Madhya Gujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગૃહસ્થ વિભાગ માટે 46.82 ટકા મતદાન થયું

નડિયાદ: વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની રવિવારે ગૃહ વિભાગની ચાર બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. વડતાલ ખાતે 38 બુથ પર યોજાયેલી આ ચૂંટણીમાં 46.82 ટકા મતદાન થયું હતું.  જોકે, આ ચૂંટણી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ખાતે 94 મતદાન મથક પર યોજાઇ હતી.

જેમાં હરિભક્તોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. આ સમગ્ર ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બનતા સૌએ હાશકારો લીધો હતો. વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિરનો વહીવટ કરતા લક્ષ્મીનારાયણ દેવ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી રવિવારના રોજ યોજાઇ હતી.

આ ચૂંટણી અગાઉ 8મી એપ્રિલ, 20ના રોજ યોજાનાર હતી. પરંતુ કોરોના મહામારીના પગલે મુલત્વી રાખવામાં આવી હતી. અલબત્ત, તે પહેલા ટ્રસ્ટી બોર્ડની સાત બેઠકો પૈકી ત્યાગી વિભાગ, પાર્ષદ વિભાગ અને બ્રહ્મચારી વિભાગના 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયાં હતાં. જ્યારે ગૃહસ્થ વિભાગની ચાર બેઠક માટે દેવપક્ષ, સિદ્ધાંત પક્ષ તથા સત્સંગી પક્ષના 11 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.

વડતાલ, રાજકોટ, સુરત, મુંબઇ, સાવદા અને કુક્ષી ખાતે 94 મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. મતદાન મથકમાં પ્રવેશતા દરેક મતદારોને કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવામાં આવતું હતું. બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા કરાઇ હતી. જેમાં પ્રથમવાર મતદાન કરતા યુવાન મતદારો મતદાન કરી ભાવવિભોર બન્યાં હતાં. વડતાલ ખાતે 38 મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી.

જેમાં સવારે મંગળા આરતી બાદ મતદાન મથકો પર બહાર ગામથી આવેલા મતદાર, હરિભક્તોની લાંબી લાઇનો લાગી હતી. મોડી સાંજ સુધી ચાલેલા મતદાનમાં 46.82 ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીની મતગણતરી 16મીના રોજ વડતાલ ખાતે યોજાશે. તે પહેલા 15મીના રોજ સુરત, રાજકોટ, મુંબઇ, કુલી તથા સાવદા ખાતેથી મતપેટીઓ વડતાલ ખાતે આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top