Dakshin Gujarat

વ્યારા નગરમાં સુરતી બજાર રોડ પર બે આખલા બાખડ્યા, ૧૫ વાહનનો કચ્ચરઘાણ

વ્યારા: વ્યારામાં (Vyara) રખડતાં ઢોરોનું રાજ ચાલે છે એવું અહીંના રસ્તા જોઈને કહી શકાય. રસ્તા પર આ ઢોરોનો આતંક હવે વધીને લોકો માટે જીવલેણ સાબિત થાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. અઠવાડિયા પહેલાં રખડતાં ઢોરોનાં ટોળાએ વેગી ફળિયાના આકાશ ભટરાજને તેની બાઇક સાથે અડફેટે લીધો હતો. જેમાં તેનાં પગમાં ફેક્ચર થયું હતું. છતાં પાલિકાનું તંત્ર હરકતમાં ન આવતાં વ્યારા સુરતી બજારમાં (Surti Bazar) શનિવારે બપોરે બે આખલાએ (Tow Bulls) રસ્તા પર એવો આતંક મચાવ્યો કે, તેમણે રોડ પર પાર્ક કરેલાં ૧૫થી વધુ વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો.ધોળા દિવસે રસ્તા પર બે માતેલા સાંઢ બાખડતાં આ લડાઈમાં વાહનો સાથે દુકાનધારકોને પણ નુકસાન પહોંચ્યું હતું.

  • અઠવાડિયા પહેલાં ઢોરોનાં ટોળાંએ વેગી ફળિયાના યુવકને અડફેટે લેતાં પગે ફેક્ચર થયું હતું
  • રખડતાં ઢોરોના ત્રાસને અંકુશમાં લેવા હાઇકોર્ટનાં આદેશનો કડક અમલ થતો નથી

માતેલા સાંઢોએ વાહનોને ભારે નુકશાન પહોચાડ્યું હતું
માતેલા સાંઢે પાર્ક કરાયેલાં વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ આખલા લડાઈ લાંબા સમય સુધી ચાલી હતી. બજારમાં થોડાક સમય માટે સન્નાટો છવાયો હતો. વાહનચાલકો, દુકાનધારકોનો થોડા સમય માટે તો જીવ તાળવે ચોંટી ગયો હતો. બજારનો બેંક રોડ એટલે કે સુરતી બજાર પર વાહનોનો ભારે ધસારા સાથે ટ્રાફિક પણ જામ રહે છે. એવામાં બે આખલા એવા બાખડ્યા હતા કે દુકાનદારો, લારી-ગલ્લાવાળા અને વાહનચાલકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. આ આખલાઓને છૂટા પાડવા લોકો પાણી, પથ્થરોનો મારો ચલાવી રહ્યા હતા. આવા ડરના માહોલ વચ્ચે રાહદારીઓએ પોતાના જીવના જોખમે બંને આખલાને છૂટા પાડ્યા હતા.

હાલ તો એક આખલો પકડાઈ જતાં રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો
હુમલો કરનાર આખલાને પાલિકાએ પકડી પાડ્યો હતો. પણ માર ખાનાર આખલો ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. હાલ તો એક આખલો પકડાઈ જતાં રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ આખલાને ગૌશાળામાં મૂકવા માટે સોનગઢ ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતાં ઢોરોના ત્રાસને અંકુશમાં લેવા ગુજરાત હાઇકોર્ટે કરેલા આદેશનો અહીં સખ્તાઈથી અમલ થતો દેખાતો નથી.રોડ પર પાર્ક કરેલાં ૧૫થી વધુ વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો.ધોળા દિવસે રસ્તા પર બે માતેલા સાંઢ બાખડતાં આ લડાઈમાં વાહનો સાથે દુકાનધારકોને પણ નુકસાન પહોંચ્યું હતું.

Most Popular

To Top