Dakshin Gujarat

મહિલા રાત્રે ચાલવા નિકળી અને મોપેડ ઉપર આવેલા યુવાને થાપાના ભાગે થાપટ મારી છેડતી કરી

વલસાડ: (Valsad) વલસાડના દિક્ષીત મહોલ્લામાં રાત્રે (Night) જમી પરવારીને ચાલવા માટે નીકળેલી એક પરિણીતાને મોપેડ ઉપર આવેલા યુવાને થાપાના ભાગે થાપટ મારીને છેડતી (Eve Teasing) કરતા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.

  • વલસાડના દિક્ષીત મહોલ્લામાં ચાલવા નીકળેલી પરિણીતાની છેડતી
  • પરિણીતાને એકલી જોઈને રાહુલે પાછળથી આવી પરિણીતાના થાપાના ભાગે થાપટ મારીને છેડતી કરી હતી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડની પરિણીતા ગત તા. 21-5-23 ના રોજ રાત્રે જમી પરવારીને પોતાના પાલતુ કુતરા સાથે પગપાળા ચાલવા માટે નીકળી હતી. શાંતિભુવનની પાછળના રોડ ઉપર દિક્ષીત મોહલ્લામાંથી તે પસાર થઈ રહી હતી, ત્યારે વલસાડ પારડીના ટેકરા ફળિયામાં રહેતો રાહુલ શર્મા પોતાની મોપેડ ઉપર આવી રસ્તા પરથી બે-ત્રણ આંટા મારી ગયો હતો. પરિણીતાને એકલી જોઈને રાહુલે પાછળથી આવી પરિણીતાના થાપાના ભાગે થાપટ મારીને છેડતી કરતા પરિણીતાએ બૂમાબૂમ કરતા રાહુલ પોતાની મોપેડ લઈને ભાગી છુટ્યો હતો. ત્યારબાદ સ્થાનિકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. પરિણીતાએ પોતાના પતિ અને સાસુ-સસરાને પણ બોલાવી રાહુલને શોધવા માટે ભારે શોધખોળ કરી હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતા છેડતી કરનારો વલસાડ પારડીના ટેકરા ફળિયામાં રહેતો રાહુલ શર્મા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પાંચ દિવસ બાદ સિટી પોલીસ મથકે પરઇણીતાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

લગ્ન પ્રસંગે કપડાં લેવા જતો યુવાન ટ્રેનમાંથી નીચે પટકાયો
વલસાડ : વલસાડ નજીકના લીલાપોર અને ચીખલા રેલવે ફાટક વચ્ચે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી લગ્નપ્રસંગના કપડાં લેવા જઈ રહેલો એક યુવાન નીચે પટકાતા તાત્કાલિક રાહદારીઓ તથા પરિવારજનોએ ટ્રેનની ચેનપુલિંગ કરીને ટ્રેન અટકાવી યુવાનને સારવાર અર્થે 108 મારફતે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભીલાડમાં પ્રીતેશ હરેશ પ્રજાપતિ (ઉંવ.23) તેના પરિવારમાં લગ્નપ્રસંગ હોવાથી ભીલાડ રેલ્વે સ્ટેશન પરથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને પરિવાર સાથે કપડાં લેવા માટે જઈ રહ્યો હતો. ટ્રેન બીલીમોરા તરફ જઈ રહી હતી, તે દરમ્યાન લીલાપોર અને ચીખલા રેલવે ફાટક વચ્ચે ટ્રેનના દરવાજા પાસે બેઠેલા પ્રીતેશને ચાલુ ટ્રેને ધક્કો લાગતા તે ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો. ઘટનાની જાણ ટ્રેનમાં સવાર અન્ય રાહદારીઓ તથા તે પરિવારના સભ્યોને થતા તાત્કાલિક ટ્રેનની ચેન ખેંચી ટ્રેનને અટકાવી દીધી હતી. પ્રીતેશની માતા અને પરિવારના સભ્યો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. ઇજાગ્રસ્ત પ્રીતેશને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવા માટે પરિવારના સભ્યો અને સ્થાનિક લોકોએ 500 મીટર સુધી પ્રીતેશને હાર્ડ બોર્ડ ઉપર ઉંચકીને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા. ત્યાંથી 108ની ટીમે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર ચાલુ કરીને પ્રીતેશ પ્રજાપતિને સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઘટના અંગે વલસાડ GRPની ટીમને જાણ થતાં GRPની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top