એ પણ બે-પાંચ નહીં, વિમાન ભરીને. શસ્ત્રો પાછાં એકે-૪૭ જેવાં આધુનિક હતાં. વિમાન લાતવિયાનું હતું અને ભારતમાં શાસ્ત્રો ઉતરાવનારો ડેનીશ નાગરિક હતો જેનું નામ નીલ હોકસ ઉર્ફે કીમ ડેવી હતું. કીમ ડેવી ૧૯૮૦થી  ભારતમાં આવતો હતો અને આનંદ માર્ગીઓ સાથે જોડાયેલો હતો. વિમાન આંદામાનના ટાપુઓ ઉપર થઈને છેક પુરુલિયા સુધી પહોંચ્યું હતું. વિમાન પુરૂલિયામાં ચોક્કસ કઈ જગ્યાએ શસ્ત્રો ફેંકવાનું છે એની પણ લેનારાઓને જાણ હતી. માત્ર ભારતના ગુપ્તચર વિભાગને આને જાણ નહોતી. એ તો ખેડૂતોએ ધ્યાન દોર્યું અને સરકારને જાણ થઈ. 

રીઅર સ્ટોરી હવે આવે છે. કીમ ડેવી નાસી ગયો. લાતિવિયાના વિમાનમાંના પાંચ કૃ અને એ વિમાનમાં ઉપસ્થિત એક બ્રિટીશ ગુપ્તચર પીટર બ્લીચ એમ છ જણા પકડાઈ ગયા. પણ પછી શું બન્યું? લાતિવિયાના પાંચેય ગુનેગારો રશિયન નાગરિક બની ગયા અને રશિયાની દરમ્યાનગીરીને કારણે જુલાઈ ૨૦૦૦માં ભારતે તેમને છોડી મુક્યા. બ્રિટીશ સરકારના દબાવ હેઠળ ભારતનાં રાષ્ટ્રપતિએ પીટર બ્લીચની દયાની અરજી માન્ય રાખી અને ફેબ્રુઆરી ૨૦૦૪ની સાલમાં તેને પણ છોડી મુકવામાં આવ્યો.

લાતિવિયોને છોડી મુકવાના નિર્ણયને પડકારતી ભારતના નાગરિકની એક અરજી કલકત્તાની વડી અદાલતમાં ૨૦૦૦ની સાલથી પડી છે અને એક પણ સુનાવણી થઈ નથી. જ્યારે પુરૂલિયામાં શસ્ત્રો ફેંકવામાં આવ્યાં ત્યારે કેન્દ્રમાં પી. વી. નરસિંહ રાવની સરકાર હતી અને લાતિવિયન તેમ જ બ્રિટીશ નાગરીકને છોડી મુકાયા ત્યારે બન્ને વખતે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી.  કીમ ડેવી ડેન્માર્કમાં રહે છે અને ભારત સરકાર આજ સુધી તેને ભારતમાં લાવી શકી નથી. કીમ ડેવીની ક્યાં વાત કરીએ, ભારત સરકારના બીજા કેટલા બધા ગુનેગારો છે જે વિદેશ નાસી ગયા છે અને ભારત સરકાર પ્રત્યાયન કરી શકતી નથી.

પુરુલિયામાં શાસ્ત્રો ફેંકવાની ઘટના ન માની શકાય એવી ચોંકાવનારી હતી અને કેસ અત્યંત ગંભીર હતો. આવી રીતે શસ્ત્રો ફેંકાય એમાં ભારતનું નાક કપાયું હતું અને કોઈ ગુનેગારને સરકાર સજા પણ ન કરી શકી અને દબાવ હેઠળ છોડી મુકવા પડ્યા એમાં વધારે નાક કપાયું હતું. એ એવી ઘટના હતી કે એનાં પર પુસ્તકો લખાયાં છે અને ડોકયુમેન્ટરી ફિલ્મ બની છે, પણ ભારતમાં એની કોઈ ચર્ચા જ નથી. ન સંસદમાં કે ન સંસદની બહાર. આની સામે કેનેડાની સરકારની અને ખાસ કરીને કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોની જદ્દોજહદની સરખામણી કરો. અને એ પણ એક વસાહતી માટે.

બીજી ઘટના તો બહુ જાણીતી છે અને ભારતની વૈશ્વિક શરમ છે. એ ઘટના છે ભોપાલ ગેસ દુર્ઘટનાની. ૧૯૮૪ના ડિસેમ્બર મહિનામાં આ ઘટના બની હતી જેમાં ૩૮૦૦ જેટલા લોકો માર્યા ગયા હતા અને ચાર હજાર જેટલા લોકોને ઝેરી ગેસની અસર થઈ હતી જે તેઓ આજે પણ ભોગવે છે. આની વિગતમાં ઉતરવાની જરૂર નથી, કારણ કે એ તમે જાણો છો, માત્ર એટલી જ યાદ અપાવવી રહે છે એ ઘટનાને આવતા વર્ષે ૪૦ વરસ થશે.

ચાલીસ વરસમાં નથી કોઈને સજા થઈ કે નથી કોઈને સરખું વળતર મળ્યું. લગભગ ચાર હજાર મૃત્યુ અને બીજા ચાર હજાર લોકોને આજીવન વિકલાંગ કરવાની શરમજનક ઘટના આપણે સામુહિક રીતે ભૂલી ગયા છીએ. અંગ્રેજીમાં આને collective amnesia કહેવાય છે અને collective amnesia પ્રજાકીય નીંભરતાનું બીજું નામ છે. આની સામે કેનેડાની સરકારની અને કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોની જદ્દોજહદની સરખામણી કરો. અને એ પણ એક વસાહતી માટે. જ્યાંથી જે શીખવા મળે એ શીખવું જોઈએ. ખરું કે નહીં? આમાં દેશપ્રેમને કોઈ આંચ નહીં આવે. ઉલટો દેશપ્રેમ ખીલશે અને માણસાઈ સમૃદ્ધ થશે. ક્યારેક શરમાતા પણ શીખવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top