Vadodara

રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા વડોદરા-દાહોદ મેમૂ ટ્રેનનો શુભારંભ

 વડોદરા: રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ (Darshana Jardosh) દ્વારા સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ, માનનીય મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય કેયુરભાઈ નારાયણદાસ રોકડિયા સહિત અન્ય જાણીતા મહેમાનોની ગરિમામય ઉપસ્થિતિમાં વડોદરા સ્ટેશનથી નવી વડોદરા દાહોદ મેમૂ ટ્રેનને (Memu Train) પ્રસ્થાન સંકેત દેખાડી શુભારંભ કરવામા આવ્યો હતો.

આ અવસર ઉપર ઉપસ્થિત જન મેદનીને સંબોંધિત કરતાં મંત્રી દર્શનાબેન જરદોશએ જણાવ્યું હતું કે વર્ષો જૂની આ ટ્રેનની માંગણી આજે પૂરી થઈ રહી છે. આમાં સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ અને સંસદ સભ્ય જશવંત સિંહ ભાભોરના સતત પ્રયત્નોથી ક્ષેત્રના રહેવાસીઓને આ ભેટ મળી છે. આનાથી સવારે વડોદરાથી દાહોદ તરફ જવા અને સાંજે પરત આવવા માટે આસપાસના રહેવાસીઓને આ સુવિધાનો પૂરો લાભ મળશે. વડોદરા અને દાહોદ વચ્ચે ચાલનારી આ ત્રીજી મેમૂ સેવા છે.ભારત સરકાર રેલવેના આધુનિકીકરણમાં યુદ્ધના સ્તરે પ્રયત્ન કરી રહી છે અને હવે આ પ્રયત્ન પ્રત્યક્ષરૂપે દેખાઈ પણ રહ્યા છે.

વડોદરા મંડળના ડીઆરએમ જીતેન્દ્ર સિંહના મુજબ આ થ્રી ફેસ મેમૂ છે જે ટ્રેક ઉપર દોડતી વખતે પાવર રિજનરેટ કરે છે. આનાથી અમને 30% વિજળીની બચત થશે અને રેલવેને આર્થિક લાભ પણ થશે. આ ટ્રેનમાં સીસીટીવી કેમેરા, યાત્રી સૂચનાની ડિજિટલ સિસ્ટમ, ઉદઘોષણા સિસ્ટમ, બાયો ટોયલેટ, એઇડી લાઈટ્સ જેવી આધુનિકતમ સુવિધાઓ છે. તેમના મુજબ આ મેમૂમાં આધુનિકતમ એર સ્પ્રિંગ ટેકનીકના કોચ છે જે યાત્રા દરમિયાન બહેતર રાઈડીંગ કમ્ફર્ટ આપે છે. જેનાથી યાત્રા આરામદાયક થાય છે. આ મેમૂમાં 2800 થી વધુ યાત્રીઓ મુસાફરી કરી શકે છે. આ કાર્યક્રમના આરંભમાં ડીઆરએમ જીતેન્દ્ર સિંહે તમામ જાણીતા મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું અને ભાષણ આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સતીશ શર્મા અને પ્રિંકલ બેગડાએ કર્યું હતું.

Most Popular

To Top