Comments

શ્યામવર્ણી હીમસુંદરી અને શ્યામ મૂળની મત્સ્યકન્યા

‘‘હે દેવ! મને ઍવી સુંદર દીકરી આપો કે જેની ત્વચા હીમ જેવી શ્વેત, હોઠ રક્ત જેવા લાલ અને વાળ અબનૂસ જેવા કાળા હોય.’’આ વાક્ય પરથી જ ખ્યાલ આવી જાય કે વાત ‘સ્નોવ્હાઈટ’ની થઈ રહી છે. અસલમાં જર્મનીની આ પરીકથા ઓગણીસમી સદીમાં ‘સ્નોવ્હાઈટ ઍન્ડ સેવન ડ્વાફર્સ’લખાઈને પ્રકાશિત થઈ હતી. પણ તેને કદાચ વિશ્વવ્યાપી ખ્યાતિ મળી ૧૯૩૭માં રજૂઆત પામેલી વૉલ્ટ ડિઝનીની ઍનિમેશન ફિલ્મ દ્વારા. આ વાર્તા પાઠાંતરે અનેક દેશોમાં પ્રચલિત છે. આજકાલ આ વાર્તા ફરી ઍક વાર સમાચારમાં ચમકી છે. તેનું કારણ ઝટ માન્યામાં ન આવે ઍવું, સાવ જુદું જ છે.

વૉલ્ટ ડિઝની કંપની નવેસરથી ‘સ્નોવ્હાઈટ ઍન્ડ સેવન ડ્વાફર્સ’ફિલ્મનું નિર્માણ કરી રહી છે, પણ તે ઍનિમેશન ફિલ્મ નથી, બલ્કે વિવિધ કલાકારોને લઈને બનાવાઈ રહી છે. અહેવાલ અનુસાર સ્નોવ્હાઈટની મૂળ કથામાં પણ સમયાનુસાર અને સમયોચિત ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સ્નોવ્હાઈટને દુઃખિયારી રાજકુંવરી તરીકે નથી ચિતરાઈ કે જે રાજકુંવરની રાહ જાઈ રહી હોય.

ફિલ્મમાં સ્નોવ્હાઈટનું પાત્ર રેચલ ઝેગ્લર નામની દક્ષિણ અમેરિકન અભિનેત્રી ભજવી રહી છે. અને આખો વિવાદ આ અભિનેત્રીની પસંદગીનો જ છે. રેચલ દક્ષિણ અમેરિકન હોવાને કારણે સામાજિક પ્રસારનાં માધ્યમો પર વંશીય ટીપ્પણીઓનો ભોગ તેમણે બનવું પડ્યું છે. તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. સાવ સીધીસાદી, મનોરંજક અને કંઈક અંશે બોધદાયક ઍવી આ વાર્તા પરથી અત્યંત સફળ ફિલ્મ બની ચૂકી છે. હવે ફરી વખત તે બનાવવામાં આવે અને તેણે કેટલાક લોકોના રોષનો ભોગ બનવું પડે ઍ વર્તમાન સમયની તાસીર છે. સ્નોવ્હાઈટ જેવી હીમસુંદરીની ભૂમિકામાં કોઈ દક્ષિણ અમેરિકન અભિનેત્રીને લેવામાં આવે ઍ બાબત જ કેટલાક લોકો જીરવી શકતા નથી.

આ અગાઉ પણ ઍક પરીકથા પરથી બની રહેલી ફિલ્મે આવા વિવાદનો સામનો કરવાનો આવ્યો હતો. હાન્સ ક્રિશ્ચિઅન ઍન્ડરસનની ખ્યાતનામ વાર્તા ‘ધ લીટલ મરમેઈડ’પરથી ડિઝનીઍ ઍ જ નામની ઍનિમેશન ફિલ્મ બનાવી હતી. આ વાર્તા પર આધારિત લાઈવ ઍક્શન ફિલ્મ મે, ૨૦૨૩માં રજૂઆત પામી. પણ તેના મુખ્ય કલાકારોની ઘોષણા અગાઉ ૨૦૧૯માં કરવામાં આવી હતી. તેમાં મત્સ્યકન્યા ઍરિઅલના મુખ્ય પાત્ર માટે આફ્રિકન મૂળની અમેરિકન અભિનેત્રી હાલી બેલીની પસંદગી કરવામાં આવી હતી. આ ઘોષણાને પગલે પણ કેટલાક લોકોઍ કકળાટ મચાવ્યો હતો.

