ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંઘમના એજબેસ્ટનમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બંને ટીમના ખેલાડીઓ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય રોમાંચ વધી ગયો છે. ભારતની ટીમે પહેલી બેટિંગ કરતા કેપ્ટન ગિલના બેવડી સદીની મદદથી 587 રન બનાવ્યા હતા, તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 407 રન બનાવ્યા. ભારતને 180 રનની ભારે લીડ મળી અને હવે ચોથા દિવસે ભારતીય બેટ્સમેનો વધુમાં વધુ સ્કોર બનાવી ઈંગ્લેન્ડ માટે ઊંચો ટાર્ગેટ સેટ કરવા પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે એક અંગ્રેજ ખેલાડીએ ઈન્ડિયન ટીમને મોટી ચેતવણી આપી છે.
ભારત સામે એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે શાનદાર પ્રદર્શન કર્યું. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં બ્રુકે 234 બોલમાં 17 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 158 રન બનાવ્યા. આ દરમિયાન બ્રુકે જેમી સ્મિથ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 303 રનની ભાગીદારી કરી જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ ફોલોઓન ટાળવામાં પણ સફળ રહી.
હેરી બ્રુક અને જેમી સ્મિથની શાનદાર બેટિંગ છતાં એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ઇંગ્લિશ ટીમ પાછળ રહી ગઈ હોય તેવું લાગે છે. આ મેચમાં ભારતે પોતાની પહેલી ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડનો પહેલો ઇનિંગ 407 રન સુધી સીમિત રહ્યો હતો. એટલે કે, પહેલી ઇનિંગના આધારે ભારતીય ટીમને 180 રનની લીડ મળી હતી. ભારત મજબૂત સ્થિતિમાં છે પરંતુ ઇંગ્લેન્ડને હળવાશથી લેવું યોગ્ય રહેશે નહીં. ચોથા દિવસની રમત આ મેચની દિશા નક્કી કરશે.
હવે સદી બનાવનાર હેરી બ્રુકે ભારતીય ટીમને ચેતવણી આપી છે. બ્રુક માને છે કે તેમની ટીમ ચોથી ઇનિંગમાં કોઈપણ લક્ષ્યનો પીછો કરવા માટે તૈયાર છે. હેરી બ્રુકે બીબીસી સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં કહ્યું, મને હજુ પણ લાગે છે કે અમે આ ટેસ્ટ મેચ જીતી શકીએ છીએ. બધા જાણે છે કે અમે લક્ષ્યનો પીછો કરીશું, ભલે તે ગમે તેટલો મોટો હોય. અમે પહેલા પણ આવું કર્યું છે અને ફરી પ્રયાસ કરીશું. સ્મજ (જેમી સ્મિથ) સાથે ક્રીઝ પર સમય વિતાવવાનું સારું રહ્યું. આશા છે કે અમે મેચમાં પાછા ફરીશું.
બ્રુકે ભારતીય બોલરોની પ્રશંસા કરી
ભારતીય બોલરોની પ્રશંસા કરતા હેરી બ્રુકે કહ્યું કે મારા આઉટ થયા પછી જ મેચની દિશા બદલાઈ ગઈ. બ્રુક કહે છે, જો હું આઉટ ન થયો હોત તો અમે આ સ્થિતિમાં ન હોત. આકાશ દીપ અને મોહમ્મદ સિરાજે સારી બોલિંગ કરી. તેમણે વિકેટ લેવા માટે બધી પદ્ધતિઓ અપનાવી.
