Dakshin Gujarat

‘તારો પતિ ગે છે’ સરકારી મહિલા કર્મચારીને આવતો હતો આવો મેસેજ, પછી બન્યું આવું..

વલસાડ: (Valsad) સોશિયલ મીડિયા (Social Media) પર સાયબર બુલિંગની પણ અનેક ઘટનાઓ રોજબરોજ બનતી રહેતી હોય છે. જેમાં ઘણી વખત સરકારી કર્મચારીઓ પણ ભોગ બની જતા હોય છે. આવું જ કંઇ વલસાડમાં ફરજ બજાવતી એક યુવા મહિલા સરકારી કર્મચારી (Government Employee) સાથે બન્યું હતુ. તેના લગ્નમાં ભંગાણ પાડવા માટે એક યુવાન મહિલાને તેના ઇન્સ્ટાગ્રામ પર તારો પતિ ગે છે, જેવા મેસેજ મોકલતો હતો. જેને વલસાડ સાયબર પોલીસે પકડી પાડ્યો છે.

  • સરકારી મહિલા કર્મચારીને ‘તારો પતિ ગે છે’ કહેનારો પકડાયો
  • ચીખલીનો યુવાન વલસાડમાં સરકારી નોકરી કરતી મહિલાને બિભત્સ મેસેજ મોકલતો હતો

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ગુજરાત સરકારના એક સરકારી વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતી 30 વર્ષિય એક મહિલા કર્મચારીના ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક ફેક આઇડી પરથી મેસેજ આવતા હતા. જેમાં તેના જ વિભાગમાં અન્ય જિલ્લામાં જૂનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા તેના પતિ વિષે ટીપ્પણી થતી હતી. આ આઇડી ચલાવનારે જણાવ્યું કે, તારો પતિ ગે છે. વિદ્યાનગરના અભ્યાસ દરમિયાન તે ફેમસ હતો, વિગેરે મેસેજ કરતા મહિલા કર્મચારીએ વલસાડ સાયબર ક્રાઇમમાં તેની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદના આધારે સાયબર પોલીસે શોધ કરતાં આ આઇડી ચીખલીના ચિતાલી ગામનો ચિરાગકુમાર જયંતિલાલ પટેલ હોવાનું બહાર આવ્યું હતુ. જેના પગલે વલસાડ સાયબર પોલીસે ચિરાગની અટકાયત કરી તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચિતાલી ગામના ચિરાગે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે આવું કયા કારણોસર કર્યું તેની તપાસ પોલીસ કરી રહી છે. હાલ પોલીસે તેની અટકાયત કરી પ્રારંભિક પૂછતાછ હાથ ધરી છે.

Most Popular

To Top