ગોરી ત્વચા સર્વોત્તમ અને સર્વોચ્ચ હોવાની માનસિકતા આ પ્રકારના વિવાદ અને વિરોધ પાછળ કારણભૂત હતી. શ્યામરંગી ત્વચા પ્રત્યેનો અભાવ લગભગ સાર્વત્રિક હોય ઍમ જણાય છે, જે વખતોવખત ઍક યા બીજી રીતે છતો થતો રહેતો હોય છે. સંબંધિત પાત્ર માટે કલાકારની પસંદગી તેની યોગ્યતાના બળે કરવામાં આવે છે, નહીં કે તેના વંશીય મૂળના આધારે. આ ઉપરાંત ફિલ્મનિર્માતાઓ માટે ફિલ્મનું નિર્માણ ઍક વ્યવસાય છે, જેમાં અઢળક નાણાંનું રોકાણ થતું હોય છે. આથી માત્ર ને માત્ર વિવાદ ઊભો કરવા માટે આ પ્રકારે પસંદગી કરાતી હોય ઍ ગળે ઊતરે ઍવી વાત નથી.

થોડા મહિના અગાઉ ‘નેટફિલક્સ’પર ચાર ભાગમાં મૂકાયેલી દસ્તાવેજી શ્રેણી ‘ક્વિન ક્લિઓપેટ્રા’માં ઈજિની કુંવરી ક્લિઓપેટ્રાની ભૂમિકા કરતી અભિનેત્રીની પસંદગીનો પણ વિરોધ થયો હતો. શ્યામવંશીય મૂળની બ્રિટિશ અભિનેત્રી અડેલ જેમ્સના ભાગે ઍ ભૂમિકા ફાળવવામાં આવી હતી. ઈજિવાસીઓને આ બાબતે ગંભીર વાંધો પડ્યો હતો.

સ્નોવ્હાઈટની આ ફિલ્મમાં નિર્માતાઓ દેખાવ અને તેને લગતી બીબાંઢાળ માન્યતાઓ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. વાર્તામાં મહત્ત્વનાં પાત્ર ઍવા સાત વેંતિયાઓને બદલે સામાન્ય કદકાઠીના કલાકારોને લેવાનો નિર્ણય લીધો. અલબત્ત, આ નિર્ણયે કુદરતી રીતે ઠીંગણા હોય ઍવા કલાકારોના સમુદાયમાં અસંતોષ પેદા કર્યો અને તેમને લાગ્યું કે ઍમ કરવાથી તેમના સમુદાયની રોજગારીને જે મર્યાદિત તકો છે ઍ પણ છીનવાઈ રહી છે. આ પ્રકારના સમાચાર જાણવામાં આવે ત્યારે ઍ બાબતનું વારેવારે ભાન થતું રહે છે કે માનવ ભલે ને ગમે ઍટલી વૈજ્ઞાનિક પ્રગતિ કરે, ભેદભાવના મૂળિયાં ઍટલાં ઊંડે સુધી ઊતરેલાં છે કે તે ઍ માટેનું કોઈ પણ કારણ શોધી કાઢશે.

આપણો દેશ ભેદભાવ બાબતે અનેકગણો આગળ છે. અહીં ન્યાતજાતના ભેદભાવથી લઈને ધર્મ આધારિત ભેદભાવ વચ્ચેની વ્યાપક શ્રેણી અમલમાં છે. આ ભેદભાવનું પણ જાણે કે રાષ્ટ્રીયકરણ કરાયેલું છે. ઍક સમયે કોંગ્રેસનું શાસન હતું ત્યારે લઘુમતિ કોમ ઍટલે કે મુસ્લિમો તરફનો તેનો પક્ષપાત જાણીતો હતો. તેની પ્રતિક્રિયારૂપે તેના વિરોધ પક્ષ ઍવા ભા.જ.પે. મુસ્લિમદ્વેષને વ્યાપક બનાવ્યો. આમ, શાસક બદલાયા, પરિસ્થિતિ બદલાઈ, પણ તેનો લાભ શાસકોને જ થયો, અને નાગરિકો નુકસાનમાં જ રહ્યા.

વર્તમાન સમયમાં વિવિધ સમુદાય વચ્ચેના ભેદભાવ વધુ ને વધુ પ્રગટ બની રહ્યા છે, અને તે ચિંતાનો નહીં, ગૌરવનો વિષય ગણાય છે. અમેરિકામાં વંશીય ભેદભાવ સાવ નથી ઍમ કહી ન શકાય, પણ ફિલ્મમાં કલાકારોની પસંદગી જેવી બાબતે કેટલાક લોકો દ્વારા કરાતો વિરોધ દર્શાવે છે કે લોકોના માનસમાં તે ઊંડે સુધી જડ ઘાલી ગયેલો છે. ભલે આવો વિરોધ કરનારાઓની સંખ્યા ઓછી હોય, પણ ઍ વર્ગ બોલકો હોય છે. તેમને પોતાની આવી માન્યતા બદલ શરમ નહીં, ગૌરવ હોય છે. માનવ ઍક માત્ર ઍવું પ્રાણી છે કે જે સમાનતાની વાતો કરે છે, પણ સમાનતા તેને ગમતી નથી. તેને કોઈ પોતાની ઉપર જાઈઍ, કાં પોતાની નીચે. સમાનતાનો મહિમા કરતા વિવિધ વાદનું અસ્તિત્વ આ જ કારણે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top