Dakshin Gujarat Main

પારડીના ધારાસભ્યને કેબિનેટમાં અને કપરાડાના ધારાસભ્યને રાજ્યકક્ષાના મંત્રી બનાવાતા દિવાળી જેવો માહોલ

વલસાડ: (Valsad) રાજ્ય સરકારમાં પારડીના ધારાસભ્ય (MLA) કનુભાઈ દેસાઈને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને રાજયકક્ષાના મંત્રી (Minister) તરીકે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. નાનાપોઢા ચાર રસ્તા ખાતે સમર્થકોએ ફટાકડાઓ ફોડી મીઠાઈ ખવડાવી તેમના નેતાની મંત્રી બનવાની ખુશી મનાવી હતી.

  • સમર્થકો, પદાધિકારીઓએ ફટાકડા ફોડી, મીઠાઈ ખવડાવી ખુશી મનાવી
  • 30 વર્ષ બાદ કપરાડા તાલુકાને ફરી મંત્રી પદ મળ્યું

કપરાડમાં તાલુકા ભાજપ (BJP) પ્રમુખ રમેશ પટેલ, એપીએમસી પ્રમુખ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશ પટેલ, યુવા ભાજપ પ્રમુખ વિપુલ ભોયા સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. કપરાડા તાલુકાને 30 વર્ષ બાદ ફરી ભાજપના શાસનમાં મંત્રી પદ મળ્યું છે. અગાઉ કોંગ્રેસ શાસનમાં સુખાલાના સ્વ. બરજુલભાઈ પટેલને કુટીર ઉદ્યોગ મંત્રી બનાવ્યા હતા. ત્યારબાદ જીતુ ચૌધરી સતત ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા અને વિધાનસભાની ગત પેટા ચૂંટણીમાં તેઓ ભાજપમાં ગયા અને વિજેતા બન્યા હતા. થોડા મહિનામાં જ નવા મંત્રી મંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું કે વલસાડના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે બે ધારાસભ્યોને મંત્રી પદ મળતા વલસાડ જિલ્લા ભાજપ વર્તુળ સાથે સમર્થકો અને જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના નવા મુખ્યમંત્રીના નવા કેબિનેટ મંત્રીમંડળમાં ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલેનો સમાવેશ

નવસારી,ઘેજ : ગુજરાતના નવા મુખ્યમંત્રીના નવા કેબિનેટ મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતના 7 ધારાસભ્યોને મંત્રીપદ મળ્યા છે. જેમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધારાસભ્ય નરેશ પટેલનો પણ સમાવેશ થતા તેમના વતનના રૂમલા ગામમાં કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઇ વહેંચી હતી. ધારાસભ્ય નરેશ પટેલને આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા.

રૂમલાના મોગરાવાડીના નરેશ પટેલે તાલુકા પંચાયતના સભ્યથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખપદે બિરાજમાન થયા હતા. બાદમાં 2007માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉપરાંત રૂપાણી સરકારમાં તેમને ટ્રાયબલ કમિટિના ચેરમેન પદે અને જાહેર હિસાબ સમિતિના સભ્ય પદે પણ નિયુક્તિ કરાઇ હતી.

ઘેજમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ પટેલ, સહકારી મંડળીના ચેરમેન ભરતભાઇ, જિલ્લા પંચાયત સભ્ય સેજલબેન, સરપંચ પદ્માબેન, પૂર્વ સરપંચ વિનોદભાઇ, ડેપ્યુટી સરપંચ કમલેશભાઇ, બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ ડી.બી. પટેલ, ચરીના પૂર્વ સરપંચ ધનસુખભાઇ સહિત કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઇ વહેંચી હતી. ચીખલી હાઇવે પાસે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, મહિલા મોર્ચાના પ્રમુખ ચેતનાબેન દેસાઇ, યુવા મોર્ચાના રવિભાઇ હરણીયા, પંચાયતના સભ્યો, સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવ બારોટ સહિતનાની ઉપસ્થિતિમાં કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી.

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણૂંક થતા નવા ચેહરાઓને સ્થાન મળ્યું હતું. જેમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ અને ગણદેવી તાલુકાના ધારાસભ્ય નરેશ પટેલને કેબિનેટ મંત્રીઓમાં સ્થાન મળ્યું છે. જેથી ગણદેવી ધારાસભ્યએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા પરિવારજનો અને જિલ્લા ભાજપ મંડળમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે સાંજ સુધીમાં ધારાસભ્ય નરેશ પટેલને આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા વિભાગ સોંપવામાં આવ્યું હતું.

Most Popular

To Top