National

ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાના 100 કલાક પૂરા, હવે 40 મજૂરોને બચાવા નોર્વે-થાઇલેન્ડની મદદ લેવાઇ

દેહરાદૂન: ઉત્તરાખંડમાં (Uttarakhand) ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં (Tunnel Accident) ફસાયેલા મજૂરોને લગભગ 100 કલાક પછી પણ બહાર કાઢવામાં (Rescue) સફળતા મળી નથી. સુરંગમાં 40થી વધુ કામદારો ફસાયા છે. કામદારોના પરિવારજનોની ધીરજ બંધ થવા લાગી છે. આ સાથે જ બાંધકામ એજન્સી દ્વારા કામદારોને બહાર કાઢવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે.

નિર્માણાધીન સિલ્ક્યારા ટનલ 12 નવેમ્બર એટલે કે દિવાળીના રોજ સવારે લગભગ 4 વાગે ખાબકી હતી. નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL), NDRF, SDRF, ITBP, BRO અને નેશનલ હાઈવેના 200 થી વધુ લોકોની ટીમ ફસાયેલા લોકોને બચાવવા માટે 24 કલાક કામ કરી રહી છે. આ પછી પણ હજુ સુધી એક પણ મજૂરને બહાર કાઢવામાં સફળતા મળી નથી. જો કે હવે ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી છે.

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. બુધવારે દિલ્હીથી હેવી ઓગર મશીન લાવવામાં આવ્યું હતું. એરફોર્સના ત્રણ સ્પેશિયલ એરક્રાફ્ટ 25 ટન વજનનું હેવી મશીન લઈને આવ્યા હતા. આ મશીનોની મદદથી કલાકે 5 મીટરનો કાટમાળ દૂર કરી શકાય છે અને સ્ટીલની પાઇપ દ્વારા કાટમાળને ઘૂસીને બીજી તરફ લઈ જઈ શકાય છે. એરફોર્સના હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા ત્રણ બેચમાં લાવવામાં આવેલા ઓગર મશીનોને ચિન્યાલીસૌર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા.

રાહત અને બચાવ મિશનના પ્રભારી કર્નલ દીપક પાટીલે જણાવ્યું કે અમેરિકામાં બનેલ જેક અને પુશ અર્થ ઓગર મશીન ખૂબ જ અદ્યતન છે, જે ખૂબ જ ઝડપથી કામ કરશે. હવે મિલિટરી ઓપરેશન ટીમ પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. આ સાથે એરફોર્સ અને આર્મી પણ બચાવ કાર્યમાં મદદ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે હવે ટનલમાં ફસાયેલા 40 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે નોર્વે અને થાઈલેન્ડની વિશેષ ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે. રેસ્ક્યુ ટીમે થાઈલેન્ડની એક રેસ્ક્યુ કંપનીનો સંપર્ક કર્યો છે. થોડા સમય પહેલા આ જ કંપનીએ થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકોને બચાવ્યા હતા.

Most Popular

To Top