Charchapatra

 ‘‘વોક’’ વે કે ‘‘જોક’’ વે

પ્રગતિના પંથનું ઉદાહરણ રૂપ બનતું સુરત શહેર ઝડપથી વિકસતું જાય છે. વિશ્વ ફલક પર પણ તેની ઓળખ બની રહી છે.શહેરમાં વિવિધ વિસ્તારોને જોડવા ૧૦૦ થી વધુ બ્રિજો બની ગયા છે.સ્માર્ટ સિટીના પગરણના પ્રતીક રૂપ મા એરિયાનું રૂપાંતરણ અને સ્પેશિયલ સ્કીમ અંતર્ગત પાકાં મકાનોના બાંધકામ અને જરૂરિયાતોને ફાળવણી પણ થઇ રહી છે. આ સાથે જુની હેરિટેજ મિલકતોને નવું સ્વરૂપ પણ અપાઈ રહ્યું છે. આ જૂની મિલકતોમાં વર્ષ ૨૦૧૫ માં સુરતનો સૌથી જુના હોપબ્રિજ સંલગ્ન વોક વે બ્રિજ બન્યો અને સામાન્ય જન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.

ચમકતી ફરસ, સુશોભિત કળશ,થોડે થોડે અંતરે બેસવાના બાંકડાની વ્યવસ્થા, સફેદ ગોળાકારમાં સ્થાપિત ડેકોરેટીવ લાઈટસ, ઇતિહાસને વાચા આપતું લોકો વાંચી શકે તેવું બોર્ડ. આ બધું ચાલવા આવનાર વ્યક્તિને સ્વાસ્થ્યની સાથે સાથે એક પીકનીક સ્પોટની અનુભૂતિ કરવાના આશય સાથે બનાવવામાં આવ્યું હતું, પણ આજે આ વર્ણિત સુવિધાઓની બાદબાકી થઇ ગઈ છે. સમ ખાવા પૂરતોય એક બાંકડો નથી. સુશોભિત કળશ તો ક્યારનો ગાયબ થઇ ગયો છે. સફેદ ગોળા માંડ થોડા બચ્યા છે. કોઈ પણ વિચારશીલ વ્યક્તિને આ જોઈને આશ્ચર્ય તેમજ દુઃખ બન્ને થાય ને એવી લાગણી ઉદ્ભવે કે બનાવ્યો હતો વોક વે પણ અવિચારી, અશિસ્ત લોકોએ બનાવી દીધો તેને ‘‘જોક’’ વે.
સુરત              – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વેરાવધારો પાછો ખેંચો
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ 2023-24 ના ઇન્ડસ્ટ્રીયલમાં વેરા બિલોમાં 30 ટકા જેટલો ધરખમ વધારો કર્યો છે. મારું ૪૨ હજાર રૂપિયા બિલ આવતું હતું તે 23-24 માં 56 હજાર રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે. એક તરફ વિવર્સ  મંદીનો માર ખાઈ રહ્યા છે. ધંધો સાવ મંદ પડી ગયો છે.  કારખાનાં કેમ ચલાવવાં અને તંત્ર કેમ ચલાવવું તેનાં ફાંફાં છે, ત્યાં આવો 30 ટકા જેટલો ધરખમ કહી શકાય તેવો વેરા બિલમાં વધારો એ  કોઈ પણ સંજોગોમાં ભરી શકાય એમ નથી. સરકાર વિવર્સની હાલની પરિસ્થિતિ જોઇ સમજીને વેરા વધારો  પરત ખેંચે તે ખૂબ જ જરૂરી છે.
સુરત              – વિજય તુઈવાલા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top