National

નવું સંસદ ભવન: ત્રિકોણાકાર ડિઝાઈન, અગાશી પર ભવ્ય અશોક સ્તંભ, મોરપીંછની થીમ, ડેસ્ક પર સ્ક્રીન

નવી દિલ્હી : દિલ્હીમાં (Delhi) 28મે રવિવારના રોજ નવા સંસદ ભવનનું (New Parliament House) ઉદ્ધાટન થવા જઈ રહ્યુ છે. આ નવા સંસદનું ઉદ્ધાટન પીએમ મોદીના (PM Modi) હસ્તે કરવામા આવશે. આ નવા સંસદ ભવનના ગેટથી લઈને લોકસભા અને રાજ્યસભામાં બેસવા સુધી તમામ વ્યવસ્થાને લઈને શુક્રવારે વડાપ્રધાન મોદીએ એક વીડિયો (Video) શેર કર્યો છે. જેમાં લોકસભા અને રાજ્યસભા બંનેની ખૂબજ જાજરમાન છટા દેખાઈ રહી છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલ નવા સંસદ ભવનની ખાસીયતો તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે.

આ ચાર માળના નવા સંસદનું બ્લુ પ્રિંટ 2019માં તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 2020માં 10 ડિસેમ્બરના રોજ આ નવા સંસદનો પાયો નાખવામાં આવ્યો હતો. નવું સંસદ ભવન 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલું છે જે જૂના સંસદભવન કરતાં 17,000 વર્ગ મીટર મોટું છે. નવા સંસદ ભવનને ત્રિકોણાકાર આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. નવા સંસદ ભવનની અગાશી પર ભવ્ય અશોક સ્તંભ તથા ગેટ પર સત્યમેવ જયતે લખવામાં આવ્યું છે. સંસદ ભવનનુ નિર્માણ કાર્ય કોરોના કાળમાં પણ કરવામાં આવી રહ્યું હતું. જેનું નિર્માણ કાર્ય રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવ્યુ છે.

કલર અને ડિઝાઈનમાં મોરપીંછની થીમ
નવા લોકસભા હોલમાં સંયુક્ત સત્ર માટે 1,272 બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તેના ફ્લોરના પ્લાન માટે રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ રાખવામાં આવી છે. નવા સંસદના મુખ્ય દરવાજાથી અંદર જતા ભારતની હસ્ત કલાનો ભવ્ય નજારો જોવા મળશે. અહીં દિવાલો ઉપર શ્લોક પણ લખવામાં આવ્યા છે. નવા સંસદ ભવનમાં સંવિધાન ભવન પણ છે જે આ ભવનના સેન્ટરમાં આવેલ છે. સાથે આ નવા સંસદમાં Z+ સિક્યુરિટી પણ આપવામાં આવી છે. નવા સંસદ ભવનમાં પ્રવેશ કરવા માટે માત્ર બાયોમેટ્રિક પાસ જ કામ કરશે. સાંસદો માટે તેમજ સ્ટાફ માટે નવો પાસ બનાવવામાં આવશે.

મલ્ટીમીડિયા ડિસ્પ્લે
ગૃહોમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંસદના બંને ગૃહમાં દરેક સાંસદની સીટની સામે મલ્ટીમીડિયા ડિસ્પ્લે લગાવવામાં આવી છે. લોકસભા હોલમાં 888 સાંસદો બેસી શકશે જ્યારે રાજ્યસભા હોલમાં 384 સાંસદો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં અવી છે. ગ્રીન થીમ આધારિત સ્થળ લોકસભા છે જ્યારે રાજ્યસભાની થીમ લાલ રાખવામાં આવી છે.

સ્પીકર અહીં બિરાજમાન થશે
નવી લોકસભામાં સ્પીકરનું આસન ધમ્મ ચક્રની બરાબર નીચે છે. લોકસભામાં વિપક્ષના નેતા આસનની ડાબી બાજુએ એટલે કે વડાપ્રધાનની ખુરશીની સામે જ બેસશે. પાછળની બેઠકો પર લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યો બેસશે. લોકસભામાં વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતાની બેઠક વ્યવસ્થા એવી હશે કે તેઓનો આઈ ટૂ આઈ કોન્ટેક્ટ રહેશે. સાંસદો માટે બેઠક વિસ્તારની ઉપર બાજુની ગેલેરીમાં પત્રકારો અને સંસદની કાર્યવાહી જોવા આવતા મહેમાનો બેશી શકશે. વિઝિટર્સ ગેલેરીમાં 336 થી વધુ લોકોની બેઠક ક્ષમતા છે.

નવા સંસદ ભવનમાં પીએમ બ્લોક સંપૂર્ણપણે અલગ છે. વર્તમાન સંસદ ભવનમાં માત્ર કેબિનેટ મંત્રીઓ માટે ચેમ્બર છે.
નવા સંસદ ભવનમાં રાજ્યકક્ષાના મંત્રીઓનો પણ પોતાનો રૂમ હશે. લગભગ 800 સાંસદો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રમ શક્તિ ભવનની જગ્યાએ સાંસદોનું લાઉન્જ બનાવવામાં આવશે. સાંસદો ફૂડ એપ દ્વારા કેન્ટીનમાંથી ફૂડ ઓર્ડર કરી શકશે.

Most Popular

To Top