Gujarat

વડોદરા: વઘોડિયામાં એક જ પરિવારના 3 સભ્યોના મૃતદેહ મળતા ચકચાર

વડોદરા: વડોદરાના (Vadodara) ડભાઈ (Dabhoi) -વાઘોડિયામાં (Vaghodiya) સામૂહિક જીવન ટૂંકાવી દેવાની ઘટના સામે આવી રહી છે. વાઘોડિયાના રિંગ રોડ વિસ્તારમાં એક જ પરિવાના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પુત્ર અને પત્નીની હત્યા બાદ યુવકે પણ ફાંસી લગાવી જીવન ટૂંકાવી દીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. હાલ પોલીસે મૃતદેહ કબજે લીધા બાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર ડભોઈ-વાઘોડિયા રોડ પર આવેલાા દર્શનમ ઉપવન ડુપ્લેક્ષમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક રીતે જીવનનું અંતિમ પગલું ભર્યું હવાનું જાણવા મળી રહ્યું છે. દર્શનમ ઉપવન ડુપ્લેક્ષના મકાન નં-102માં રહેતા 30 વર્ષીય પ્રિતેશભાઈ પ્રતાપભાઈ મિસ્ત્રીએ શેરબજારનું કામ કરતા હતા. તેઓ તેમની પત્ની અને 7 વર્ષના પુત્ર સાથે અહીં રહેતા હતા. ત્યારે આજે સવારે પ્રિતેશભાઈ, તેમના પત્ની સ્નેહાબેન મિસ્ત્રી (ઉ.વ 32) અને પુત્ર હર્ષિલ પ્રિતેશભાઈ મિસ્રીના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ પરિવાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રિતેશભાઈ પહેલા તેની પત્ની અને પુત્રને ઓશિકાથી મોઢું દબાવી મારી નાખ્યા હતા અને ત્યાર બાદ પોતે ફાંસી લગાવી લીધી હતી.

દીવાલ પર લખ્યું હતું: અમે અમારી મરજીથી આપઘાત…
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર જ્યારે ઘરમાં પ્રવેશી ત્યારે ઘરની દીવાલો પર લખ્યું હતું, અમે અમારી મરજીથી આપઘાત કરીએ છીએ, આમાં કોઈ જવાબદાર નથી. વધુમાં તેમણે કહ્યું કે આ ઘટનાની જાણ સૌ પ્રથમ માતાએ આપી હતી. આજે સવારે માતાએ આવીને જોયું તો માતા રડવા લાગી અને તેમનો આક્રંદ સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને પોલીસને જાણ કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે પ્રિતેશભાઈને ઘણું દેવું થઈ ગયું હતું, જેના કારણે તેમણે પરિવાર સહિત અંતિમ પગલું ભર્યું હતું.

દેવુ વધી જતા આપઘાત કર્યો હોવાની આશંકા
પ્રિતેશભાઈના મિત્ર કેતન ચુનારાએ જણાવ્યું હતું કે ગતરાત્રે પ્રિતેશભાઈએ તેમની માતાને મેસેજ કર્યો હતો તે આવતી કાલે સવારે ઘરે આવજો, જમવા જવાનું છે. જ્યાકે તેમના માતા સવારે પ્રિતેશભાઈના ઘરે પહોંચ્યા હતા ત્યારે પ્રિતેશભાઈને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા, અને તેમની પત્ની અને પુત્રનો મૃતદેહ પલંગ ઉપર પડ્યા હતા. મળતી માહિતી અનુસાર પ્રિતેશભાઈએ બેંકોમાંથી લોન લીધી હતી અને ખૂબ જ દેવું થઈ ગયું હતું. દેવુ થઈ જવાના કારણે પ્રિતેશભાઈએ પરિવાર સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top