વડોદરા ડબલ મર્ડર કેસ: પત્ની અને દીકરીને આઈસ્ક્રિમમાં ઝેર આપી બન્નેનું ગળું દબાવી દીધું

વડોદરા: (Vadodra) ગાંધીનગરના પેથાપુરની ઘટના હજી શાંત પણ થઈ નથી ત્યાં વડોદરામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં વધુ એક ડબલ મર્ડરનો (Murder) બનાવ બન્યો છે. જેમાં પતિએ ઘરકંકાસના કારણે પોતાની જ પત્ની અને પુત્રીની (Wife And Daughter) નિર્દયતા પૂર્વક હત્યા કરી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પતિએ જ પત્ની અને પુત્રીને આઈસ્ક્રિમમાં ઝેર (Poison) ખવડાવી ગળુ દબાવી હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ પોલીસ તપાસમાં થયો છે. સમા પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે. પતિએ જ પત્ની અને પુત્રીનું મર્ડર કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પતિએ પત્ની અને દિકરીને આઈસ્ક્રિમમાં ઝેર ખવડાવી ગળુ દબાવી હત્યા કરી હોવાની જાણકારી પોલીસ તપાસમાં બહાર આવી છે. ઝેર મિશ્રીત આઇસ્ક્રીમ ખવડાવ્યા બાદ પત્નીએ થોડા સમય બાદ ડુસકા ભરવાનું શરૂ કરતા પતિએ પત્નીનું ગળું દબાવી દીધું હતું. તે સમયે તેના નખ પત્નીના ગળામાં વાગ્યા હતા. પત્નીનું ગળું દબાવ્યા બાદ તેણે દીકરીનું ગળું દબાવી દીધું હતું.

આ રીતે આપ્યો ઘટનાને અંજામ

વડોદરાના સમા વિસ્તારના ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા શોભના પટેલ અને પુત્રી કાવ્યા પટેલના શંકાસ્પદ મોત થયા હતા. જે મામલે પોલીસે સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, જે રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. ઘટનાની વિગત મુજબ 11 ઓક્ટોબરના રોજ પત્ની અને પુત્રી ગરબા રમીને ઘરે આવ્યા હતા. તે સમયે આરોપીએ અગાઉથી નક્કી કરેલ પ્લાન મુજબ આઈસ્ક્રીમ લાવી તેમાં ઉંદર મારવાની દવા ભેળવી પત્ની અને પુત્રીને ખવડાવી દીધી હતી. ત્યાર બાદ તે એક કલાક સુધી તેમની સાથે રહ્યો હતો, જેથી તેની નજર સામે જ બંનેનુ મોત થાય. ઉંદર મારવાની દવાથી મોત ન મળતા આખરે પતિએ રાત્રે પત્નીનું ગળું દબાવી અને પુત્રીનું ઓશિકાથી મોઢું દબાવી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહો પાસે આરોપી પતિ બે કલાક સુધી બેસી રહ્યો અને બંનેના મોત થયાની ખાતરી કરી હતી. ત્યારબાદ પત્ની અને પુત્રીને કઈ થઈ ગયું હોવાનું નાટક કરી પરિવારજનોને ઉઠાડ્યા હતા. પતિ પોતે જ બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ખાનગી હોસ્પિટલના તબીબોને શંકા જતા બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમા પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts