Dakshin Gujarat

વ્યારા હાઈવે પર રોંગ સાઇડે આવતી એમ્બ્યુલન્સના ચાલકે બાઇક પર સવાર ત્રણ લોકોને અડફેટે લીધાં

વ્યારા: (Vyara) વ્યારાના કટાસવાણ ગામની (Village) સીમમાંથી પસાર થતા ને.હા.૫૩ ઉપર સુરત-ધુલિયા ધોરી માર્ગ ઉપર કોટવાળિયા દંપતી સહિત ત્રણ જણા મજૂરી કામેથી પોતાના ઘરે પરત થઈ રહ્યાં હતાં. એ વેળા તેઓની બાઇકને (Bike) ૧૦૮ એમ્બ્યુલન્સે (Ambulance) રોંગ સાઇડે આવી સામેથી ટક્કર મારતાં બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતાં સુરત રિફર કરાયો હતો. જ્યારે આ અકસ્માતમાં એક મહિલા અને યુવતીના પગે ફેક્ચર થતાં વ્યારા જનરલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાઈ છે. પોલીસે ૧૦૮ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • કટાસવાણમાં રોંગ સાઇડે આવતી એમ્બ્યુલન્સના ચાલકે બાઇકને અડફેટે લેતાં ત્રણ ઘાયલ, એક ગંભીર
  • એક મહિલા અને યુવતીના પગે ફેક્ચર, ચાલકને સારવાર માટે સુરત સિવિલ ખસેડાયો

કામરેજ તાલુકાના કુમકુમ ગામે શેરડી કાપવાની મજૂરીકામે ગયેલા લગીન સાકા કોટવાળિયા (ઉં.વ.૪૦) (રહે.,સાદડવેલ ગામ, કોટવાળિયા ફળિયું, તા.સોનગઢ) તા.૧૭/૦૫/૨૦૨૩ના રોજ સવારે પોતાની મો.સા નં.(GJ 19 L 7973) ઉપર પાછળની સીટ ઉપર પોતાની પત્ની રીનાબેન તથા કુટુંબી મામાની દીકરી અનિતા સાકરિયા કોટવાળિયા (ઉં.વ.૨૯)(રહે.,ભડભુંજા, તા.ઉચ્છલ, જિ.તાપી)ને બેસાડી પોતાના ઘરે જતા હતા.

એ વખતે સવારે ૯ વાગ્યાના અરસામાં વ્યારાના કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતા ૧૦૮ એમ્બ્યુલન્સ નં.(GJ 18 GB 2496)નો ચાલક એમ્બ્યુલન્સ ઇન્દુ ગામ તરફથી રોંગ સાઇડે પૂરઝડપે હંકારી લાવી મો.સા.ને આગળના ભાગે ટક્કર મારતાં રીનાબેન અને અનિતાબેન તથા લગીનભાઇને ઇજા પહોંચાડી હતી. આથી તેમને અન્ય એક ૧૦૮ એમ્બ્યુલન્સમાં વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડાયાં હતાં. લગીન કોટવાળિયાને ગંભીર ઇજા હોવાથી સુરત સિવિલ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top