SURAT

પોકસોના ગુનામાં કોર્ટ દ્વારા આરોપીઓ સામે ફોજદારી ગુન્હો નોંધી પી.આઈ વિરુદ્ધ કાર્યવાહી કરવા કોર્ટનો આદેશ

સુરત: કતારગામ પોલીસે (Police) કિશોરીની છેડતી (POCSO) કેસમાં ફરિયાદ ન લેતા કોર્ટે આરોપીઓ વિરુધ્ધ ફોજદારી ગુન્હો નોંધી પી.આઈ, વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ ફરમાવ્યો છે. તા.5/8/2023 ના રોજ બપોરના સમયએ બે પક્ષકારો વચ્ચે થયેલા ઝગડાની અદાવત રાખી સામા પક્ષે રાત્રીના સમયમાં 14 વર્ષની કિશોરીની છેડતી કરી હતી. જે બાબતે ફરિયાદીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કર્યા ના 6 દિવસ બાદ પણ કતારગામ પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટના (Court) દરવાજા ખખડાવવા પીડિત પરિવાર મજબૂર બન્યું હતું.

આ મામલે વકીલ વિશાલ આરીવાલાએ જણાવ્યું હતું કે ઘટના 8 મા મહિનાની હતી. આરોપીઓએ ફરિયાદી સાથે ઝગડો કરતા પોલીસ દ્વારા સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ રાત્રિના 10 થી 10:30 વાગ્યાના અરસામાં આરોપીઓએ બપોરના ઝગડાની અદાવત રાખી ફરિયાદીના ઘરમાં ઘુસી ફરિયાદીની 14 વર્ષની બાળકી સાથે છેડતી કરી હતી. જેની ફરિયાદ પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર ઉપર આપવા છતાં કતારગામ પોલીસ સ્ટેશન દ્વારા બનાવના 6 દિવસ બાદ પણ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. ત્યારબાદ ફરિયાદી દ્વારા બનાવ બાબતે પોલીસ કમિશનરને પણ લેખિત ફરિયાદ કરવા છતાં આરોપીઓ વિરુધ્ધ ગુન્હો નોંધવા બાબતે કોઈ કાર્યવાહી ન થતાં આખરે કંટાળીને ફરિયાદી દ્વારા નામદાર પોકસોની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ આપવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, નામદાર એડિશનલ સેસન્સ (પોકસો સ્પે.) જજ દ્વારા ફરિયાદી તેમજ તેમના સાહેદોના સી.આર.પી.સી ની કલમ 202 અન્વયે નિવેદન નોંધવામાં આવ્યા હતા. જેમાં ભોગ બનનારની બનાવ સમયે ઉમર 14 વર્ષ 2 માસ જેટલી છે એટલે કે તેણી સગીર છે અને આ તબક્કે પુરાવાનું મૂલ્યાંકન કરવાનું રહેતું નથી પરંતુ પ્રાથમિક રીતે તમામ સાહેદોના પુરાવાઓ જોતાં પોકસો એકટની કલમ 7 અને 8 મુજબ ભોગ બનનાર પર આરોપીઓએ છેડતી કરી જાતીય હુમલો કર્યો હોય તેવું પ્રાથમિક રીતે તપાસમાં અને તે જ રીતે આઈ.પી.સી. 354(અ) મુજબ તેણીની છેડતી કરી તેણી પર બળ વાપરીને હુમલો કરી તેણીનું શીલ ભંગ કર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાય આવ્યુ હતું.

જેથી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ઈ.પી.કો. કલમ 354(એ), 114 તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ ઓફેન્સ એક્ટની કલમ 7 અને 8 મુજબ આરોપીઓ વિરુધ્ધ ફોજદારી કેસ રજીસ્ટર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ કતારગામ પોલીસ સ્ટેશનમાંના ચાર્જ ધરાવતા કતારગામ પોલીસ સ્ટેશનના પી. આઈ. એ પોક્સો એક્ટમાં કલમ 21 માં આ પ્રકારના ગુનાની ફરિયાદ ન નોંધવા અંગે તપાસ કરી ખુલાસો લઈ યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ છે તે અનુસાર સંબંધિત પી.આઈ. સામે યોગ્ય તે કાયદેસર કાર્યવાહી કરવા કમિશનરને હુકમ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top