SURAT

સચિન GIDC નજીક ઉંબેર ગામમાં સુરતનો કચરો ઠાલવવાની હિલચાલ સામે ઉદ્યોગકારો અને ગામવાસીઓનો વિરોધ

ખજોદ ડાયમંડ બુર્સ પાસે આવેલી પાલિકાની વેસ્ટ કચરાની સાઇટને હજીરાના સુંવાલીમાં શિફ્ટ કરવાની હિલચાલ સામે ગ્રામિણોએ વિરોધ નોંધાવી ભાજપના આગેવાનોને રજૂઆત કરતાં આ સ્થળ પડતું મૂકી હવે સચિન GIDCને અળીને આવેલા ઉંબેર ગામમાં સિટીનો કચરો ડમ્પ કરવા માટે સરકારી જમીનમાં લેન્ડફિલ સાઇટ ડેવલપ કરવા પ્રયત્નો ચાલી રહ્યા છે. તેની સામે ઉંબેર અને તલંગપોર સહિતના ગામો ઉપરાંત સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીએ પણ પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે.

સોસાયટીના સેક્રેટરી નિલેશ કોરાટે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યની બીજા નંબરની સૌથી મોટી સચિન GIDCમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપરાંત કંપનીઓના આઉટલેટ પણ આવેલા છે. દેશભરના વેપારીઓ ઉપરાંત વિદેશી બાયર્સ પણ અહીં ખરીદી કરવા આવતા હોઇ છે.

જો ઉંબેરમાં કચરા ડમ્પિંગની સાઇટ બનાવવામાં આવશે તો સમગ્ર GIDCનો વિસ્તાર તિવ્ર વાસવાળો બની શકે છે. તેવી સ્થિતિમાં વિદેશી બાયરો સુરતની ખોટી છબી લઇને જશે.સોસાયટીના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, સચિન GIDCમાં ૨૩૦૦ જેટલાં નાના-મોટા ઉદ્યોગચાલી રહ્યાં છે. જેમાંથી અંદાજે ૪.૫૦ લાખ લોકો રોજગારી મેળવે છે. આ ઉદ્યોગો દ્વારા સરકારને કોરોડો રૂપિયાની રેવન્યુ મળે છે. એસએમસી દ્વારા સુરત સિટીનો કચરો ડમ્પ કરવા માટે સચિન GIDC નજીકના તલંગપુર ગામ પાસે આવેલા ઉંબેર ગામ ખાતે લેન્ડફિલ્ડ સાઈટ ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે તાત્કાલિક અટકાવી દેવું જોઇએ કારણ કે તેનાથી હજારો કામદારો અને ગ્રામિણોના સ્વાસ્થયને સીધી અસર થશે

Most Popular

To Top