Dakshin Gujarat

વલસાડમાં સૂચિત પ્રોજેકટના વિરોઘમાં આદિવાસીઓની વિશાળ રેલી

વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં ગુરૂવારે પાર તાપી નર્મદા લિંક રિવર યોજના, ભારત માલા પ્રોજેક્ટ, વેદાંતા પ્રોજેક્ટ, વાંકલ કંપની મુદ્દો, કપરાડા ખાતે બિલ્ડર દ્વારા આદિવાસીઓની દુકાનોને (Shop) ડિમોલિશન કરવાના પ્રયાસ, સુરત નાશિક ચેન્નઇ એક્સ્પ્રેસ વે સહિત આદિવાસી વિસ્તારોમાંથી પસાર થનારા પ્રોજેક્ટોના (Project) વિરોધમાં ગુરુવારે યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ભાગ લીધો હતો.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે,, જો સરકાર માગણીઓ નહીં સ્વીકારે તો આવનારા દિવસોમાં એક અઠવાડિયા સુધી નેશનલ હાઇવે ચક્કાજામ કરવાનો કાર્યક્રમ કરીશું. વિધાનસભાની ચૂંટણીની તારીખના ભણકારા વચ્ચે વલસાડ કોગ્રેસ કાર્યાલય નજીક વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ, સફારી ભારત પ્રોજેક્ટ, એક્સ્પ્રેસ હાઇવે, વાંકલમાં નિર્માણ થનારી કેમિકલ કંપની સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. પાર, તાપી જ નહીં હવે આદિવાસી વિસ્તારમાંથી પસાર થનારા કોરિડોર, સફારી પાર્ક, ઉદ્યોગિકરણ માટે પણ લડત કરીશું. સરકાર ભાનમાં આવે નહીં તો અદિવાસીઓનો આક્રોશ તેમને ડુબાડી દેશે. સાથે આદિવાસી અસ્તિત્વ બચાવો સયુંકત સંઘર્ષ સમિતિ ગુજરાતના આગેવાન બારકુ રાવુતે સરકારની આદિવાસી વિરોધી નીતિને લઈ આદિવાસી સમાજના અસ્તિત્વ અને અસ્મિતા સામે મોટો પડકાર ઊભો થયો છે ત્યારે હવે આંદોલન ઉગ્ર બનાવીશું તેમ જણાવ્યું હતું. આદિવાસી નેતા કલ્પેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ હાજર રહ્યા હતા.

કપરાડા તાલુકો બંધ કરી દઈશું
કાર્યક્રમ દરમિયાન કપરાડા ખાતે નિર્માણ થઈ રહેલું તાલુકાનું સૌથી મોટા વેપારી સંકુલના માલિકો દ્વારા વર્ષોથી માર્ગની બાજુમાં રોજી રોટી મેળવતા આશરે 63 દુકાનદારોને દુકાન ખાલી કરવામાં આવી રહેલા પ્રયાસો અને કથિત ધમકીઓ અંગે પણ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ જયેન્દ્ર ગામીત સહિત આગેવાનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને યોગ્ય નિરાકરણ નહીં આવશે તો કપરાડા બંધનું એલાન સહિત અન્ય કાર્યક્રમોની ચીમકી આપવામાં આવી હતી.

આદિવાસીઓને સહયોગ નહીં આપતા આદિવાસી નેતાઓને જાકારો આપો
રેલીનું આયોજન સૂચિત નિર્માણ થનારા ડેમ સહિત આદિવાસી વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટના વિરોધ માટે કરાયું હતું. જોકે તેમાં કપરાડાના ભાજપ, કોગ્રેસના મોટા ગજાના આદિવાસી નેતાઓની ગેરહાજરીની ચર્ચા જોવા મળી હતી. અને ચૂંટણીમાં તેમને જાકારો આપવા મંચ પરથી આહવાન કરાયું હતું.

કલેક્ટર કચેરીનો દરવાજો બંધ કરી દેવાતા વાતાવરણ ઉગ્ર બન્યું
કલેક્ટર કચેરી ખાતે રેલી પહોંચી ત્યારે મુખ્ય દરવાજો બંધ કરી દેવાતા પોલીસ સાથે આદિવાસી આગેવાનો વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી. અને એક તબક્કે વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને લોકો માર્ગ ઉપર બેસી ગયા હતા. જોકે પી.આઇ.એ સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

Most Popular

To Top