Dakshin Gujarat

વ્યારા APMCમાં વેપારીઓ – ખેડૂતો વચ્ચે ઘર્ષણ

વ્યારા ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ દ્વારા કાર્યરત માર્કેટમાં ફળ અને શાકભાજીના ખરીદ-વેચાણના ભાવ બાબતે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘણા દિવસથી શાકભાજીનો ભાવ ઓછો ચૂકવવાનો ખેડૂતોનો આક્ષેપ થઈ રહ્યો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ ત્રણ ચાર દિવસે પણ શાકભાજી અમારી પાસે વેપારીઓ દ્વારા લઈ જવાઈ નથી. માંગ ન હોવાથી સ્ટોક પડી રહે છે. જેથી વધુ ભાવ ચૂકવવા અસમર્થતા દર્શાવી હતી. જ્યારે ખેડૂતોએ શોષણ કરાઇ રહ્યાના વેપારીઓ સામે સીધા આક્ષેપો કર્યા હતા. ઘટના સ્થળે સમય પર પોલીસ આવી જતાં આખરે મામલો થાળે પડ્યો હતો. હરાજી ચાલુ કરવા વેપારીઓ અને ખેડૂતોને સમજાવ્યા હતા.

હાલ વ્યારા માર્કેટ યાર્ડમાં ભીંડા 60થી 100 રૂપિયા મણ, પાલિયા રીંગણ 200થી 300 રૂપિયા મણ, ચાઇના રીંગણ 100થી 120 રૂપિયા મણ, તુવેર 1000થી 1200 રૂપિયા મણ, ગલકાં 60થી 100 રૂપિયા મણ, તુરિયાં 100થી 150 રૂપિયા મણ, કંટોલાં 1000થી 1500 રૂપિયા મણ, ગુવાર 300થી 400 રૂપિયા મણ, કોબીજ 70થી 100 રૂપિયા મણ, દૂધી 100થી 120 રૂપિયા મણ, મરચાં 200થી 400 રૂપિયા મણ, ચોળી 400થી 500 રૂપિયા મણ, ફ્લાવર 300થી 400 રૂપિયા મણનો ભાવ બોલાઇ રહ્યો છે.

જ્યારે બજારમાં ભીંડા 100થી 150 રૂપિયા મણ, પાલિયા રીંગણ 300થી 400 રૂપિયા મણ, ચાઇના રીંગણ 100થી 200 રૂપિયા મણ, તુવેર 1600થી 2000 રૂપિયા મણ, કંટોલાં 2000થી 2500 રૂપિયા મણ, ગુવાર 600થી 800 રૂપિયા મણ છે. આમ, સામાન્ય રીતે જોતાં બહાર બજારમાં ખેતીવાડી માર્કેટ કરતાં દોડથી બેગણો ભાવ વસૂલાઇ રહ્યો છે. માર્કેટમાં કમિશન માર્કેટ એજન્ટ 10 ટકા વેપારી પાસેથી અલગથી વસૂલે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. જ્યારે વ્યારા નગરમાં જ માર્કેટ વિસ્તારમાં સામાન્ય નાગરિકો પાસેથી તગડા ભાવ વસૂલી થતી ઉઘાડી લૂંટ અટકાવવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે. બીજી તરફ વેપારીઓ ખેડૂતો પાસે સસ્તા ભાવે શાકભાજી ખરીદી તેઓનું શોષણ કરી રહ્યાના સીધા આક્ષેપો કરાયા છે.

વ્યારા માર્કેટ યાર્ડના પ્રમુખ પ્રવીણ ગામીત અને મંત્રી રોબીન ગામીતનો સંપર્ક ન થઈ શક્યો
વ્યારા માર્કેટ યાર્ડના પ્રમુખ પ્રવીણભાઇ ગામીતનો આ મામલે સંપર્ક કરતાં તેમનો ફોન કવરેજ વિસ્તાર બહાર તેમજ મંત્રી રોબીનભાઇ ગામીતનો ફોન બંધ આવ્યો હતો. જેથી બંનેમાંથી એકેયનો સંપર્ક થઈ શક્યો નથી.

બારડોલી તાલુકાના ગ્રામજનો ઘરઆંગણે આધાર કાર્ડ અને મા કાર્ડ કઢાવી શકશે
બારડોલી : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે બારડોલી તાલુકા પંચાયત કચેરીના પટાંગણ ખાતે મા અમૃત્તમ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તથા આધારકાર્ડ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોને જરૂરી સરકારી સેવાઓ ઘરઆંગણે ઝડપથી અને સરળતાથી મળી રહે એ માટે સમગ્ર વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ સેન્ટરમાં બારડોલી તાલુકાની ૭૬ જેટલી ગ્રામ પંચાયતના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો નવા આધારકાર્ડ અથવા તેમાં સુધારો-વધારો તેમજ મા અમૃતમ્ કાર્ડ નવું તથા રિન્યુની કામગીરી સરળતાથી કરાવી શકશે.

Most Popular

To Top