SURAT

બીકોમ, બીએ, એમકોમ અને એમએના એક્સટર્નલના ફોર્મ નવમી જાન્યુઆરીથી ભરાવાના શરૂ થશે

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) બીકોમ, બીએ, એમ.કોમ અને એમ.એના એક્સટર્નલ અભ્યાસક્રમના ફોર્મ (Form) ભરવાની તારીખ જાહેર કરી છે. આગામી નવમી જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ (Online Form) ભરાવાના શરૂ થશે. આ કાર્યવાહી એક મહિના સુધી ચાલશે એટલે કે આગામી તા.9મી ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગત શૈક્ષણિક વર્ષ 2021-22માં યુનિવર્સિટીએ બીકોમ, બીએ, એમકોમ અને એમએના એક્સટર્નલના અભ્યાસક્રમના પ્રવેશની કાર્યવાહી જાન્યુઆરી મહિના અંતમાં સુધી પણ શરૂ નહિ કરી હતી. જેના કારણે સેનેટ સભ્ય કનુ ભરવાડે વાંધો ઉઠાવ્યો હતો અને કુલપતિ ડો .કે.એન. ચાવડાને આવેદન પત્ર આપીને તાકિદે એક્સટર્નલના અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગણી કરી હતી, સાથે-સાથે દર વર્ષે આ પ્રક્રિયા સમયસર શરૂ થાય એવી માંગ કરી હતી.

આ પગલે યુનિવર્સિટીએ 1લી ફેબ્રુઆરી, 2022થી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હતી. ઉપરાંત આવેદન પત્રને ધ્યાને રાખી આ વખતે શૈક્ષણિક વર્ષ 2022-23ના એક્સટર્નલ અભ્યાસક્રમના પ્રવેશ યુનિવર્સિટીએ વહેલા શરૂ કર્યા છે. યુનિવર્સિટીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, બી.કોમ અને બી.એના પહેલા, બીજા સાથે ત્રીજા વર્ષના તથા એમ.કોમ અને એમ.એના પાર્ટ 1 અને 2ના એક્સટર્નલ અભ્યાસક્રમના ફોર્મ આગામી તા.9મી જાન્યુઆરીથી તા.9મી ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. પરીક્ષા કેન્દ્રમાંથી પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીએ જે તે પરીક્ષા કેન્દ્રના કાર્યલયમાં કામકાજ સમયમાં ફોર્મનું વેરિફિકેશન કરાવાનું રહેશે તથા ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવવાના રહેશે. હાલમાં એક મહિના સુધી એક્સટર્નલ અભ્યાસક્રમની પ્રવેશ ફોર્મ ભરાવાની કાર્યવાહી ચાલશે. ત્યાર બાદ લેઇટ ફી સાથે પ્રવેશ ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલશે.

પરીક્ષાઓ 15મી માર્ચથી શરૂ થશે
યુનિવર્સિટીએ એક્સટર્નલ અભ્યાસક્રમના પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવા સાથે વિવિધ પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરી છે. યુનિવર્સિટીના એક્સટર્નલ વિભાગે જણાવ્યું હતું કે આગામી 15 માર્ચથી એક્સટર્નલ અભ્યાસક્રમની પરીક્ષા શરૂ થશે. જેની હોલ ટિકિટ પરીક્ષાના 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ખૂબ જ કાળજીપૂર્વક ભરવાનું રહેશે.

એટીકેટી સોલ્વ કરવાની સમયમર્યાદા દૂર
યુનિવર્સિટીએ એક્સટર્નલના કોર્સમાંથી એટીકેટી સોલ્વ કરવાની સમય મર્યાદા દૂર કરી છે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જૂન-2010 અને અંડર ગ્રેજ્યુએશનમાં જૂન-2011થી રેગ્યુલર કે પછી એક્સટર્નલ અભ્યાસક્રમમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓનો એટીકેટીને કારણે અભ્યાસ અધૂરો રહ્યો હોય, એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરીને એટીકેટી સોલ્વ કરી શકશે.

Most Popular

To Top